WORLD ENVIRONMENT DAY: પર્યાવરણ પર્વ

Updated: Jun 4th, 2019


Google NewsGoogle News
WORLD ENVIRONMENT DAY: પર્યાવરણ પર્વ 1 - image



ભારતની પ્રાચીન જીવનશૈલીને જો આપણે વળગી રહ્યા હોત તો પર્યાવરણ સંરક્ષણના નામે આજે જે માથાકૂટ થાય છે એ સ્થિતિ જ ન આવી હોત. હજુ થોડા વર્ષો પહેલાં સુધીની આપણી દૈનિક જિંદગી પર્યાવરણ-પ્રકૃતિ-કુદરતને ઓછામાં ઓછું નુકસાન કરે એવી હતી. ભારતીય વૈદિક ગ્રંથોમાં પણ વસુંધરાનું જતન કેમ કરવું તેનું મહિમાગાન કરાયું છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતની એ ભવ્યતા પર દૃષ્ટિપાત કરીએ...

ઈકો-ફ્રેન્ડલી ભારતીય જીવનશૈલી
એક પ્રચલિત કહેવત છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલે કે જુનું એટલું સોનું. આ કહેવત કદાચ બધી બાબતોમાં સાચી ન હોય તો પણ ભારતીય સંસ્કૃતિ અને આપણા જુના જીવનધોરણ માટે બિલકુલ સાચી છે. ૪૦ કે ૫૦ વર્ષ પહેલાંની આપણી જીવનપદ્ધતિ જ એ વાતની સાબિતી આપે છે કે હાલની બધી સમસ્યાઓનું કારણ આપણે અપનાવેલું નવું જીવનધોરણ જ છે, કેમકે તે સમયની આપણી લાઇફ સ્ટાઇલ ઇકો ફ્રેન્ડલી હતી. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. ત્યારે આજથી થોડા વર્ષ પહેલાંની અને ખાસ કરીને ગ્રામીણ ભારતીય જીવનપદ્ધતિ અંગે કરીએ, જેનાથી મનુષ્યનું પ્રકૃતિ અને જીવસૃષ્ટિ સાથે સંતુલન જળવાઇ રહેતું.

રહેઠાણ
આપણાં મકાનોમાં સિમેન્ટનો ઓછો અને ગાર-માટીનો વધુ ઉપયોગ થતો હતો. આ મકાનોમાં છાણ વડે લીંપણ કરવામાં આવતું. છાણ અને માટીના લીંપણવાળા એ મકાનો આજના સિમેન્ટના મકાનો કરતા બધી રીતે વિશિષ્ટ હતાં એ વાત વિજ્ઞાાન પણ સ્વીકારે છે. વૈદિક કાળથી ચાલી આવતી આ પરંપરા પાછળ મુખ્યત્વે વૈજ્ઞાાનિક કારણો છે. છાણમાં રહેલાં બેક્ટેરીયા અને અમુક તત્વો સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયી હોય છે.

તો સાથે જ મનુષ્ય માટે હાનિકારક બેક્ટેરીયા અને જંતુઓ આ લીંપણને લીધે દુર રહે છે. હાલ સિમેન્ટ અને માર્બલ વડે બનેલાં આપણા મકાનોની અંદર વિવિધ ઋતુ પ્રમાણે તાપમાનની સમસ્યા ઉભી થાય છે. ત્યારે ઉનાળો, ચોમાસુ અને શિયાળો બધી ઋતુમાં ઘરનું તાપમાન અને વાતાવરણની યોગ્ય જાળવણીમાં આ લીંપણ ખુબ મદદરૂપ નીવડે છે.  આ લીંપણ શિયાળામાં હીટર તો ઉનાળામાં કુલરનું કામ આપતું હતું

આ સિવાય આપણા બધાનું શરીર હોર્મોન્સ અને હવામાના સુક્ષ્મ કણો પ્રત્યે ઘણુ સંવેદનશીલ હોય છે. હવામાં નેગેટીવ આયન નામના કણ હોય છે. આ નેગેટીવ આયન એક પ્રકારનો ઓક્સિજન જ છે. જેનો સીધો સંબંધ આપણી ખુશી, પ્રસન્નતા સ્વાસ્થ્ય સાથે રહેલો છે.

