7 ઈનિંગમાં 5 સદી ફટકારી છતાં ભારતના દિગ્ગજ બેટરને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સ્થાન ન મળ્યું
Karun Nair : ભારત માટે ટેસ્ટમાં ત્રિપલ સદી ફટકારીને ખળભળાટ મચાવી દેનાર દિગ્ગજ બેટર કરુણ નાયર માત્ર 6 મેચ રમ્યા બાદ ટીમમાંથી બહાર થઈ ગયો હતો. હવે 8 વર્ષ બાદ તેણે ઘરેલુ ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. કરુણ નાયરે વિજય હજારે ટ્રોફીમાં વિદર્ભની કેપ્ટનશીપ કરતા છેલ્લી 7 ઈનિંગ્સમાં 752 રન બનાવ્યા છે. આ પ્રદર્શનને કારણે 2017 બાદ ફરી એકવાર તેના વનડે રમવાની આશા જાગી હતી. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તેને સ્થાન ન મળ્યું.
ટીમ ઈન્ડિયા જાહેર
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થવાની છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમ ભાગ લેશે જેમાં ભારત અને મેજબાન પાકિસ્તાનની ટીમની જાહેરાત થવાની બાકી હતી. જેમાં આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કેપ્ટન રોહિત શર્માની સાથે ચીફ સિલેક્ટરે ખેલાડીઓના નામની જાહેરાત પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. મોહમ્મદ શમીની આખરે ટીમ ઈન્ડિયામાં વાપસી થઇ છે. તે ઘણાં સમયથી ઈજાને કારણે ટીમથી બહાર હતો. જોકે બુમરાહ હાલમાં ઈજાગ્રસ્ત હતો. તેને પીઠમાં ઈજા થઇ હતી. જોકે તેમ છતાં બુમરાહને ફરી ટીમમાં સામેલ કરાયો છે. જોકે, ટીમમાં દિગ્ગજ બેટર કરુણ નાયરને સ્થાન નથી મળ્યું.
છેલ્લી મેચ 2017માં રમ્યો હતો
કરુણ નાયરને આશા હતી કે, ICC ઈવેન્ટ માટે ભારતીય ટીમમાં વાપસી કરીશ પરંતુ પસંદગીકારોએ તેને ટીમમાં સ્થાન ન આપ્યું. નાયર 33 વર્ષનો છે અને તેણે ભારત માટે પોતાની છેલ્લી મેચ 2017માં રમી હતી. વર્ષ 2016માં કરુણને એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વે સામે બે વનડે મેચ રમવાની તક મળી હતી.
નાયર ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે
વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન બાદ નાયર ચોક્કસપણે પસંદગીકારોના રડારમાં હતો પરંતુ ભારતીય ટીમમાં વાપસીની તેની શક્યતા નહીવત્ હતી. હવે તે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાની આશા રાખી શકે છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય બેટ્સમેનોના સંઘર્ષને ધ્યાનમાં રાખીને નાયર ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે.
ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન
કરુણ નાયરે 6 ટેસ્ટની 7 ઈનિંગ્સમાં 374 રન બનાવ્યા છે. નાયર વીરેન્દ્ર સેહવાગ પછી ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન છે. તેણે 2016માં ઈંગ્લેન્ડ સામે ચેન્નાઈ ટેસ્ટમાં 303 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. પરંતુ આ પછી તેણે ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હતુ. 2022માં તેને કર્ણાટકની રણજી ટ્રોફી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ નાયર વિદર્ભની ટીમમાં સામેલ થયો અને કેપ્ટન તરીકે ધમાકેદાર બેટિંગ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું.