સંકટના સમયમાં વિરાટની વહારે આવ્યો 'ખાસ મિત્ર', કમબેક માટે જણાવી અસરદાર ફોર્મ્યૂલા
AB De Villiers on Virat Kohli: ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાની ફજેતીએ ભારતીય ચાહકોને ખૂબ જ નિરાશ કર્યા છે. ઓસ્ટ્રેલિયાના આક્રમણનો સામનો ન તો કિંગ કોહલી કરી શક્યો કે ન તો હિટમેન રોહિત કરી શક્યો. ડોમેસ્ટિક સીરિઝમાં ન્યુઝીલેન્ડના હાથે વ્હાઈટવોશનો સામનો કરીને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા ભારતીય દિગ્ગજો કંઈ મોટું ન ખાસ ન કરી શક્યા અને ચાહકોના નિશાના પર આવી ગયા. વિરાટ કોહલીએ તો 9 ઈનિંગમાં એક જ વખત ત્રણ અંક (100*)નો સ્કોર બનાવ્યો. તે આખી સીરિઝ દરમિયાન એક જ રીતે પોતાની વિકેટ ગુમાવતો રહ્યો.
કોહલી અને રોહિત શર્મા ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, જેના કારણે ભારતને 5 મેચની આ સીરિઝમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ આ સીરિઝની 9 ઈનિંગ્સમાં માત્ર 190 રન બનાવ્યા હતા. ઓફ સ્ટમ્પની બહાર જતા બોલને રમવાનો પ્રયાસ કરતી વખતે તે સતત આઉટ થયો હતો. કોહલીને આ ખરાબ તબક્કામાંથી બહાર કાઢવા માટે તેનો ખાસ મિત્ર એબી ડિ વિલિયર્સ ફરી એક વખત તેની વહારે આવ્યો છે.
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ એવી ડિ વિલિયર્સે RCBના પોતાના પૂર્વ સાથી વિરાટ કોહલીને ખરાબ ફોર્મમાંથી બહાર નીકળવા માટે પોતાના દિમાગને રિસેટ કરવા અને મેદાનમાં કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવાની સલાહ આપી છે. આપણે હંમેશા એ જોયું છે કે, વિરાટ કોહલી જ્યારે પણ ફોર્મના કારણે ટીકાનો શિકાર બન્યો છે ત્યારે ડિ વિલિયર્સે તેને સાથ આપ્યો છે.
ડિ વિલિયર્સે X પર કહ્યું કે, 'મારું માનવું છે કે, દરેક વખતે આપણા દિમાગને રિસેટ કરવું જરૂરી છે. મને લાગે છે કે, વિરાટ મેદાનમાં લડાઈમાં સામેલ થઈ જાય છે. તે જ તેની સૌથી મોટી તાકાત છે અને તે જ તેની સૌથી મોટી કમજેરી પણ હઈ શકે છે. આ સીરિઝ દરમિયાન આપણે જોયું કે, કેટલાક ખેલાડીઓ સાથે તેની વ્યક્તિગત લડાઈ થઈ અને દર્શકોએ તેને પરેશાન કરી મૂક્યો. વિરાટને લડાઈ પસંદ છે પરંતુ જ્યારે તમે તમારા જીવનના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી હોતા ત્યારે આ બધી બાબતોથી છુટકારો મેળવી લેવો સૌથી યોગ્ય છે. એક બેટ્સમેન તરીકે તમારી જાતને ફરીથી તૈયાર કરવી મહત્વપૂર્ણ છે. દરેક બોલ મહત્વનો હોય છે પછી ભલે બોલર કોઈ પણ હોય.'
આ પહેલીવાર નથી જ્યારે ડિ વિલિયર્સ કોહલીની ફોર્મમાં વાપસી માટે તેની વહારે આવ્યો છે. ઈંગ્લેન્ડના 2021ના ભારતના પ્રવાસ દરમિયાન ટેસ્ટ સીરિઝમાં કોહલી સારું પ્રદર્શન નહોતો કરી શક્યો અને તે 4 ટેસ્ટ મેચની 6 ઈનિંગ્સમાં 172 રન બનાવવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ તે T20 સીરિઝની પહેલી જ મેચમાં શૂન્ય (0) પર આઉટ થઈ ગયો હતો. કોહલી તેના ફોર્મને લઈને ઘણો ચિંતિત હતો. તેણે ફોર્મમાં વાપસી કરવા માટે ડી વિલિયર્સ સાથે વાત કરી હતી.