બીચ પર આતંકવાદી હુમલો, 32ના મોત : સોમાલિયાના પાટનગરમાં હુમલા બાદ 63 ઈજાગ્રસ્ત
Image: File Photo |
Terrorist Attack In Somalia: સમગ્ર વિશ્વમાં આતંકવાદની ઘટના વધી રહી છે. અવારનવાર આતંકવાદી હુમલાઓથી અનેક લોકોના મોત થાય છે. આવો જ આતંકી હુમલો પૂર્વ આફ્રિકાના દેશ સોમાલિયામાં થયો છે. શુક્રવારે સોમાલિયાની રાજધાની મોગાદિશુના લિડો બીચ પર આતંકી હુમલો થયો છે. જે સમયે હુમલો થયો ત્યારે બીચ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી. બીચ પર ફાયરિંગની સાથે આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો, જેનાથી લોકોમાં હડકંપ મચી ગયો હતો.
હુમલામાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત
સોમાલિયાની રાજધાની મોગાદિશુના લિડો બીચ પર શુક્રવારે થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. અને 63 લોકો હાલ સુધીના આંકડા અનુસાર ઘાયલ થયા છે. આ હુમલામાં મૃત્યુઆંક હજુ વધી શકે છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળે પહોંચીને 5 આતંકીઓને ઠાર કર્યા હતા. છઠ્ઠા આતંકવાદીએ પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો.
આ પણ વાંચો: '2 ઈરાની એજન્ટ, 3 રૂમ અને એક બોમ્બ..' હમાસ વડાનો મોસાદે આ રીતે કરી દીધો ખાત્મો
અલ શબાબે જવાબદારી સ્વીકારી
લિડો બીચ પર થયેલ આ આતંકવાદી હુમલો આતંકવાદી સંગઠન અલ શબાબ દ્વારા કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે આ સંગઠને રેડિયો સ્ટેશન દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. અલ શબાબ આંતકવાદી સંગઠન અલ-કાયદા સાથે કનેક્શન ધરાવે છે.