IPL 2024: રોહિત શર્માના સિલેક્શન મુદ્દે આકાશ ચોપડાએ ઉઠાવ્યા સવાલ ? 'ફેક ન્યૂઝ'થી અકળાયા આકાશ ચોપરા
Image: freepik
IPL 2024: IPL 2024માં ચોગ્ગા-છગ્ગા-વિકેટોની વરસાદ વચ્ચે ચોતરફ ફેક ન્યૂઝ પણ ફેંકાઈ રહ્યાં છે. લોકો 'ફેક ન્યૂઝ' દ્વારા સોશિયલ મીડિયા પર વધારે વ્યૂ મેળવીને પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બધા વચ્ચે હવે પૂર્વ ભારતીય ક્રિકેટ અને કોમેન્ટેટર આકાશ ચોપરા સંબંધિત એક અહેવાલે તેમને ગુસ્સો અપાવ્યો છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર આકાશ ચોપરાના નામે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે, જે રોહિત શર્મા સાથે સંબંધિત છે. હવે આકાશે આ ફેક ન્યૂઝ પર પ્રતિક્રિયા આપી છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે X દ્વારા ફેક ન્યૂઝ અંગે આક્રોષ ઠાલવ્યો છે અને ખુલાસો આપ્યો છે પરંતુ તે પહેલા ચાલો જાણીએ કે આ ફેક ન્યૂઝ શું હતા? હકીકતમાં, એક સોશિયલ મીડિયા પેજ પર જણાવાયું છે કે આકાશ ચોપરાએ રોહિત શર્મા વિશે કહ્યું કે તેને ટી20 વર્લ્ડ કપ 2024 માટે સિલેક્ટ જ કરવો નહોતો જોઈતો અને જુઓ હવે તે IPLના પાવરપ્લેમાં પણ ફેલ થઈ રહ્યો છે.
આ ફેક ન્યૂઝ પર પ્રતિક્રિયા આપતા આકાશ ચોપરાએ લખ્યું, "આઈપીએલ નફરત અને ફેક ન્યૂઝ અને આ પ્રકારની બકવાસ ફેલાવવાનો શ્રેષ્ઠ સમય બની ગયો છે. ફેન્સ પણ તેની પ્રશંસા અને શેર કરવા હંમેશા હાજર જ હોય છે. મને ક્યારેક આશ્ચર્ય થાય છે કે views અને engagement કરતાં નૈતિકતા વધુ મહત્વપૂર્ણ છે."
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ મોટાભાગના લોકોએ ટીમને સારી ગણાવી હતી. જોકે કેટલાક લોકોએ આ સિલેક્શન પર સવાલ ઉઠાવ્યા હતા. આ ટીકાઓ વચ્ચે આકાશ ચોપરાના નામે આ ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા.