Get The App

નેશનલ ગેમ્સમાં 14 વર્ષની કિશોરીની કમાલ, સ્વિમિંગમાં કર્ણાટક તરફથી જીત્યા ત્રણ ગોલ્ડ

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
નેશનલ ગેમ્સમાં 14 વર્ષની કિશોરીની કમાલ, સ્વિમિંગમાં કર્ણાટક તરફથી જીત્યા ત્રણ ગોલ્ડ 1 - image


Image: Facebook

National Games 2025: પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારી ભારતની 14 વર્ષીય ધિનિધિ દેસિંધુએ બુધવારે નેશનલ ગેમ્સની સ્વિમિંગ ઈવેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તે શાનદાર પ્રદર્શન કરતાં ત્રણ ગોલ્ડ મેડલ જીતીને ચર્ચામાં રહી જ્યારે કર્ણાટક પાંચ ગોલ્ડ મેડલ જીતીને પહેલા દિવસે મેડલ ટેબલમાં ટોપ પર રહ્યું.

કર્ણાટકે પહેલા દિવસે સાત મેડલ (પાંચ ગોલ્ડ, બે સિલ્વર) જીત્યા જ્યારે મણિપુર (ચાર ગોલ્ડ, ચાર સિલ્વર) બીજા અને મહારાષ્ટ્ર (બે ગોલ્ડ, ત્રણ સિલ્વર, ત્રણ બ્રોન્ઝ) ત્રીજા સ્થાને છે. પહેલો દિવસ કર્ણાટકની દેસિંધુના નામે રહ્યો. જેણે મહિલાઓની 200 મીટર ફ્રીસ્ટાઈલ સ્પર્ધામાં બે મિનિટ અને 3.24 સેકન્ડના રમતના રેકોર્ડ સમયની સાથે ગોલ્ડ મેડલ જીત્યા. કર્ણાટકની આ સ્વિમરે આ સિવાય મહિલાઓની 100 મીટર બટરફ્લાય અને 4x100 મીટર ફ્રી સ્ટાઈલમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા.

પેરિસ ઓલિમ્પિયન શ્રીહરિ નટરાજે હલ્દ્વાનીના ગોલાપારમાં માનસખંડ સ્વિમિંગ પૂલ સ્વિમિંગ સ્પર્ધાના શરૂઆતી દિવસમાં શાનદાર પ્રદર્શન કરતાં પુરુષોની 200 મીટર ફ્રીસ્ટાઈલ અને પુરુષોની 4x100 મીટર ફ્રીસ્ટાઈલમાં ગોલ્ડ મેડલ જીત્યા.

મહિલાઓની 200 મીટર ફ્રીસ્ટાઈલમાં દિલ્હીની ભવ્યા સચદેવા (2:08.68) અને મહારાષ્ટ્રની અદિતિ સતીશ હેગડે (2:09.74) ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને રહી. મહિલાઓની 100 મીટર બટરફ્લાયમાં દેસિંધુએ 1:03:62 નો સમય કાઢ્યો અને દિવસમાં બીજી વખત પોડિયમના ઉચ્ચ સ્થાને પહોંચી. કર્ણાટકની જ નાયશા શેટ્ટી (1:04.81) એ સિલ્વર જ્યારે ઓડિશાની સૃષ્ટિ ઉપાધ્યાય (1:05.20) એ બ્રોન્ઝ મેડલ જીત્યો.

દેસિંધુએ તે બાદ નીના વેંકટેશ, શાલિની આર દીક્ષિત અને લતીશા મંધાનાની સાથે મળીને 4:01:58 ના સમયની સાથે કર્ણાટકને મહિલાઓની 4x100 મીટર ફ્રીસ્ટાઈલમાં ગોલ્ડ મેડલ અપાવ્યો. મહારાષ્ટ્ર (4:02.17) અને તમિલનાડુ (4:08:81) એ ક્રમશ: સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો.

કર્ણાટકે પુરુષોની 4x100 મીટર ફ્રીસ્ટાઈલમાં શ્રીહરિ નટરાજ, અનીશ એસ ગૌડા, આકાશ મણિ અને ચિનતન એસ શેટ્ટીની ટીમની સાથે 3:26.26 નો સમય લઈને રાષ્ટ્રીય રમતનો નવો રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો. તમિલનાડુ (3:29:92) અને ગુજરાત (3:32:23) એ ક્રમશ: સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા.

આ પણ વાંચો: ભારતનો નવો સ્ટાર બેટર ICC T20 રેન્કિંગમાં ચમક્યો, 4 ઈનિંગમાં સતત નોટઆઉટ રહ્યો હતો

નટરાજે પુરુષોની 200 મીટર ફ્રીસ્ટાઈલમાં 1:50.57 નો સમય લઈને દિવસનો પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો. કર્ણાટકના તેના સાથી અનીશ એસ ગૌડા (1:52:42) અને કેરળના અનુભવી સ્વિમર સાજન પ્રકાશ (1:53.73) ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યાં.

દિવસની એકમાત્ર સ્વિમિંગ સ્પર્ધા જેમાં કર્ણાટકે ગોલ્ડ જીત્યો નહીં. તે પુરુષોની 100 મીટર બટરફ્લાય હતી. જેમાં તમિલનાડુના બેનેડિક્શન રોહિતે 53.89 સેકન્ડના સમયની સાથે ગોલ્ડ મેડલ જીત્યો. મહારાષ્ટ્રના મિહિર અમ્બ્રે (54.24) બીજા સ્થાન પર રહ્યાં જ્યારે સાજન પ્રકાશ (54.52) એ દિવસનો પોતાનો બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો.

