ભારત સહિત 6 ટીમ વર્લ્ડ કપ 2025 માટે સીધી ક્વૉલિફાઈ, જુઓ યાદી
ICC Women's World Cup 2025 : બાંગ્લાદેશની વેસ્ટ ઇન્ડીઝ સામે હાર થયા બાદ ICC વુમન્સ વર્લ્ડકપ 2025 માટે સીધી ક્વોલિફાઇ થનારી 6 ટીમોના નામો સ્પષ્ટ થઇ ગયા છે. બાકી રહેલી બે ટીમોનો નિર્ણય વર્લ્ડકપ કવોલિફાયર દ્વારા થશે. ન્યુઝીલેન્ડ આ વર્લ્ડકપમાં સીધી ક્વોલિફાઇ થનારી પહેલી ટીમ બની ગઈ છે. યજમાન હોવાને લીધે ભારતને સીધી એન્ટ્રી મળી ગઈ હતી. જ્યારે અન્ય 5 ટીમે વુમન્સ ચેમ્પિયનશીપ દ્વારા એન્ટ્રી કરી હતી. આ 5 ટીમમાં ન્યુઝીલેન્ડ સિવાય ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેંડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સામેલ છે.
આ ટીમોએ કર્યું ક્વોલિફાય?
વુમન્સ ચેમ્પિયનશીપમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડને એકસરખા પોઈન્ટ મળ્યા હતા. પરંતુ વધુ મેચ જીતવાના કારણે ન્યુઝીલેન્ડને સીધી એન્ટ્રી મળી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 39 પોઈન્ટ સાથે વુમન્સ ચેમ્પિયનશીપ જીતી હતી જ્યારે ભારત 37 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહ્યું હતું. ઈંગ્લેન્ડ (32), દક્ષિણ આફ્રિકા (25), શ્રીલંકા (22) અને ન્યુઝીલેન્ડ (21) આ સિવાય અન્ય ટીમોએ પણ સીધું ક્વોલિફાઇ કર્યું હતું. બાંગ્લાદેશ (21), વેસ્ટ ઇન્ડીઝ (18), પાકિસ્તાન (17) અને આયર્લેન્ડે (8) હવે વર્લ્ડકપમાં બની રહેવા માટે સ્કોટલેન્ડ અને થાઈલેન્ડ સાથે વર્લ્ડકપ કવોલિફાયર મેચ રમવી પડશે.
આ પણ વાંચો : VIDEO : આઉટ થયા બાદ પણ પાછો બેટિંગ કરવા આવ્યો રહાણે, અમ્પાયર્સનો ચોંકાવનારો નિર્ણય
એકસરખી મેચ જીતવા છતાં ભારત ઓસ્ટ્રેલિયાથી પાછળ
વર્લ્ડકપ કવોલિફાયરમાં ભાગ લેનારી આ 6 ટીમોમાંથી માત્ર 2 ટીમ જ આ ICC ટુર્નામેન્ટનો ભાગ રહી શકશે. વુમન્સ ચેમ્પિયનશીપમાં ભારતે ઓસ્ટ્રેલિયાની જેમ એકસરખી 24માંથી 18 મેચ જીતી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાની બાંગ્લાદેશ સામેની એક મેચ ટાઈ થઇ હતી અને ટીમે 5 મેચ હારી હતી. જેના કારણે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા કરતા 2 પોઈન્ટ ઓછા મળ્યા હતા.