એબી ડી વિલિયર્સ અને બ્રેટ લીએ એક જ ટીમ પર લગાવ્યો દાવ, આ ટીમ જીતશે IPL 2024નો ખિતાબ
આઈપીએલ 2024ની પહેલી મેચ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે
IPL 2024: આઈપીએલ 2024ની શરૂઆત પહેલા ક્રિકેટ પંડિતો ભવિષ્યવાણી કરી રહ્યા છે. કઈ ટીમ આઈપીએલ 2024ની ફાઈનલમાં પહોંચશે અને કઈ ટીમ આ ખિતાબ જીતશે. ત્યારે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના બે પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ એબી ડી વિલિયર્સ અને બ્રેટ લીએ આઈપીએલ 2024ની વિજેતા ટીમ વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. નવાઈની વાત એ છે કે આ બંનેએ એક જ ટીમ પર દાવ લગાવ્યો છે.
જાણો શું કરી ભવિષ્યવાણી
એબી ડી વિલિયર્સનું માનવું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) મહિલા ટીમે ડબલ્યુપીએલ 2024નો ખિતાબ જીતીને ચક્ર તોડી નાખ્યું છે. આગામી સિઝન આરસીબી જીતી શકે છે. એક મીડિયા ઈન્ટરવ્યુમાં એબી ડી વિલિયર્સે જણાવ્યું હતું કે, 'મારૂ માનવુ છે કે અમે આઈપીએલ 2024નો ખિતાબ જીતી શકીએ છીએ. મને લાગે છે કે મહિલા ટીમે બંધનો તોડી નાખ્યા છે, ફરી એકવાર આરસીબી બેક ટુ બેક જીત નોંધાવી શકે છે. આશા છે કે અમે આ સિઝનમાં વધુ મજબૂત બનીશું.'
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ પણ એબી ડી વિલિયર્સ સાથે સહમત થતા છે. તેમણે કહ્યું કે, 'હું વાસ્તવમાં 10 ફ્રેન્ચાઇઝીની ટીમોની યાદી જોઈ રહ્યો હતો, અને એટલા માટે નહીં કે તે (એબી ડી વિલિયર્સ) મારી બાજુમાં બેઠો છે, પરંતુ મને લાગે છે કે આરસીબી પાસે આઈપીએલ 2024 જીતવાની ખૂબ સારી તક છે.'
આરસીબીની ટીમમાં આ મોટા ખેલાડીઓ છે
આરસીબીની ટીમમાં વિરાટ કોહલીથી લઈને ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ જેવા મોટા ખેલાડીઓ છે. આ કારણે તેમની બેટિંગ લાઈનઅપ ઘણી મજબૂત બની છે. જો કે, આરસીબી બોલિંગમાં મજબૂત નથી. આ વખતે જોશ હેઝલવુડ અને વાનિન્દુ હસરંગા ટીમમાં નથી. બોલિંગ આગેવાની મોહમ્મદ સિરાજ કરી રહ્યો છે. સાથે લોકી ફર્ગ્યુસન, રીસ ટોપ્લી અને અલ્ઝારી જોસેફ હશે. આ સિવાય તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટેસ્ટ ટીમમાં ડેબ્યૂ કરનાર આકાશદીપ પણ આરસીબીની બોલિંગ યુનિટનો એક ભાગ છે.
ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2024ની તૈયારીઓ થઈ ગઈ છે. સીઝનની પહેલી મેચ 22મી માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ માટે આરસીબી કેમ્પમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.