રમિતા જિંદલ ક્વોલિફિકેશનમાં ટોપ પર

દહેરાદૂનમાં ત્રિશૂલ શૂટિંગ રેન્જમાં હરિયાણાની એશિયન રમતની બ્રોન્ઝ મેડલ વિજેતા નિશાનેબાજ રમિતા જિંદલ મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ક્વોલિફિકેશનમાં ઉચ્ચ સ્થાને રહી. આ 21 વર્ષીય નિશાનેબાજે ક્વોલિફિકેશનમાં 634.9 સ્કોર બનાવ્યા. જે પેરિસ ઓલિમ્પિક રમતના ક્વોલિફિકેશન રાઉન્ડમાં કોરિયાની બાન હ્યોજિનના 634.5થી શ્રેષ્ઠ છે. રમિતાએ મહારાષ્ટ્રની આર્યા બોરસેને 0.4 અંકથી પાછળ છોડી. તમિલનાડુની નર્મદા રાજુ માત્ર 0.1 સ્કોર પાછળ ત્રીજા સ્થાને રહી. કેરળની વિદરસાની વિનોદ 633.0 સ્કોરની સાથે ચોથા સ્થાને રહી.

મધ્યપ્રદેશની શ્રેયા અગ્રવાલ (632.0), ગુજરાતની ઈલાવેનિલ વલારિવન (631.9), કર્ણાટકની મેઘના સજ્જનર (631.2) અને ઓડિશાની માન્યતા સિંહ (630.1) ગુરુવારે થનાર ફાઈનલમાં સ્થાન બનાવનારી અન્ય નિશાનેબાજ છે.

લંડન ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતાને ઝટકો

પુરુષોની રેપિડ ફાયર પિસ્ટલમાં પંજાબનો વિજયવીર સિંહ સિદ્ધુ 587 સ્કોરની સાથે ઉચ્ચ સ્થાને રહ્યો. હરિયાણાના અનીશ ભાનવાલા (582), સેનાના નીરજ કુમાર (579), રાજસ્થાનના ભાવેશ શેખાવત (577), સેનાના ઓંકાર સિંહ (574) અને સેનાના ગુરપ્રીત સિંહ (574) એ પણ ફાઈનલમાં સ્થાન બનાવ્યું. હિમાચલ પ્રદેશની તરફથી રમી રહેલા લંડન ઓલિમ્પિક 2012ના સિલ્વર મેડલ વિજેતા વિજય કુમાર ફાઈનલમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યા.

આ પણ વાંચો: કોહલી માટે ક્રેઝ: સ્ટેડિયમ બહાર રાતના 3 વાગ્યાથી 2 કિમીની કતાર, ધક્કામુક્કીમાં ત્રણ ઈજાગ્રસ્ત

ખો-ખો માં ઓડિશા, કર્ણાટક, આંધ્રની જીત

પુરુષ ખો-ખોમાં ઓડિશાએ પશ્ચિમ બંગાળને 44-28 થી, કર્ણાટકે ઉત્તરાખંડને 36-18થી અને આંધ્ર પ્રદેશે છત્તીસગઢને 35-22 થી હરાવ્યું. મહિલા ખો-ખો માં મહારાષ્ટ્રએ પશ્ચિમ બંગાળ પર 24-20થી નજીત જીત નોંધાવી જ્યારે ઓડિશાએ ગુજરાતને 26-16 થી અને કર્ણાટકે ઉત્તરાખંડને 41-12થી હરાવ્યુ.

મહિલા રગ્બીમાં દિલ્હી, ઓડિશા, બિહારની જીત

મહિલા રગ્બી સેવન્સમાં પુલ એ મેચોમાં દિલ્હીએ પશ્ચિમ બંગાળને 19-12થી, ઓડિશાએ ઉત્તરાખંડને 57-0થી અને બિહારે કેરળને 58-0થી હરાવ્યું જ્યારે પુલ બી મેચોમાં મહારાષ્ટ્રએ તમિલનાડુ વિરુદ્ધ 68-0ના મોટા અંતરથી જીત મેળવી.

પુરુષ રગ્બીમાં મહારાષ્ટ્ર, ઓડિશા વિજય

પુરુષ રગ્બી સેવન્સમાં, પુલ એ માં મહારાષ્ટ્રએ કેરળને 39-0થી અને પુલ બી માં ઓડિશાએ બિહારને 29-0થી હરાવ્યુ. 

અન્ય રમતની સ્થિતિ

બેડમિન્ટન ટીમ સ્પર્ધામાં, રાજસ્થાનમાં પુરુષોના ગ્રૂપ બી માં અરુણાચલ પ્રદેશને 4-1 થી હરાવ્યુ, જ્યારે મહિલાઓના ગ્રૂપ બી માં ઉત્તરાખંડે ગુજરાત પર 3-2 થી જીત મેળવી. વોટરપોલોમાં પુરુષોમાં મહારાષ્ટ્રએ હરિયાણાને 20-0થી અને સેનાએ પંજાબને 17-1 થી હરાવ્યું, જ્યારે મહિલા વર્ગમાં કેરળે તમિલનાડુને 25-0 થી અને પશ્ચિમ બંગાળે હરિયાણાને 25-0ના સમાન અંતરથી હરાવ્યુ. બાસ્કેટ બોલ 5x5 ના પુરુષ વર્ગમાં દિલ્હીએ રાજસ્થાનને 94-75 થી જ્યારે મહિલા વર્ગમાં કેરળે ઉત્તર પ્રદેશને 76-37 થી હરાવ્યું. 


Google NewsGoogle News