GT vs RR : 14 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીની 35 બોલમાં સદી, IPL ઇતિહાસમાં સદી ફટકારનારો સૌથી યુવા બેટર બન્યો
Vaibhav Suryavanshi : જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટિંગ કરી હતી. વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારી. વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારવાની સાથે જ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. વૈભવ IPLમાં સદી ફટકારનારો સૌથી યુવા બેટર બની ગયો છે. મેચ દરમિયાન, તેણે મોહમ્મદ સિરાજથી લઈને ઇશાંત શર્મા અને વોશિંગ્ટન સુંદર સુધીના ગુજરાત ટાઇટન્સના બધા બોલરોની ધોલાઇ કરી હતી.
કરીમ જન્નતનો ડેબ્યૂ બગાડ્યો
વૈભવ સૂર્યવંશીની ખતરનાક બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે ગુજરાત ટાઇટન્સના કોઈ પણ બોલરને છોડ્યો નહીં. પોતાની ઇનિંગ દરમિયાન, વૈભવે કરીમ જન્નતની ઇનિંગ પણ બગાડી દીધી, જે આ મેચમાં IPLમાં ડેબ્યૂ કરી રહ્યો હતો. તેણે કરીમ જન્નતની પહેલી જ ઓવરમાં 30 રન બનાવ્યા. વૈભવની ઇનિંગનો ઉત્સાહ એટલો હતો કે રાજસ્થાનના કોચ રાહુલ દ્રવિડ પણ ઉભા થઈ ગયા, જે અત્યાર સુધી વ્હીલચેર પર બેઠેલા હતા.
વૈભવની સિદ્ધિઓ
વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારવાની સાથે જ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણે IPLની આ સિઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી. રાજસ્થાન રોયલ્સ માટે બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી. આ સાથે, ગુજરાત ટાઇટન્સ સામે આ IPLમાં સૌથી ઝડપી અડધી સદી છે. આ ઉપરાંત વૈભવ IPLમાં સદી ફટકારનારો સૌથી યુવા બેટર પણ બની ગયો છે. આ તેના માટે એક મોટી સિદ્ધિ છે.