INDvsAUS : શું ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ નહીં યોજાય આ સ્ટેડિયમમાં, જાણો BCCIનો નિર્ણય
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી ધર્મશાળામાં રમાશે, જ્યારે ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે
ધર્મશાળા સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં માત્ર એક ટેસ્ટ મેચ રમાઈ છે અને તે પણ 2017માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે
નવી દિલ્હી,તા.11 ફેબ્રુઆરી-2023, શનિવાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. મેચમાં પ્રથમ બે દિવસમાં ભારતની ધમાકેદાર બોટીંગ અને બેટીંગના કારણે મેચ ખુબ જ રસપ્રદ બની ગઈ છે. આ બે દિવસની રમતને જોતા આગામી 3 દિવસની રમતમાં પરિણામ આવવાની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. આ મેચમાં શરૂઆતથી જ ભારતના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ ફેન્સ આગામી મેચોની પણ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ તમામ બાબતો વચ્ચે મોટા અહેવાલો મળી રહ્યા છે. અહેવાલો મળી રહ્યા છે કે, સિરિઝની ત્રીજી ટેસ્ટ મેચનું સ્થળ બદલવામાં આવી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટેસ્ટ સિરિઝની ત્રીજી મેચ ધર્મશાળાના બદલે અન્ય સ્થળે રમાડી શકે છે. સૂત્રો મુજબ ધર્મશાળાનું સ્ટેડિયમ સંપૂર્ણપણે તૈયાર ન હોવાના કારણે બીજી ટેસ્ટના સ્થળમાં ફેરફાર થઈ શકે છે. નાગપુર ટેસ્ટ બાદ બંને ટીમો 17 જાન્યુઆરીએ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમશે, જ્યારે ત્રીજી ટેસ્ટ માટે આશરે એક સપ્તાહનો વિરામ મળ્યો છે. સીરિઝની ત્રીજી મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં HPCA સ્ટેડિમમાં યોજવાનું નક્કી કરાયું છે, જ્યારે 9 માર્ચે સિરિઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.
ધર્મશાળામાં નહીં યોજાય ત્રીજી ટેસ્ટ મેચ ?
મળતા અહેવાલો મુજબ ધર્મશાળા પાસેથી મેજબાની છિનવાઈ શકે છે. કારણ કે ઘણા સમયથી HPCA સ્ટેડિયમમાં સમારકામ ચાલી રહ્યું હતું. સમારકામના પગલે સ્ટેડિયમના મેદાન પર ઘાસ ફેલાવાયું છે તેમજ પાણીનો છંટકાવની પણ નવી વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ હવે એવું લાગે છે કે આ કામ પૂર્ણ થયું નથી અને ટેસ્ટ મેચ પહેલા સ્ટેડિયમની સંપૂર્ણ તૈયારી અંગે આશંકા છે. ઈએસપીએનક્રિકઈન્ફોના અહેવાલો મુજબ BCCIના અધિકારીઓએ ત્રીજી ફેબ્રુઆરીએ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી, જેમાં ધર્મશાળા સ્ટેડિયમ મેચની મેજબાની માટે સંપૂર્ણપણે તૈયાર ન હોવાનું જોવા મળ્યું હતું.
ક્યારે થશે નિર્ણય, ક્યાં યોજાશે મેચ ?
આમાં જણાવાયું છે કે, મેદાનના કેટલાક ભાગોમાં હજુ સુધી ઘાસ તેની પક્કડ જમાવી શક્યું નથી, જ્યારે કેટલાક ભાગોમાં ઘાસ સંપુર્ણપણે ઉગ્યું નથી. આવી સ્થિતિમાં BCCIના અધિકારીઓએ નિર્ણય લીધો છે કે, સપ્તાહના અંતે ફરી સ્ટેડિયમની તપાસ કરાશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.
ધર્મશાળા સ્ટેડિયમમાં 5 વર્ષ પહેલા યોજાઈ હતી છેલ્લી ટેસ્ટ
હિમાચલની કુદરતી સુંદરતા વચ્ચે આવેલા ધર્મશાળા સ્ટેડીયમમાં અત્યાર સુધીમાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમાઈ છે અને તે પણ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 2017માં રમાઈ હતી. આ મેચમાં કુલદીપ યાદવે ડેબ્યૂ કર્યું હતું અને ભારતે ઓસ્ટ્રેલિયા સામે 2-1થી સિરિઝ જીતી હતી. આ સ્ટેડિયમમાં એક વર્ષ પહેલા ફેબ્રુઆરીમાં બે T20 મેચ રમાઈ હતી, ત્યારબાદ આ સ્ટેડિયમનું સમારકામ શરૂ કરાયું હતું.