મિસ્ટર 360ની ભવિષ્યવાણી, ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોહલી-બુમરાહ નહીં પણ આ ખેલાડી X ફેક્ટર સાબિત થશે
AB De Villiers Made Huge Prediction For Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે, જ્યારે 23 ફેબ્રુઆરીએ તેનો સામનો તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ આ ICC ટુર્નામેન્ટ માટે ટીમનું એલાન કરી દીધું છે. બધાની નજર ફરી એકવાર વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ પર રહેશે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમનું પ્રદર્શન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જોકે મિસ્ટર 360એ એક મોટી ભવિષ્યવાણી કરી છે. એબી ડી વિલિયર્સે ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોહલી કે બુમરાહને નહીં પરંતુ બોલર કુલદીપ યાદવને X ફેક્ટર ગણાવ્યો છે. તેનું માનવું છે કે, ચાઈનામેન બોલર કુલદીપ યાદવ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
કુલદીપ યાદવ ટીમ ઈન્ડિયા માટે X ફેક્ટર સાબિત થશે
પોતાની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં એબી ડી વિલિયર્સે કહ્યું કે, સ્ટાર લેફ્ટ આર્મ લેગ સ્પિનર કુલદીપ યાદવ ટીમ ઈન્ડિયા માટે X ફેક્ટર સાબિત થશે. આનું કારણ એ છે કે, તે દુબઈની સ્પિન-ફ્રેન્ડલી પિચો પર અસરકારક સાબિત થઈ શકે છે, જ્યાં ભારત તેની બધી મેચ રમશે.
ડી વિલિયર્સે કહ્યું કે, કુલદીપ યાદવ પણ ભારતીય ટીમમાં છે અને મને લાગે છે કે, તે ભારત માટે X ફેક્ટર સાબિત થઈ શકે છે. ભારત પોતાની મેચ દુબઈમાં રમવા જઈ રહ્યું છે. ત્યાંની પિચ પર સ્પિનરને ફાયદો મળી શકે છે. કુલદીપ ભારત માટે સારું પ્રદર્શન કરી શકે છે.
ઈજાથી પરેશાન કુલદીપ યાદવ ઈંગ્લેન્ડ સામેની વનડે સીરિઝમાં વાપસી કરવા જઈ રહ્યો છે. ભારતે 6 ફેબ્રુઆરીથી ઈગ્લિશ ટીમ સામે 3 મેચની વન ડે સીરિઝ રમવાની છે, ત્યારબાદ ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થશે. ફોર્મમાં પાછા આવવા માટે કુલદીપ માટે આ સીરિઝ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જોકે, વન ડે સીરિઝ પહેલા કુલદીપ રણજી ટ્રોફી પણ રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી , અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, યશસ્વી જયસ્વાલ, કુલદીપ યાદવ.