કોણ છે 22 વર્ષીય શૂટર મનુ ભાકર, જેણે પેરિસ ઓલિમ્પિકસમાં ભારતનો ઝંડો લહેરાવી ઈતિહાસ રચી દીધો

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
કોણ છે 22 વર્ષીય શૂટર મનુ ભાકર, જેણે પેરિસ ઓલિમ્પિકસમાં ભારતનો ઝંડો લહેરાવી ઈતિહાસ રચી દીધો 1 - image

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકસ 2024માં ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે. તેણે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ તે ઓલિમ્પિકસમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા શૂટર બની ગઈ છે. આ ઇવેન્ટમાં દક્ષિણ કોરિયાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો.

નિરાશાને પાછળ છોડી પેરિસ ઓલિમ્પિકસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો 

ટોક્યો ઓલિમ્પિકસમાં મળેલી હારની નિરાશાને પેરિસ ઓલિમ્પિકસમાં પાછળ છોડી દીધી હતી. પિસ્તોલમાં ખામીને કારણે તે આગળ વધી શકી નહીં, જેના કારણે તે ભાવુક પણ થઈ ગઈ હતી. પરંતુ પેરિસમાં તેણે એક કલાક અને 15 મિનિટ સુધી સંયમ જાળવી રાખ્યો હતો. ભારત 2012માં યોજાયેલા લંડન ઓલિમ્પિકસ પછી શૂટિંગમાં કોઈ મેડલ જીત્યો નથી.

આ પણ વાંચો: મનુ ભાકર અને સરબજોત સિંહે રચ્યો ઇતિહાસ, મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો


રિયો ઓલિમ્પિકસ બાદ પિતા પાસેથી બંદૂક માંગી હતી

મનુ હરિયાણાની ઝજ્જરની રહેવાસી છે. તેના પિતા મર્ચન્ટ નેવીમાં ચીફ એન્જિનિયર છે. તેણે 14 વર્ષની ઉંમરે શૂટિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કરી લીધું હતું. રિયો ઓલિમ્પિકસ 2016 પૂરો થયા પછી તેણે તેના પિતા પાસેથી શૂટિંગ માટે પિસ્તોલ માંગી હતી. એપ્રિલ 2016માં પહેલીવાર મનુ શૂટિંગ રેન્જમાં પહોંચી હતી. તેના માત્ર 15 દિવસ બાદ તેણે હરિયાણા ઓપન ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મનુ ભાકરે ઓલિમ્પિકસમાં બીજો મેડલ જીતી ઈતિહાસ રચ્યો

મનુ ભાકરે ઇતિહાસ રચી દીધો છે. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. મનુ અને સરબજોત સિંહે એર પિસ્તોલ શૂટિંગ મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો છે. 

પેરિસ ઓલિમ્પિકમાં મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ મળતા જ ભારતને બે મેડલ મળી ગયા છે. ઓલિમ્પિકમાં આજે ચોથા દિવસે ભારતીય એથ્લિટસ દેશ માટે વધુ મેડલ લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યા હતા. શૂટિંગમાં ભારત પાસે એર પિસ્તોલ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવાની આશા હતી. જે આશા ભારતીયોને ફળી છે. હરિયાણાની મનુ ભાકરે ભારતને બીજો મેડલ અપાવ્યો છે. સરબજોત સિંહ સાથે મળીને તેણે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટની મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતી બતાવ્યો છે અને આવું કરનાર તે પ્રથમ ભારતીય બની ગઈ છે. 

એક જ ઓલિમ્પિકસમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય

ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં દક્ષિણ કોરિયાના ઓહ યે જિન અને લી વોન્હોને 16-10થી હરાવ્યું હતું. ભારતે આઠ રાઉન્ડ જીત્યા હતા જ્યારે કોરિયાએ પાંચ રાઉન્ડ જીત્યા. આ સ્પર્ધામાં, 16 પોઈન્ટ મેળવનારી પ્રથમ ટીમ જીતે છે. આ સાથે મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે. તે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. નોર્મન પ્રિચાર્ડે વર્ષ 1900માં બે મેડલ જીત્યા હતા, પરંતુ તેઓ મૂળ બ્રિટિશ હતા. મનુ ભાકર આવું કરનાર પ્રથમ ભારતીય છે. મનુ પહેલા આઝાદ ભારતના કોઈપણ એથ્લિટે અગાઉ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા ન હતા. સરબજોત સિંહનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. બ્રોન્ઝ મેડલ માટેની હરીફાઈમાં તેઓની શરૂઆત સારી નહોતી રહી. પ્રથમ રાઉન્ડમાં તેઓનો પરાજય થયો હતો પરંતુ ત્યાર બાદ તેમણે શાનદાર વાપસી કરતાં ઉપરાઉપરી ત્રણ રાઉન્ડ અને આખરે ટોટલ પોઈન્ટમાં પણ લીડ લઈને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  મનુએ પોતાના પરિવાર અને દેશવાસીઓને ગૌરવ અપાવ્યું છે. તે શૂટિંગની વ્યક્તિગત 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં પણ મેડલ જીતનાર એકમાત્ર મહિલા બની હતી. 

તેણે 2017માં એશિયન જુનિયર ચેમ્પિયનશિપનો સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી તેણે નેશનલ ચેમ્પિયનશિપમાં ધૂમ મચાવી હતી. તેણે હિના સિંધુને પણ હરાવી અને સાથે-સાથે ઘણાં રાષ્ટ્રીય રેકોર્ડ પણ તોડ્યા હતા. આ ઈવેન્ટમાં તેણે 9 ગોલ્ડ જીત્યા હતા.

2018માં તેણે કોમનવેલ્થ ગેમ્સ અને યુથ ઓલિમ્પિકસમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય એ જ વર્ષે જુનિયર વર્લ્ડકપમાં પણ 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. જોકે, તે ટોક્યો ઓલિમ્પિકસમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. ક્વોલિફિકેશન રાઉન્ડમાં તે 12મા ક્રમે રહી હતી. બાદમાં તેની પિસ્તોલ ખામીયુક્ત હોવાનું બહાર આવ્યું હતું.

કોણ છે 22 વર્ષીય શૂટર મનુ ભાકર, જેણે પેરિસ ઓલિમ્પિકસમાં ભારતનો ઝંડો લહેરાવી ઈતિહાસ રચી દીધો 2 - image



Google NewsGoogle News