શમી-સૂર્યાનો ફ્લોપ શૉ, બિશ્નોઇની જોરદાર ધોલાઈ, 5 કારણોસર ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે હારી
IND Vs ENG : રાજકોટ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20I સીરિઝની ત્રીજી મેચ ગઈ કાલે રમાઈ હતી. આ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 26 રનથી હરાવ્યું હતું. હાલ ભારત સીરિઝમાં 2-1થી આગળ છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ઇંગ્લેન્ડની ટીમે 172 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 146 રન જ કરી શકી હતી. આ મેચમાં ભારતને મળેલી હારના પાંચ મોટો કારણ ક્યાં રહ્યા હતા. તેના વિશે ચાલો ચર્ચા કરીએ....
મોહમ્મદ શમીની એન્ટ્રી ભારત માટે નુકસાનકારક
ઘણાં સમયથી ભારતીય ટીમમાંથી બહાર રહેલા મોહમ્મદ શમીની આ મેચમાં એન્ટ્રી થઇ હતી. પરંતુ તે આ મેચમાં લયમાં દેખાઈ રહ્યો ન હતો. જે ક્યાંકને ક્યાંક ભારતીય ટીમ માટે મોટું નુકસાન સાબિત થયું હતું. તેણે આ મેચમાં ત્રણ ઓવર ફેંકીને 25 રન આપ્યા હતા અને તે એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો. તેનો ઈકોનોમી રેટ 8.22 રહ્યો હતો. શમીને જગ્યાએ ઝડપી બોલર અર્શદીપ સિંહને આરામ આપવામાં આવ્યો હતો. જે હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે છેલ્લા બે મેચમાં ત્રણ વિકેટ ઝડપીને ટીમને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ભારતનું નબળું બોલિંગ આક્રમણ
ભારતીય લેગ સ્પીનર રવિ બિશ્નોઈને આ સીરિઝમાં શરૂઆતની ત્રણ મેચોમાં ટીમમાં સ્થાન મળ્યું હતું. પરંતુ તે સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થયો હતો. ત્રણ મેચમાં બિશ્નોઈએ માત્ર એક જ વિકેટ અને તે પણ ત્રીજા T20I મેચમાં ઝડપી હતી. તે રાજકોટની T20I મેચમાં ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે ચાર ઓવરમાં 11.50ની ખરાબ ઈકોનોમી રેટથી 46 રન આપ્યા હતા. તેની ઓવરમાં ઈંગ્લીશ બેટરોએ પાંચ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો આ સ્પેલ ટીમની થયેલી હાર માટે ઘણો નુકસાનકારક સાબિત થયો હતો.
ભારતનું ટોપ ઓર્ડર સંપૂર્ણ ફ્લોપ
બોલિંગ પછી જો બેટિંગની વાત કરીએ તો, ભારતનું ટોપ ઓર્ડર સંપૂર્ણ ફ્લોપ રહ્યું હતું. ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. 31ના સ્કોર પર સંજુ સેમસન અને અભિષેક શર્માએ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. સેમસન ત્રણ અને અભિષેક 24 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ નિરાશાજનક પ્રદર્શન કરતા 14 રન કરીને આઉટ થઇ ગયો હતો. જયારે તે આઉટ થયો ત્યારે ટીમે 48ના સ્કોર પણ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ભારતની બેટિંગ લાઈન-અપ સંપૂર્ણપણે લડખડાઈ ગઈ હતી.
મિડલ ઓર્ડરે પણ આપી નિરાશા
ટોપ ઓર્ડર ફ્લોપ થયા બાદ બધાની નજર મિડલ ઓર્ડર પર હતી. પરંતુ તેમણે પણ બધાની આશા પર પાણી ફેરવી દીધું હતું. એક પછી એક વિકેટ પડી જતા મિડલ ઓર્ડર પણ લડખડાઈ ગયો હતી. તિલક વર્મા (18), છઠ્ઠા સ્થાને રમવા આવેલો વોશિંગ્ટન સુંદર (6), સાતમાં સ્થાને અક્ષર પટેલ (15) રન બનાવી આઉટ થઇ ગયા હતા. વિકેટકીપર ધ્રુવ જુરેલ આઠમાં ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો તે પણ બે રન કરીને ફ્લોપ રહ્યો હતો.
આ પણ વાંચો : સંજુ ટીમ ઈન્ડિયા માટે બન્યો માથાનો દુઃખાવો, 3 મેચમાં એક સરખી પેટર્ન પર આઉટ થયો
સૂર્યકુમાર અને સેમસનનું ચિંતાજનક પ્રદર્શન
બેટિંગમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસનનું સતત ફ્લોપ પ્રદર્શન ચાલુ છે. તેણે પહેલા મેચમાં પણ ખાતું ખોલાવ્યું ન હતું. અને પછીની બે મેચમાં અનુક્રમે 12 અને 14 રન જ બનાવી શક્યો હતો. તો બીજી તરફ સંજૂ ઓપનીંગ કરવા માટે આવે છે. પરંતુ અહીં પણ તે સતત એક જ રીતે આઉટ થઇ રહ્યો છે. સેમસને સીરિઝની પહેલી મેચમાં 26 રન બનાવ્યા હતા. પરંતુ પછીની બંને મેચમાં પાંચ અને ત્રણ બનાવીને આઉટ થઇ ગયો હતો.