40 ઓવરમાં માત્ર 4 ચોગ્ગા... આ જ છે ભારતની હારનું અસલી કારણ', પૂર્વ ભારતીય ક્રિકેટરનું મોટું નિવેદન
ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ 240 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી
Image:Twitter |
World Cup 2023 Final IND vs AUS : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ઉપયોગમાં લેવાયેલી અમદાવાદની પિચ(Harbhajan Singh Criticize Pitch Of Ahmedabad)ની ટીકા કરી છે. હરભજને કહ્યું હતું કે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં આવી સ્લો અને સૂકી પિચનો ઉપયોગ ન થવો જોઈતો હતો. આ પિચે ભારતીય ઇનિંગને સ્લો કરી દીધી હતી. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ ખુબ શરુ પ્રદર્શન કરી રહી હતી. પરંતુ પિચના કારણે તે માત્ર 240 રન જ બનાવી શકી અને ઓસ્ટ્રેલિયા 6 વિકેટથી મેચ જીતી ગયું હતું. આ પિચ પર ભારત માટે બેટિંગ અને બોલિંગ બંને મુશ્કેલી ભર્યું રહ્યું હતું.
હું એવી પિચ જોવા માંગું છું જ્યાં ચોગ્ગા-છગ્ગા જોવા મળે - હરભજન સિંહ
હરભજન સિંહે પિચની ટીકા કરતા કહ્યું હતું કે, 'જો અહીંની પિચ થોડી સારી અને થોડી ફાસ્ટ હોત તો તેનાથી ભારતને મદદ મળી હોત. મને લાગે છે કે તે સામાન્ય પિચ કરતાં ખૂબ જ સ્લો અને સૂકી હતી. હું એવી પિચ જોવા માંગુ છું કે જ્યાં 300 કે તેથી વધુ સ્કોર થાય, જ્યાં ઘણા બધા ચોગ્ગા અને છગ્ગા જોવા મળે. ભારત પાસે આ પ્રકારની પિચ ઘણી હશે પરંતુ તેમ છતાં આ મેચ આવી સ્લો પિચ પર રમાઈ હતી.
અમારી ટીમ આ ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં હતી - હરભજન સિંહ
હરભજન સિંહે વધુમાં કહ્યું હતું કે, 'અમારી ટીમ આ ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં હતી. તે દરેક વિભાગમાં બેસ્ટ હતી, જે ખૂબ જ ગર્વની વાત છે. મેં મારા ઘણા ઓસ્ટ્રેલિયન મિત્રો સાથે પણ વાત કરી જેમની સાથે હું રમ્યો છું. મેચ પહેલા તેમને વિશ્વાસ હતો કે ભારતીય ટીમ આ ખિતાબની દાવેદાર છે અને તે અહીં જીતશે. આવી સ્થિતિમાં મને લાગે છે કે જો આ પિચ થોડી સારી હોત તો ટીમને મદદ મળી હોત અને ભારત જીત્યું હોત.'
છેલ્લી 40 ઓવરમાં માત્ર 4 બાઉન્ડ્રી
ભારતીય ટીમના પૂર્વ ખેલાડી હરભજન સિંહે વધુમાં જણાવ્યું હતું કે, 'પ્રથમ ઇનિંગ દરમિયાન આ પિચ ખૂબ જ સ્લો હતી અને તેના પર રન પણ બની રહ્યા ન હતા. છેલ્લી 40 ઓવરમાં માત્ર 4 બાઉન્ડ્રી આનું પરિણામ છે. બોલ પણ નરમ થઈ જવાના કારણે બેટ પર આવી રહ્યો ન હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાની ઈનિંગમાં ઘટી રહેલા તાપમાનને કારણે બેટિંગની સ્થિતિ બદલાઈ ગઈ હતી. ઝાકળ ન હતું તેમ છતાં બોલ બેટ પર આવી રહ્યો હતો, જેનો ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને સારો ફાયદો ઉઠાવ્યો હતો.'