Get The App

આવતા વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન પેરિસ ઓલિમ્પિક, સલામતી માટે રૂ. 3 હજાર કરોડનો ખર્ચ થશે

આશરે 22,000 સૈનિકો, પોલીસ અને ખાનગી સિક્યોરિટી રહેશે તૈનાત

સાઇબર હુમલાને પહોંચી વળવા માટે નિષ્ણાતોની ટીમને જવાબદારી સોંપાશે : યુદ્ધ જહાજો પણ સ્ટેન્ડ ટુ રહેશે

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
આવતા વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન પેરિસ ઓલિમ્પિક, સલામતી માટે રૂ. 3 હજાર કરોડનો ખર્ચ થશે 1 - image


Paris 2024 Olympics : આવતા વર્ષે યોજાનારા પેરિસ ઓલિમ્પિકની સલામતી માટે આશરે રૂપિયા 3000 કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવશે. આયોજકોએ સિક્યોરિટી અંગે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવાનો નિર્ણય લીધો છે. જેના પગલે 22,000 જેટલા સૈનિકો, પોલીસ અને ખાનગી સિક્યોરિટીના એજન્ટો પેરિસ સહિત ઓલિમ્પિકના સ્ટેડિયમો-સ્થળોની સુરક્ષાની જવાબદારી સંભાળી લેશે. પેરિસ ઓલિમ્પિકમાં આતંકી હુમલાની સાથે સાઈબર એટેકનું પણ જોખમ રહેલું છે અને આ જ કારણે બંને સંભવિત હુમલાને પહોંચી વળવા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે યુદ્ધ જહાજોને પણ ઓલિમ્પિક દરમિયાન સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ પણ આપવામાં આવશે તેમ પણ મીડિયા રિપોર્ટ જણાવે છે. 

આયોજકોએ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કમર કસી

આવતા વર્ષે તારીખ 26મી જુલાઈથી 11મી ઓગસ્ટ દરમિયાન પેરિસમાં ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન થશે. પેરિસ ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારંભનો કાર્યક્રમ સીન નદીમાં પણ યોજવામાં આવનાર છે અને આશરે છ લાખ લોકો ઉદ્ઘાટનને નિહાળશે તેમ મનાય છે. આ જ કારણે આયોજકોએ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કમર કસી છે. ઓલિમ્પિકની યજમાની સંભાળી રહેલા પેરિસ 2024ના સિક્યોરિટી ડાયરેક્ટર બુ્રનો લે રેએ કહ્યું કે, ઉદ્ઘાટન સમારંભ માટે અમે સમગ્ર રાજ્યમાં અને પેરિસ સિટી હોલમાં ખાસ પ્રોટોકોલને અનુસરવાના આદેશ આપ્યા છે. અમારી તૈયારી યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને અમે આ માટે તૈયાર છીએ. પેરિસ ઓલિમ્પિકના સિક્યોરિટી ડાયરેક્ટર થોમસ કોલોમ્બે કહ્યું કે, સૌથી મોટુ જોખમ આતંકી હુમલાનું છે. જોકે અમે જડબેસલાક વ્યવસ્થા ગોઠવી છે. ગત સપ્તાહે ફ્રાન્સની સિક્યોરિટી એજન્સીએ ખુલાસો કર્યો હતો કે, અઝરબૈજાનમાંથી એવો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, જેનાથી પેરિસ ઓલિમ્પિકની યજમાની માટે તૈયારીઓ નબળી પડે.

સીન નદીમાં ઉદ્ઘાટન સમારંભ અંગે ચિંતા

ફ્રાન્સની ટોચની ઓડિટ સંસ્થાએ સીન નદીમાં ઓલિમ્પિકના ઉદ્ઘાટનનો કાર્યક્રમ કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ કાર્યક્રમને અત્યંત પડકારજનક ગણાવ્યો હતો. આ ઉપરાંત ખાનગી સિક્યોરિટી પર વધુ પડતો આધાર રાખવાની આયોજકોની નીતિ અંગે સામે પણ ઓડિટ  સંસ્થાએ સવાલ ઉઠાવ્યો હતો. 


Google NewsGoogle News