Get The App

સિડની ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમમાં ઉથલપાથલ! બે ખેલાડીઓના કપાઈ શકે છે પત્તાં

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
સિડની ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમમાં ઉથલપાથલ! બે ખેલાડીઓના કપાઈ શકે છે પત્તાં 1 - image


Australia Team: બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા 2-1ની લીડથી આગળ છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે મેલબોર્ન ટેસ્ટમાં 184 રને જીત મેળવીને પાંચ મેચની સીરિઝમાં લીડ મેળવી લીધી છે. આ સીરિઝની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. પરંતુ સિડની ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમમાં મોટી ઉથલપાથલ જોવા મળે શકી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં મોટા ફેરફારો થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના હેડ કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે મેલબોર્નમાં જીત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફેરફારોને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. કોચે ખુલાસો કર્યો કે સામાન્ય રીતે વિજેતા ટીમમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ મજબૂરીમાં ફેરફાર કરી શકે છે.

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ માટે મંગળવારે સિડની પહોંચી ગયા છે. ઓસ્ટ્રેલિયન હેડ કોચ મેકડોનાલ્ડનું માનવું છે કે મિશેલ માર્શ ભારત સામે એટલા રન નથી બનાવી શક્યા જેટલા સિલેક્ટર્સ ઇચ્છતા હતા અને તેમનું માનવું છે કે જો મિચેલ સ્ટાર્ક ઈજાના કારણે સિડની ટેસ્ટમાંથી બહાર થઈ જશે તો તેના સ્થાને સીન એબોટ અથવા ઝી રિચર્ડસન તેનું સ્થાન લઈ શકે છે. 

ઓસ્ટ્રેલિયાની સિલેક્શન સંબંધી સમસ્યા

ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. એડિલેડ ટેસ્ટ 10 વિકેટે જીત્યા બાદ તેણે ગાબા ટેસ્ટમાં પણ પોતાની મજબૂત સ્થિતિ બનાવી, પરંતુ વરસાદથી પ્રભાવિત સીરિઝની ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. ત્યારબાદ મેલબોર્નમાં મોટી જીત હાંસલ કરી. આવી સ્થિતિમાં વિજેતા ટીમ પોતાની પ્લેઇંગ ઇલેવન સાથે ચેડાં ન કરે પરંતુ ઓસ્ટ્રેલિયાએ સિલેક્શન સાથે સબંધિત અનેક સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.

માર્શ ઓસ્ટ્રેલિયા માટે બન્યો માથાનો દુ:ખાવો

ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટો માથાનો દુખાવો એ છે કે માર્શને છઠ્ઠા નંબર પર રાખવો જોઈએ કે નહીં, કારણ કે તેણે આ સીરિઝમાં 6, 47, 9, 5, 2, 4, 0 રન બનાવ્યા છે. ઓલરાઉન્ડર બ્યુ વેબસ્ટર ઓસ્ટ્રેલિયન ટીમમાં છે અને શેફિલ્ડ શીલ્ડમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન બાદ તેને ડેબ્યુ કેપ આપવામાં આવી શકે છે. તે શેફિલ્ડ શીલ્ડના ઇતિહાસમાં ગેરી સોબર્સ ઉપરાંત તે એકમાત્ર ખેલાડી છે જેણે એક સિઝનમાં 900થી વધુ રન બનાવ્યા અને 30 વિકેટ લીધી છે. હેડ કોચે માર્શ વિશે કહ્યું કે, તે સારા મૂડમાં છે. શું તમે વધુ સારું પ્રદર્શન કરવા માગશો? તેમાં કોઈ શંકા નથી. ચાર ટેસ્ટ મેચોમાં તે એ સ્તરનું પ્રદર્શન ન કરી શક્યો જેવું તે અને અમે ઇચ્છતા હતા. જોકે તે સંપૂર્ણપણે તૈયાર છે. અમે હમણાં જ એક ટેસ્ટ મેચ જીતી છે. 

આ પણ વાંચો: રમ્યા વગર ઑસ્ટ્રેલિયાથી પાછા આવશે ભારતના આ ચાર ખેલાડી? કૅપ્ટન રોહિતે ભાવ ન આપ્યો

મેકડોનાલ્ડે એ વાતને નકારી કાઢી કે માર્શ બોલિંગના મામલે સંપૂર્ણપણે ફિટ નથી. ચાર ટેસ્ટ મેચોમાં માર્શે 33 ઓવર ફેંકી છે અને 139 રન આપીને 3 વિકેટ ખેરવી છે. ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કની ઈજા અંગે અપડેટ આપતાં કોચે કહ્યું કે, સ્ટાર્કને સ્પષ્ટપણે કેટલીક ખાસ સમસ્યાઓ છે. આવતીકાલે આપણે જોઈશું કે દરેક વ્યક્તિ કેવી રીતે સાજા થાય છે. મને લાગે છે કે આપણે સીરિઝમાં જેટલી ઓવર ફેંકી, તેનાથી ફાયદો જ થશે.

જો સ્ટાર્કને રમવાની મંજૂરી ન હોય તો ઓસ્ટ્રેલિયા પાસે એબોટ અને રિચર્ડસન સ્ટેન્ડબાય પર છે. સ્ટાર્ક મેલબોર્નમાં ખૂબ જ પીડામાં દેખાતો હતો. તે કમરના દુખાવાથી પરેશાન જણાતો હતો. જોકે તેમ છતાં તેણે બોલિંગ કરી હતી.


Google NewsGoogle News