પેરિસ ઓલિમ્પિકમાં થઈ મોટી ભૂલ, આ દેશ ભડક્યો, કહ્યું- હવે ધ્યાન રાખજો
Image Twitter |
Paris Olympics : ફ્રાન્સમાં ઓલિમ્પિક ગેમ્સની શરુઆત થઈ ચૂકી છે. સ્ટેડિયમમાં યોજાતી રાષ્ટ્રીય પરેડની પરંપરાથી અલગ અહીં છ કિલોમીટરની પરેડ ઑસ્ટરલિટ્ઝ બ્રિજથી શરુ કરવામાં આવી હતી. જેમાં 205 દેશોના 6,800થી વધુ ખેલાડીઓ અને એક શરણાર્થી ઓલિમ્પિક ટીમ પણ 85 બોટમાં સવાર હતી. શનિવારે સ્પર્ધા હોવાના કારણે મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઓપનિંગ સેરેમનીમાં ભાગ લીધો ન હતો. આ દરમિયાન દક્ષિણ કોરિયાએ ઉદ્ઘાટન સમારોહમાં એક બાબતને લઈને વાંધો ઉઠાવ્યો હતો. જેમાં દક્ષિણ કોરિયાના ખેલાડીઓનો પરિચય ઉત્તર કોરિયાના નામે અપાય હતો. ત્યાર બાદ દક્ષિણ કોરિયાએ આયોજકોને ફરી આવી ભૂલ ન કરવા કહ્યું.
ફરી આવી ભૂલ ન થાય તે માટે ધ્યાન દોરવામાં આવ્યું
હકીકતમાં, જ્યારે દક્ષિણ કોરિયાના ખેલાડીઓની બોટ ત્યાંથી પસાર થઈ, ત્યારે એનાઉન્સરે તેમનો પરિચય 'ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઑફ કોરિયા' તરીકે આપ્યો હતો. જે ઉત્તર કોરિયાનું સત્તાવાર નામ છે. ફ્રેન્ચ અને અંગ્રેજી બંને ભાષાઓમાં આ દેશનું નામ રિપીટ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ, દક્ષિણ કોરિયાના રમત અને સંસ્કૃતિ નાયબ મંત્રી જેંગ મી રાને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બાચને કહ્યું કે, તેઓ આવી ભૂલ ફરીથી ન કરે.
દક્ષિણ કોરિયાના પ્રતિનિધિમંડળમાં 143 એથ્લેટ છે
આ મુદ્દે ઓલિમ્પિક સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે, અમને અફસોસ છે કે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન દક્ષિણ કોરિયાને ઉત્તર કોરિયા તરીકે ઓખળ આપવામાં આવી હતી. પરંતુ દક્ષિણ કોરિયાએ તરત જ આ મામલાને ગંભીરતાથી લઈને ઓલિમ્પિક સમિતિને આ ભૂલ સુધારવા માટે મેસેજ મોકલાવ્યો હતો. તમને જણાવી દઈએ કે દક્ષિણ કોરિયાના પ્રતિનિધિમંડળમાં 143 એથ્લેટ છે, જે 21 ઇવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે. રિયો 2016 બાદ દક્ષિણ કોરિયાની ટીમ પહેલીવાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે.