ચાલુ મેચમાં કોર્ટમાં જ ઢળી પડ્યો ચાઇનાનો 17 વર્ષિય બેડમિન્ટન પ્લેયર, કાર્ડિયાક અરેસ્ટના લીધે થયું મોત
Chinese Badminton player Died: યુવાનોમાં હાલના સમયમાં હાર્ટએટેકથી થતા મોતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ઇન્ડોનેશિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં, બેડમિન્ટનની એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં ચાલુ મેચ દરમિયાન ચાઇનાના 17 વર્ષીય બેડમિન્ટનના પ્લેયર ઝાંગ ઝિજીનું કાર્ડિયાક અરેસ્ટથી મોત નિપજ્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે ઝિજી એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં જાપાનના કાઝુમા કાવાનો સામે મેચ રમી રહ્યો હતો. ઝીજી મેચના પ્રથમ રાઉન્ડ દરમિયાન અચાનક કોર્ટ પર ઢળી પડ્યો હતો. આ ઘટના બાદ યુવાનોના સ્વાસ્થ્ય અને તેમની દિનચર્યા સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.
સારવાર દરમિયાન થયું મોત
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તબીબી ટીમોએ ઝીજીની કોર્ટમાં પ્રાથમિક સારવાર કરી તરત જ તેને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બાદમાં, તેને યોગકાર્તાની મુખ્ય સરકારી હોસ્પિટલ ડૉ. સરજીતો જનરલ હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ખેલાડીના મોત પર શોક વ્યક્ત કરાયો
અધિકારીઓ અને બેડમિન્ટન ખેલાડીઓએ સોમવારે સવારે ક્વાર્ટર ફાઈનલ પહેલા કોર્ટ પર એક મિનિટનું મૌન પાળીને ઝીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. બેડમિન્ટન એશિયા અને PBSI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બેડમિન્ટનની દુનિયાએ એક પ્રતિભાશાળી ખેલાડીને ગુમાવ્યો છે." ચાઇનીઝ બેડમિન્ટન એસોસિએશને પણ ઝીજીના પરિવારને તેની સંવેદના અને સમર્થન આપતા કહ્યું હતું કે, " તે બેડમિન્ટનને પ્રેમ કરતો હતો અને રાષ્ટ્રીય યુવા બેડમિન્ટન ટીમનો ઉત્કૃષ્ટ ખેલાડી હતો." નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેતી વખતે અચાનક માંદગીથી ઝાંગ ઝિજીના કમનસીબ મૃત્યુથી અમે ખૂબ જ દુઃખી છીએ. અમે ઝાંગ ઝિજીના પરિવારને મદદ પૂરી પાડવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું, ”