ભારતના સ્ટાર ખેલાડીને વોર્નિંગ, ઇંગ્લેન્ડ સામે સારું પ્રદર્શન નહીં કરે તો ટીમમાંથી થશે હકાલપટ્ટી
Aakash Chopra on Abhishek Sharma : સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ હવે ભારતનું ટીમ મેનેજમેન્ટ નવી T20 ટીમને તૈયાર કરી રહી છે. જેમાનો એક ખેલાડી અભિષેક શર્મા પણ છે, કે જેને ટોપ ઓર્ડરમાં સતત તક મળી હતી છતાં પણ તે પોતાના પ્રદર્શનમાં સુધારો કરી શક્યો નથી. અભિષેક પાસે મેદાનની ચારેય તરફ શોટ મારવાની યોગ્યતા છે. તેણે જુલાઈ 2024માં ઝિમ્બાબ્વે સામે માત્ર 47 બોલમાં સદી ફટકારી હતી. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે.
શું કહ્યું આકાશ ચોપરાએ?
આકાશ ચોપરાએ અભિષેક શર્માના ફોર્મને લઈને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'અભિષેકના ફોર્મમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. પોતાની કારકિર્દીની બીજી T20 મેચમાં તેણે ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી હતી. તેનામાં ટેલેન્ટ છે, પરંતુ તેના પ્રદર્શનમાં કોઈ સુધારો થયો નથી. મને લાગે છે કે આ તેના માટે છેલ્લી તક છે. આ મેચમાં તેણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.'
તો તેની જગ્યા યશસ્વી જયસ્વાલ લઇ લેશે
વધુમાં આકાશ ચોપરાએ કહ્યું હતું કે, 'અભિષેક શર્માએ એ જ કામ કરવું પડશે કે જે સંજુ સેમસને છેલ્લી 3 મેચમાં કર્યું હતું. જો આવું તે નહી કરે તો તેની જગ્યા યશસ્વી જયસ્વાલ કે બીજું કોઈ લઇ લેશે. શર્માએ અત્યાર સુધીમાં T20 ક્રિકેટમાં 11 ઇનિંગ્સમાં 171.81ની સ્ટ્રાઈક રેટથી 256 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ ખૂબ સારો છે, પરંતુ તેની 23.27ની સરેરશ ચિંતાજનક છે. અત્યાર સુધીમાં અભિષેકે તેની T20 કારકિર્દીમાં એક સદી અને એક અડધી સદી ફટકારી છે.'
આ પણ વાંચો: ICC ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંતને ફરી ઝટકો, પાકિસ્તાની ખેલાડીએ લગાવી લાંબી છલાંગ
ઇડન ગાર્ડનમાં રમાશે સીરિઝની પહેલી મેચ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 સીરિઝની વાત કરીએ તો પહેલી મેચ 22 જાન્યુઆરીએ એટલે કે આજે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. પાંચ મેચની સીરિઝનો આ પહેલો મેચ હશે. જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ છેલ્લે ઈડન ગાર્ડનમાં ટકરાયા હતા. ત્યારે ઈંગ્લેન્ડ જીતી ગયું હતું.