સંન્યાસ ન લેતા...' સતત ફ્લોપ રોહિત શર્માને 15 વર્ષના ચાહકે ભાવુક પત્ર લખી કરી અપીલ
Fan writes emotional letter to Rohit Sharma : ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં કંઈ ખાસ દેખાવ કરી શક્યો ન હતો. તેણે પાંચ ઇનિંગ્સમાં 6.20ની સરેરાશથી માત્ર 31 રન બનાવ્યા હતા. ત્યારબાદ રોહિત હાલ રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર સામેની મેચમાં બંને ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવી શક્યો હતો. રોહિત શર્મા 9 વર્ષ 3 મહિના બાદ મુંબઈ સામેની રણજી મેચમાં રમવા ઉતર્યો હતો. જો કે આ મેચમાં મુંબઈએ 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ પછી રોહિતને 15 વર્ષીય ચાહકે એક ભાવુક પત્ર આપ્યો હતો ચાહકે પોતાનું નામ યથાર્થ છાબડિયા જણાવ્યું હતું. ચાહકે પોતાના પત્રમાં લખ્યું હતું કે, 'હું રોહિતના કારણે જ ક્રિકેટ જોઉં છું.' આ સિવાય તેણે રોહિતને ક્યારેય સંન્નયાસ ન લેવાની અપીલ કરી હતી.
તમારા લીધે જ મેં આ રમતને જોવાનું શરુ કર્યું
પત્રમાં ચાહકે લખ્યું હતું કે, 'મારા આદર્શ, મારા સૌથી પ્રિય ખેલાડી અને અત્યાર સુધીના સૌથી મહાન બેટર....મને ખબર છે કે જ્યારે હું આ કહી રહ્યો છું ત્યારે હું લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. તમારા લીધે જ મેં આ રમતને જોવાનું શરુ કર્યું હતું. હું ભાગ્યશાળી છું કે હું આ યુગમાં જન્મ્યો છું કે જેને તમારી શાનદાર બેટિંગ જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેનાથી કોઈ ફરક નથી પડતો કે તમે હાલમાં કોઈ મોટી ઇનિંગ નથી રમી. હું જોઈ રહ્યો છું કે તમે સાચા સસ્તા પર ચાલી રહ્યા છો અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરોધી ટીમને ધરાશાયી કરી દેશો. તમે ફટકારેલા ત્રણ શાનદાર છગ્ગા (રણજી ટ્રોફીમાં) જોરદાર હતા. આ મેચ મારે ગણિતના ક્લાસ દરમિયાન જોવી પડી હતી. નફરત કરવાવાળા તો નફરત કરશે જ, પરંતુ તમારી લીડરશીપ શાનદાર છે. તમે દરેક ફોર્મેટમાં ખેલાડી અને કેપ્ટન તરીકે સફળતા હાંસલ કરી છે.'
પ્લીઝ, તમે ક્યારેય સંન્યાસ ન લેતા!
પોતાની ભાવના વ્યક્ત કરતા વધુમાં ચાહકે લખ્યું હતું કે, 'હું હંમેશા તમને ફોલો કરતો આવ્યો છું અને તમારા લીધે જ હું મેચ જોઉં છું. પ્લીઝ, તમે ક્યારેય સંન્યાસ ન લેતા. હું કલ્પના પણ નથી કરી શકતો કે હું તમને ઇનિંગની શરૂઆત કરતા ન જોઉં. હું 15 વર્ષનો એક સારું બોલવાવાળો એક ઉત્સાહી છોકરો છું. મારું સપનું એક સ્પોર્ટ્સ સ્પેશીયાલીસ્ટ બનવાનું છે અને મેં રાજસ્થાન રોયલ્સ સાથે મારી ઇન્ટરશીપ પણ પૂરી કરી લીધી છે. જો તમે મારી મદદ કરી શકો તો મહેરબાની કરીને મને કહેજો. હું તમને પ્રેમ કરું છું. મને ખબર છે કે તમે ખૂબ ઝડપથી તમારી સર્વશ્રેષ્ઠ ક્ષમતા સાથે વાપસી કરશો.'