મહાન ઓલરાઉન્ડર ક્રિકેટર કપિલ દેવના 5 રેકોર્ડ, જે આજ સુધી કોઈ તોડી નથી શક્યું!
Kapil Dev : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ 6 જાન્યુઆરીના રોજ 66 વર્ષના થઈ ગયા હતા. ક્રિકેટ જગતમાં કપિલ દેવની ગણતરી વિશ્વના મહાન ઓલરાઉન્ડરોમાં થાય છે. કપિલની કેપ્ટનશીપમાં જ ભારતે સન 1983નો વર્લ્ડકપ જીત્યો હતો. કપિલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ઘણાં રેકોર્ડ બનાવ્યા હતા. કેટલાક રેકોર્ડ એવા છે કે જેને તોડવો હજુ પણ મુશ્કેલ છે. હજુ સુધી કોઈ પણ ક્રિકેટર તેમના આ રેકોર્ડ તોડી શક્યો નથી. તો ચાલો જાણીએ કપિલ દેવાના આ અનોખા રેકોર્ડ્સ વિશે....
1. કેપ્ટન તરીકે ટેસ્ટ ઇનિંગ્સમાં સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ કપિલ દેવના નામે છે. કપિલ દેવે નવેમ્બર 1983માં વેસ્ટ ઈન્ડિઝ સામેની અમદાવાદ ખાયે યોજાયેલી ટેસ્ટમાં બીજી ઈનિંગમાં 83 રન આપીને 9 વિકેટ ઝડપી હતી. કપિલનો આ રેકોર્ડ આજે પણ અકબંધ છે.
2. ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં કપિલ દેવ સૌથી વધુ વિકેટ ઝડપનાર ઝડપી બોલર છે. કપિલ દેવના નામે 434 વિકેટ છે.
3. કપિલ દેવ ભારત માટે એક વર્ષમાં સૌથી વધુ ટેસ્ટમાં વિકેટ લેનાર બોલર છે. કપિલ દેવે સન 1983માં કુલ 75 ટેસ્ટ વિકેટ લીધી હતી.
4. કપિલ દેવ એકમાત્ર એવા ભારતીય ખેલાડી છે કે જેમણે ટેસ્ટ સીરિઝમાં 250થી વધુ રન અને 30થી વધુ વિકેટ લીધી હતી. કપિલે સન 1979-80ના પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ટેસ્ટ સીરિઝમાં 32 વિકેટ લેવાની સાથે 278 રન પણ બનાવ્યા હતા.
5. ટેસ્ટમાં 5000 થી વધુ રન બનાવનાર તે એકમાત્ર ભારતીય ખેલાડી છે. અને આ દરમિયાન તેણે 400 થી વધુ વિકેટ પણ લીધી હતી.
શું કપિલ દેવે પોતાની કારકિર્દીમાં એક પણ નો-બોલ નથી ફેંક્યો?
ઘણાં લોકો એવું માને છે કે કપિલ દેવે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં એક પણ નો-બોલ ફેંક્યો નથી. અહીં તમને જણાવી દઈએ કે આ દાવો ખોટો છે. સન 1994માં રમાયેલી સિંગર વર્લ્ડ સીરિઝની ત્રીજી મેચમાં કપિલ દેવે ઓસ્ટ્રેલિયા સામે નો-બોલ ફેંક્યો હતો. તે મેચમાં 2 નો-બોલ ફેંકવામાં આવ્યા હતા. કપિલ ઉપરાંત ભારતના મનોજ પ્રભાકરે પણ નો-બોલ ફેંક્યો હતો. આ સિવાય કપિલ દેવે સન 1978માં પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચ પાકિસ્તાન સામે ફૈસલાબાદમાં રમી હતી. તે ટેસ્ટ મેચની પહેલી ઓવર કપિલ દેવે ફેંકી હતી. જ્યાં કપિલ દેવે પોતાની પહેલી જ ઓવરમાં નો-બોલ ફેંક્યો હતો. આ બંને ઉદાહરણો સાબિત કરે છે કે કપિલ દેવે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં નો-બોલ ફેંક્યો હતો.
આ પણ વાંચો: સંકટના સમયમાં વિરાટની વહારે આવ્યો 'ખાસ મિત્ર', કમબેક માટે જણાવી અસરદાર ફોર્મ્યૂલા
કપિલ દેવની ક્રિકેટ કારકિર્દી
કપિલ દેવે 16 વર્ષની પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 131 મેચ રમી હતી. જેમાં તેણે 31.05ની સરેરાશથી 5248 રન બનાવ્યા હતા અને 434 વિકેટ લીધી હતી અને 8 સદી અને 27 અડધી સદી ફટકારી હતી. તેણે 23 ઇનિંગ્સમાં 5 વિકેટ અને એક મેચમાં બે વખત 10 વિકેટ પણ લીધી હતી. કપિલ દેવે ભારત માટે કુલ 225 વનડે મેચ રમી હતી. જેમાં તેણે 95.07ની સ્ટ્રાઈક રેટ અને 23.79ની સરેરાશથી કુલ 3783 રન બનાવ્યા હતા. કપિલ દેવના નામે વનડે ક્રિકેટમાં એક સદી અને 14 અડધી સદી છે. જેમાં તેણે 27.45ની સરેરાશથી 253 વિકેટ પણ પોતાના નામે કરી હતી.