137 કિલો વજન ધરાવે છે આ ક્રિકેટર, અડધી ટીમને જાદુઈ બોલિંગના ચક્કરમાં ફસાવી ફરી ચર્ચામાં
Caribbean Premier League 2024: જે ખેલાડીના વજનને લઈને લોકો તેની મજાક ઉડાવતા હતા, અને તેને દુનિયાનો સૌથી જાડો ખેલાડી કહેતા હતા. હવે તે ખેલાડીએ પોતાની બોલિંગથી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. શાનદાર બોલિંગને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. 137 કિલો વજન ધરાવતા આ ખેલાડીએ મેચમાં 4 ઓવરમાં 16 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
આ ખેલાડી બીજું કોઈ નહિ પણ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનો ખેલાડી રહ્કીમ કોર્નવોલ છે. જેનો વજન 137 કિલો છે. આટલો વજન હોવા છતાં તે કેરેબિયન પ્રીમિયર લીગમાં શાનદાર બોલિંગ કરીને ક્રિકેટ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જેમાં તે બાર્બાડોસ રોયલ્સ તરફથી રમી રહ્યો છે.
કોર્નવોલે બાર્બાડોસ તરફથી સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિઓટ્સ વિરુદ્ધ જાદુઈ બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 16 રન આપીને 5 વિકેટ હાંસલ કરી હતી. તેના આ પ્રદર્શનને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. કોર્નવોલે સેન્ટ કિટ્સની અડધી ટીમને પવેલિયન ભેગી કરી દીધી હતી. જેથી કરીને સેન્ટ કિટ્સની ટીમ 19.1 ઓવરમાં 110 કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. કોર્નવોલે કેપ્ટન આન્દ્રે ફ્લેચર, મિકાઈલ લુઈસ, વાનિન્દુ હસરાંગા, ઓડીયન સ્મિથ અને રેયાન જોનની વિકેટ લીધી હતી.
જવાબમાં બાર્બાડોસ રોયલ્સ 111 રનના લક્ષ્યનો પીછો કરતા 11.2 ઓવરમાં 113 રન કરીને ટીમે મેચ પોતાના નામે કરી લીધો હતો. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ક્વિન્ટન ડી કોકે 38 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 59 રનની ઇનિંગ રમી હતી. જયારે એલિક એન્થાજે 15 બોલમાં 4 ચોગ્ગા મારીને 22 રનની ઇનિંગ રમી હતી.