BZ કૌભાંડ: ગિલ સહિત 4 ક્રિકેટરને CID સમન્સ પાઠવે તેવી અટકળો, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ નામ આપ્યાં
Shubhman Gill BZ Fraud Case: ગુજરાતની સીઆઈડી બ્રાન્ચ ભારતીય ક્રિકેટ ટીમના ચાર લોકપ્રિય ખેલાડીઓને સમન્સ પાઠવે તેવી અટકળોએ જોર પકડ્યું છે. ગુજરાતમાં રૂ. 450 કરોડના BZ કૌભાંડમાં આ ચાર ખેલાડી શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા અને સાંઈ સુદર્શનના નામનો ખુલાસો થયો છે. જેમની સીઆઈડી દ્વારા પૂછપરછ થઈ શકે છે. આ પોન્ઝી સ્કીમમાં આ ચાર ખેલાડીઓએ પણ રોકાણ કર્યું હતું. કૌભાંડી ભૂપેન્દ્રસિંહે તેમને પણ રકમ પરત આપી ન હતી.
અન્ય 3 ક્રિકેટર્સ પણ સંડોવાયેલા
તપાસ એજન્સીએ જણાવ્યું કે, ‘પોન્ઝી સ્કીમના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં આ ચાર ખેલાડીઓના નામ જાહેર થયા છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે આ પોન્ઝી સ્કીમમાં રૂ. 1.95 કરોડનું રોકાણ કર્યું હતું. આ સિવાય અન્ય ત્રણ ક્રિકેટર્સે તેનાથી ઓછું રોકાણ કર્યું હતું.
આ પણ વાંચોઃ કેપ્ટન રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી ડ્રોપ થશે? ગૌતમ ગંભીરના ગોળ-ગોળ જવાબે ચર્ચા જગાવી
સીઆઈડીનાં વિવિધ સ્થળો પર દરોડા
મીડિયા રિપોર્ટ અનુસાર, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ચાર ક્રિકેટર્સના નામ આપ્યા હતાં. તેના એકાઉન્ટન્ટ રૂશિક મહેતાની પણ ધરપકડ કરવામાં આવી છે. જો રૂશિક મહેતા આ મામલે દોષિત ઠેરવાયો તો તેના વિરૂદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઝાલાની એકાઉન્ટ બુક અને ટ્રાન્જેક્શનની પણ તપાસ કરાશે. સીઆઈડી અધિકારીઓએ આ મામલે તપાસ હેઠળ વિવિધ સ્થળો પર દરોડા પણ પાડ્યા છે.
ઊંચુ રિટર્ન આપવાના બહાને 450 કરોડનું કૌભાંડ
સીઆઈડીએ પોન્ઝી સ્કીમ સ્કેમ મામલે ખુલાસો કર્યો હતો કે, હિંમતનગરનો રહેવાસી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ છેલ્લા ચાર વર્ષમાં તેની 17 ઓફિસ મારફત 11000 રોકાણકારો પાસેથી ઊંચુ રિટર્ન આપવાના બહાને રૂ. 450 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. જેમાં ગિલ સહિત આ ચાર ખેલાડીઓએ પણ રોકાણ કર્યું હતું. ઝાલાના બિનઔપચારિક એકાઉન્ટ બુકમાં રૂ. 52 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. આ સાથે કૌભાંડ રૂ. 450 કરોડનું થયું છે. દરોડા અને વધુ તપાસની સાથે આ કૌભાંડની રકમ વધતી જશે.’