Get The App

આઠ મેચોમાં 5 હાફ સેન્ચુરી, કુલ 417 રન: IPLમાં રન મશીન બન્યો ગુજરાત ટાઈટન્સનો આ ખેલાડી

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
આઠ મેચોમાં 5 હાફ સેન્ચુરી, કુલ 417 રન: IPLમાં રન મશીન બન્યો ગુજરાત ટાઈટન્સનો આ ખેલાડી 1 - image


IPL 2025 KKR vs GT:  ગુજરાત ટાઈટન્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને કોલકાતા નાઈટ રાઈડર્સને 39 રનથી હરાવી દીધુ હતું. ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને રાશિદ ખાને બે-બે વિકેટ લઈને KKR ને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન પર રોકી દીધું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે શુભમન ગિલના 90, બી સાઈ સુદર્શનના 52 અને જોસ બટલરના 41 રનની મદદથી 198 રન બનાવ્યા. આ જીત સાથે ગુજરાત ટાઈટન્સે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. 

ગુજરાતે ધીમી પીચ પર 198 રનનો મજબૂત સ્કોર બનાવ્યો

પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની શરૂઆત ધીમી રહી હતી પરંતુ કેપ્ટન શુભમન ગિલે 55 બોલમાં 90 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બી સાઈ સુદર્શને 52 રન અને જોસ બટલરે 41 રનનું યોગદાન આપ્યું. આ ત્રણેયના કારણે ગુજરાતે ધીમી પીચ પર 198 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. KKR તરફથી આન્દ્રે રસેલ અને વૈભવ અરોરાએ એક-એક વિકેટ ઝડપી હતી.

KKRની શરૂઆત ખરાબ રહી

ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી KKRની શરૂઆત ખરાબ રહી. મોહમ્મદ સિરાજે પહેલી જ ઓવરમાં રહેમાનુલ્લાહ ગુરબાઝને પેવેલિયન ભેગો કરી દીધો. અજિંક્ય રહાણે કેટલાક સારા શોટ રમ્યો અને ચાર ચોગ્ગા ફટકારીને પોતાની ટીમને બચાવવાનો પ્રયાસ કર્યો. સિરાજના બોલ પર સુનીલ નારાયણે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો, પરંતુ રાશિદ ખાને તેને આઉટ કરીને KKRને બીજો ઝટકો આપ્યો. પાવરપ્લેમાં KKR 45/2 પર હતું.

ગુજરાતના સ્પિનરોએ ફાયદો ઉઠાવ્યો

બોલ પીચ પર અટકી રહ્યો હતો અને ઉછાળો પણ અસમાન હતો, જેનો ગુજરાતના સ્પિનરોએ ફાયદો ઉઠાવ્યો. રાશિદ ખાન અને વોશિંગ્ટન સુંદરે વચ્ચેની ઓવરોમાં કોઈ ચોગ્ગો ન આપ્યો. રહાણેએ સુંદર સામે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને પોતાની ઈનિંગ આગળ વધારી અને 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. જોકે, તે સુંદરનો ઝડપી બોલ ચૂકી ગયો અને જોસ બટલરે તેને સ્ટમ્પ આઉટ કરી દીધો. વેંકટેશ અય્યર પણ વધુ રન ન બનાવી શક્યો અને સાઈ કિશોરના બોલ પર આઉટ થઈ ગયો.

આન્દ્રે રસેલે કેટલાક મોટા શોટ રમ્યો પરંતુ તે પણ પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર આઉટ થઈ ગયો. રમનદીપ સિંહ અને મોઈન અલી પણ આઉટ થઈ ગયા. પ્રસિદ્ધ કૃષ્ણા અને રાશિદ ખાને બે-બે વિકેટ લીધી જ્યારે ગુજરાતના બોલરોએ સમગ્ર મેચ દરમિયાન KKR પર દબાણ બનાવી રાખ્યું. અંગકૃષ રઘુવંશી 27 રન બનાવીને અણનમ રહ્યા, પરંતુ તે KKRની હાર ટાળી ન શક્યો. ગુજરાતના આ શાનદાર વિજયે ફરી એકવાર તેમની ટીમની તાકાત સાબિત કરી.

આ પણ વાંચો: KKR vs GT : હોમ ગ્રાઉન્ડ પર જ કોલકાતાની હાર, ગુજરાત ટાઇટન્સે 39 રનથી હરાવ્યું

સાઈ સુદર્શન રન મશીન બન્યો 

આ મેચમાં GTના ઓપનિંગ બેટ્સમેન સાઈ સુદર્શને અડધી સદી ફટકારી. આ સાથે જ તેણે કેપ્ટન શુભમન ગિલ સાથે પ્રથમ વિકેટ માટે 74 બોલમાં 114 રનની પાર્ટનરશિપ કરીને મોટા સ્કોરનો પાયો પણ નાખી દીધો હતો. આ સિઝનમાં સાઈ સુદર્શન રન મશીન બન્યો છે. અત્યાર સુધીમાં તેણે 8 મેચમાં 5 અડધી સદી ફટકારી છે. IPLમાં આવું કરનાર તે એકમાત્ર બેટ્સમેન છે.

સાઈ સુદર્શને 150થી વધુના સ્ટ્રાઈક રેટથી ૩૦૦ થી વધુ રન બનાવ્યા છે. તેણે 8 મેચની 8 ઈનિંગ્સમાં 52.12ની એવરેજથી ૪૧૭ રન બનાવ્યા છે. આ સિઝનમાં તેણે 42 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા છે. 

Tags :