વર્લ્ડકપમાં ભારત હાર્યું તો ચાહકોએ સ્ટેડિયમમાં આગ લગાવી દીધી હતી... વિનોદ કાંબલી રડવા લાગ્યો હતો
વર્ષ 1996માં સંયુક્ત રીતે ભારતની યજમાનીમાં ODI World Cup રમાયું હતું
Image: Social Media |
IND vs SL World Cup Semi Final 1996 : ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં 28 વર્ષ પહેલા આજના દિવસે કંઈક એવું બન્યું હતું, જેને કોઈ પણ ભારતીય ક્રિકેટ ચાહક કે દિગ્ગજ ક્રિકેટરો યાદ રાખવા માંગશે નહીં. 13 માર્ચ, 1996ના દિવસને હંમેશા એક એવા દિવસ તરીકે યાદ કરવામાં આવશે જેણે ખરાબ છાપ છોડી હતી. આ દિવસે ભારત અને શ્રીલંકા વચ્ચે ODI World Cup 1996ની સેમિફાઇનલ મેચ રમાઈ હતી.
ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનના કારણે દર્શકો આક્રમક બન્યા
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ સેમિફાઈનલ મેચ વિશે વિચારતા ગુસ્સે થયેલા દર્શકોઅને વિનોદ કાંબલીનો આંસુભર્યો ચહેરો આજે પણ યાદ આવી જાય છે. ભારતીય બેટિંગના ફેલ થયા બાદ દર્શકો આક્રમક બની ગયા હતા અને તેમના ખરાબ વર્તનને કારણે મેચ પૂર્ણ થઈ શકી ન હતી અને તે શ્રીલંકાને જીત આપવામાં આવી હતી.
ભારતમાં યોજાયું હતું વર્લ્ડકપ
વર્ષ 1996માં સંયુક્ત રીતે ભારતની યજમાનીમાં ODI World Cup રમાયું હતું. આ ટુર્નામેન્ટમાં મોહમ્મદ અઝરુદ્દીનના નેતૃત્વમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ કમનસીબે તેને સેમિફાઈનલમાં શ્રીલંકાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીત્યો હતો, પરંતુ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
સચિનના આઉટ થયા બાદ ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ
પ્રથમ બેટિંગ કરતા અર્જુન રણતુંગાની કેપ્ટનશિપ હેઠળ શ્રીલંકાની ટીમે 8 વિકેટે 251 રન બનાવ્યા હતા. આ મેચમાં અરવિંદ ડી સિલ્વાએ 66 રનની ઇનિંગ રમી હતી. જ્યારે જવાગલ શ્રીનાથે 3 અને સચિન તેંડુલકરે 2 વિકેટ ઝડપી હતી. આ પછી, જે સૌથી ખરાબ થવાનું હતું તે બીજી ઇનિંગમાં થયું હતું.
ભારતીય ટીમે 120 રનમાં 8 વિકેટ ગુમાવી
252 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ એક સમયે 98 રનમાં એક વિકેટ ગુમાવીને સારી સ્થિતિમાં હતી, પરંતુ સચિન તેંડુલકરના આઉટ થયા બાદ ટીમનો બેટિંગ ઓર્ડર ઢળી ગયો હતો. આ પછી ભારતીય ટીમે 120 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. 35મી ઓવર થવાની હતી અને ભારતીય ટીમને 156 બોલમાં 132 રનની જરૂર હતી, જે અશક્ય જણાતું હતું.
કાંબલી મેદાન પર જ રડવા લાગ્યો
વિનોદ કાંબલી 10 અને અનિલ કુંબલે શૂન્યના સ્કોર પર ક્રિઝ પર હતા. આ પછી દર્શકોએ મેદાન પર બોટલો ફેંકવાનું શરૂ કર્યું અને આગચંપી શરૂ કરી દીધી હતી. દર્શકોએ સ્ટેડિયમના એક ભાગમાં બેસવાની જગ્યામાં આગ લગાવી દીધી હતી. આ પછી મેચ ત્યાં જ રોકવી પડી હતી. જે બાદ મેચ રેફરી ક્લાઈવ લાઈડે શ્રીલંકાને વિજેતા જાહેર કર્યું હતું. મેચની આ હાલત જોઈને અણનમ રહેલો કાંબલી મેદાન પર જ રડવા લાગ્યો હતો. તેની ઘણી તસવીરો વાયરલ થઈ હતી. હવે આ મેચ ઈડન ગાર્ડન્સમાં લાગેલી આગ અને મેદાન પર દર્શકો દ્વારા ફેંકવામાં આવેલી બોટલો, ચપ્પલ અને જૂતા માટે યાદ કરવામાં આવે છે.