'ઠિંગુજી જો પર્વતની ટોચે પહોંચે તો પણ ઠિંગુજી જ રહેવાનો...' દિગ્ગજ ક્રિકેટરનો પંડ્યા પર આકરો કટાક્ષ
Image : Social Media |
Navjot Singh Sidhu On MI Captaincy Row : તેના કડવા શબ્દમાં સખ્ત અભિપ્રાય માટે જાણીતા પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ IPLમાં હિન્દી કોમેન્ટેટર તરીકે પુનરાગમન કર્યું છે. આવતાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્મા અને કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચેના કથિત ગજગ્રાહ માટે સિદ્ધુએ તેની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, ભારતના વર્તમાન કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને હટાવીને તેના સ્થાને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવાયો છે. તેનાથી રોહિતના ચાહકોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે પણ અંગત રીતે હું માનું છું કે, એક સીનીયર ક્રિકેટર જૂનિયર ક્રિકેટરના હાથ નીચે મેનેજમેન્ટની બદલાવની દ્રષ્ટિ સાથે રમે તો તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. રોહિત શર્મા હાર્દિક પંડ્યાના હાથ નીચે રમે તો પણ તેમાં રોહિત શર્મા ક્રિકેટ વિશ્વમાં એક ખેલાડી અને કેપ્ટન તરીકે કાયમ મહાન જ રહેશે. કોઈ ક્રિકેટર કેપ્ટન બનવાથી ટીમના અન્ય શ્રેષ્ઠ ખેલાડી કરતા મોટો બની જ શકતો નથી. ખેલાડી તેની કારકિર્દી અને પ્રદાનથી યાદ રખાતો હોય છે.
ખેલાડીઓ તેમની પ્રતિભા અને પ્રદાનથી યાદ રખાય છે
નવજોત સિંહ સિદ્ધુએ ઉમેર્યું કે અમારા જ અરસા દરમિયાન એવું જોવા મળ્યું હતું કે કપિલદેવ, વેંગસરકર, ગાવસ્કર, શ્રીકાંત અને શાસ્ત્રી ભારતની ટીમના કેપ્ટન રહી ચુકેલા પાંચ ખેલાડીઓ એક જ ટીમમાં હતા છતાં સુમેળ જોવા મળતો. આજે તે ખેલાડીઓ કેપ્ટન હતા એટલે નહીં પણ ક્રિકેટની તેમની પ્રતિભા અને પ્રદાનથી યાદ રખાય છે.
ઠિંગુજી તે ઠિંગુજી જ રહેતો હોય છે
નવજોત સિદ્ધુએ તે પછી બેધડક કહી દીધું કે જે ઠિંગુજી છે તેને તમે પર્વતની ઉંચાઈએ મુકી દો તો પણ તે ઠિંગુજી જ રહેતો હોય છે અને જે સૂર્ય જેવો તેજસ્વી હોય છે તેને ઉંડી ખીણમાં કે કૂવામાં ધકેલી દો તો પણ તે સૂર્ય જ રહે છે. નવજોત સિદ્ધુએ તે પછી ઉમેર્યું કે રોહિત શર્મા કેવો મહાન ખેલાડી છે અને કેટલાયે વર્ષોથી તેણે કેટલા રન બનાવ્યા છે અને કેપ્ટન તરીકે પ્રદાન આપ્યું છે તે જોતા તે સૂર્ય જેવો છે. તે ગમે તેની નીચે રમે તો પણ ચાહકો તેને મહાન ગણશે.
આવા ખેલાડીને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી
સિદ્ધુએ તેના આગવા અંદાજમાં કહ્યું કે લોઢુ તપે અને સળગે પણ બને છે બેધારી તલવાર જ્યારે સોનું તપે અને સળગે છે પછી હીરના ગળા પર સ્થાન શોભાવે છે. લાખો આંધિયા સહન કરીને રોહિત શર્મા અને ધોની જેવો ટીમનો સરદાર બનતો હોય છે. આવા ખેલાડીને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. શું સૂર્યને કોઈના સર્ટિફિકેટ કે પ્રમાણની જરૂર છે? તેનું તેજ જ તેનું પ્રમાણ છે તેમ સિસિદ્ધુએ કહ્યું હતું.