IPLની 17મી સિઝન ઈતિહાસની સૌથી હાઈ સ્કોરિંગ રહે તેવી અપેક્ષા, CSKના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો
IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન અત્યાર સુધીના ઈતિહાસની સૌથી હાઈસ્કોરિંગ સિઝન રહે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આઇપીએલમાં કુલ 74 મુકાબલા ખેલાવાના છે, જેમાંથી શરૂઆતની 49 મેચમાં કુલ મળીને 29 ઇનિંગમાં 200 કે વધુનો સ્કોર જોવા મળ્યો છે. સિઝનમાં હજુ 26 મેચ બાકી છે, ત્યારે વર્તમાન સિઝનમાં અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ 200 કે તેનાથી વધુના સ્કોરને રેકોર્ડ સર્જે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
2023ની સિઝનમાં સૌથી વધુ 37 વખત 200+ નો સ્કોર નોંધાયો હતો
આઇપીએલના ઈતિહાસમાં ગત વર્ષ 2023ની સિઝનમાં સૌથી વધુ 37 વખત 200 કે વધુનો સ્કોર નોંધાયો હતો. ત્યાર બાદ હાલની સિઝન સ્થાન ધરાવે છે. વર્તમાન સિઝનમાં હવે 8 વખત 200 કે વધુ રન નોંધાય તેની સાથે તે ગત સિઝનના રેકોર્ડની બરોબરી કરી લેશે. સૌથી વધુ 200 કે વધુનો સ્કોર નોંધાયો હોય તેવી સિઝનમાં ત્રીજો ક્રમ વર્ષ 2018માં રમાયેલી આઈપીએલને મળે છે, જેમાં 18 ઈનિંગમાં 200 કે વધુ રનનો સ્કોર નોંધાયેલો જોવા મળ્યો છે.
સૌથી વધુ વખત 200+નો સ્કોર કરવામાં KKR મોખરે
આ સિઝનમાં જે પ્રકારે બેટ્સમેનો ચોગ્ગા- છગ્ગા ફટકારીને સનસનાટી મચાવી રહ્યા છે, તે જોતા આ સિઝનમાં જ સૌથી વધુ 200 કે વધુના સ્કોર નોંધાશે તે નક્કી લાગી રહ્યું છે. રસપ્રદ બાબત એ છે કે, પોઈન્ટટેબલમાં ટોચ પર રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમે વર્તમાન સિઝનમાં એકમાત્ર વખત 200 કે વધુનો સ્કોર કર્યો છે.
જ્યારે સૌથી વધુ વખત 200 પ્લસનો સ્કોર કરવામાં કોલકાતા નાઈટ રાઈડર્સ મોખરે છે. તેમણે 9 મેચની પાંચ ઈનિંગમાં આવી સિદ્ધિ હાંસલ કરી છે. કોલકાતાનો દેખાવ સાતત્યભર્યો રહ્યો છે અને તેમણે દિલ્હી સામેની મેચ અગાઉની છેલ્લી ત્રણેય મેચમાં 200થી વધુનો સ્કોર ખડક્યો હતો.
આ યાદીમાં કોલકાતા પછી સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સને સ્થાન મળે છે. જ્યારે અચાનક જ સફાળી જાગેલી રોયલ ગેલેન્જર્સ બેંગાલુરુની બેટિંગ લાઈન અપે છેલ્લી ચાર મેચમાં 200ના સ્કોરને પાર કરવામાં સફળતા મેળવી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સને વર્લ્ડ રેકોર્ડ 35મી વખત 200થી વધુના સ્કોર સાથે ટોચ પર
ચેન્નાઈ સુપર કિંગ્સે ગઈકાલે ઘરઆંગણે રમાયેલી મેચમાં ત્રણ વિકેટે 212 ૨ન ખડક્યા બાદ હૈદરાબાદને માત્ર 134 રનમાં જ સમેટી લીધું હતુ. આ સાથે તેમણે 78 રનથી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં આગેકૂચ કરી હતી. આ મેચ દરમિયાન જ ચેન્નાઈએ T-20 ક્રિકેટમાં સૌથી વધુ વખત 200 થી વધુનો સ્કોર નોંધાવવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો હતો. ચેન્નાઈએ આ ઓવરઓલ 35મી વખત 200થી વધુનો સ્કોર નોંધાવ્યો હતો અને ઈંગ્લેન્ડના સમરસેટને પાછળ રાખી દીધું હતુ.
હૈદરાબાદ સામેની મેચ પહેલા ચેન્નાઈ અને સમરસેટ 34-34 વખત 200થી વધુનો સ્કોર નોંધાવીને સંયુક્તપણે ટોચ પર હતા. T-20 ક્રિકેટમાં ઓવરઓલ સૌથી વધુ વખત 200 કે વધુનો સ્કોર નોંધાવવામાં ત્રીજા ક્રમે ટીમ ઈન્ડિયા જ સ્થાન ધરાવે છે. ભારતીય ટીમે કુલ 32 ઈનિંગમાં 200 કે વધુનો સ્કોર ખડક્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ 31 ઈનિંગમાં 200 કે વધુનો સ્કોર નોંધાવી ચૂક્યું છે.