VIDEO: કાશ્મીરના રસ્તા પર તેંડુલકરની ફટકાબાજી, કારમાંથી ઉતરીને સ્થાનિકો સાથે ક્રિકેટ રમ્યો
નવી દિલ્હી,તા. 22 ફેબ્રુઆરી, ગુરુવાર
સચિન તેંડુલકરે પ્રોફેશનલ ક્રિકેટમાંથી તો ઘણાં સમય પહેલા જ નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ આજે પણ તક મળે ત્યારે તે ગલી ક્રિકેટથી માંડીને ફ્રેન્ડલી મેચમાં ફટકાબાજી કરવાનું નથી ચૂકતો. પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર હાલ પરિવાર સાથે કાશ્મીરના પ્રવાસે છે.
સચિનને શેર કર્યો વીડિયો
આ પ્રવાસમાં જમ્મુ કાશ્મીરના રસ્તા પરથી તેંડુલકરની કાર પસાર થતી હતી, ત્યારે તેણે કેટલાક સ્થાનિકોને ક્રિકેટ રમતા જોયા. આ દરમિયાન તેંડુલકર પણ પોતાની જાતને ક્રિકેટ રમવા જતા રોકી ના શક્યો અને તેણે ડ્રાઈવરને કહીને કાર થોભાવી દીધી. બાદમાં તે કારમાંથી ુતરીને સીધો જ ડબ્બાના સ્ટમ્પ બનાવીને ક્રિકેટ રમતા લોકો સાથે ગયો અને ક્રિકેટ રમવાની મજા માણી.
સચિને લખ્યું- ક્રિકેટ-કાશ્મીર, સ્વર્ગમાં મેચ
સચિન તેંડુલકરે જમ્મુ-કાશ્મીરના રસ્તા પર કેટલાક યુવાનો સાથે ક્રિકેટ રમતો આ વીડિયો એક્સ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને પોસ્ટ કરીને તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘ક્રિકેટ કાશ્મીર, સ્વર્ગમાં મેચ.’
આ વીડિયોમાં જોવા મળે છે કે, સચિન બ્લેક કારમાંથી નીચે ઉતરે છે. ત્યારે કેટલાક લોકો રસ્તા પર ડબ્બા અને બોક્સના સ્ટમ્પ બનાવીને ક્રિકેટ રમતા હતા. ત્યારે તેંડુલકર સીધો ત્યાં જઈને તેમને પૂછે છે કે, ‘શું હું પણ રમી શકું?’ ત્યારે ત્યાં ક્રિકેટ રમતા લોકો તેને જોઈને જ દંગ રહી જાય છે અને સીધું જ માસ્ટરબ્લાસ્ટરને બેટ સોંપી દે છે.
આ દરમિયાન તેંડુલકર એવું પણ પૂછે છે કે, ‘મેઈન બોલર કોણ છે?’ પછી તે બેટિંગ શરૂ કરે છે. આ દરમિયાન તે સ્ટ્રેટ ડ્રાઇવ, કવર ડ્રાઇવ સહિત ઘણાં શોટ્સ બતાવે છે. આ વીડિયોમાં સચિનની આજુબાજુ સુરક્ષાકર્મી પણ જોવા મળી રહ્યાં છે.
સચિન તેંડુલકર સાથે કાશ્મીર પ્રવાસમાં પત્ની અંજલિ અને પુત્રી સારા પણ છે. આ પહેલાં પણ તેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાનો આનંદ માણતા જોવા મળ્યા હતા. હાલમાં જ તેણે અવંતીપોરાની એક બેટ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. એ મુલાકાતનો વીડિયો પણ તેંડુલકરે એક્સ પર શેર કર્યો હતો.