નેગેટીવ આયનનું પ્રમાણ જેટલું વધે આપણી પ્રસન્નતા અને ખુશી તેટલી વધારે. આ આયનનું પ્રમાણ નદી, પર્વત, બગીચા, ખેતરો, ખુલ્લી જગ્યાઓ તેમજ છાણથી લીંપણ કરેલા ઘરોમાં વધારે હોય છે. સિમેન્ટથી પ્લાસ્ટર કરેલા ઘરોમાં તેમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. માટે આપણે આજે ફ્રેશ થવા માટે સેનેટાઇઝર વાળા સ્પ્રેની જરૂર પડે છે.

ખેતી અને પશુપાલન
આપણું અર્થતંત્ર ખેતી આધારિત છે, પરંતુ રોજરોજ ખેતીનું મહત્ત્વ ઓછું થતું જાય છે. ખેતી આધારિત વ્યવસ્થા એ પ્રાકૃતિક અથવા તો કુદરતી અર્થવ્યવ્સ્થા પણ કહી શકાય. હવેની આપણી અર્થવ્યવસ્થા ઉદ્યોગ આધારીત થતી જાય છે. પારંપરિક ખેતી પદ્ધતિની જગ્યાએ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને કેમિકલોના ઉપયોગ વડે છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતી અને ખેતી લાયક જમીનોને પારાવાર નુકસાન પહોંચ્યુ છે.

લોકોમાં વધી રહેલી જીવલેણ બીમારીઓ પાછળનું મુખ્ય કારણ ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરો છે. ઉપરાંત જે તે સમયે દેશનો મોટાભાગનો વર્ગ ખેતી કરતો હોવાથી રોજીંદા શ્રમ અને પરિશ્રમ વડે તેમનું આરોગ્ય સારૂ હતુ. જેની સરખામણીમાં હાલમાં બેઠાડુ જીવન પણ આરોગ્યલક્ષી સમસ્યાઓ ઉત્પન કરે છે.

પશુપાલન એ લોકોના જીવન સાથે જોડાયેલુ એક અભિન્ન અંગ હતું. લોકો ગાય, બળદ, ભેંસ, બકરી વગેરેનું  પોતાની ક્ષમતા અને જરૂરીયાત મુજબ પાલન કરતા હતા. પશુપાલન વડે લોકોની જરૂરીયાતો પુરી થતી અને બીજા પર આધાર રાખવો પડતો નહોતો. સાથે જ પશુપાલનના લીધે પ્રકૃતિનો ક્રમ પણ જળવાઇ રહેતો હતો.

ખોરાક અને સ્વાસ્થ્ય
આજે ઘઉં કે બાજરાના લોટથી માંડીને લગભગ બધી જ વસ્તુઓ બજારમાં તૈયાર મળી રહે છે. જ્યારે પહેલાના સમયમાં ખેડૂતો દ્વારા પકવેલા અનાજ, તેલ, મસાલા સહિતની બધી વસ્તુઓની કાચી સામગ્રીની ખરીદી થતી હતી. ત્યારબાદ જરૂરીયાત મુજબ તેમાંથી વિવિધ સામગ્રી જાતે જ તૈયાર કરવામાં આવતી. જે સંપુર્ણ શુદ્ધ અને સાત્વિક હતી. જ્યારે આજે બજારમાં મળતી તૈયાર વસ્તુમાં હાનિકારક પદાર્થો સહિતની વસ્તુઓની ભેળસેળ કરવામાં આવે છે.

જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર થઇ છે. પહેલા ખોરાક માટે લોકો સંપૂર્ણ પણે પ્રકૃતિ પર આધારિત હતા. અત્યારે તો શુદ્ધ અને સાદગીપૂર્ણ ભોજનનું સ્થાન ફાસ્ટફૂડ અને મસાલેદાર ખોરાકે લીધુ છે. ખોરાક લેવાની પદ્ધતિ તેમજ દિનચર્યામાં આવેલા પરિવર્તનની પણ સ્વસ્થ્ય પર અસર થઇ છે. વર્ષો પહેલા આપણે ત્યાં પતરાવળીમાં ખોરાક લેવાની પરંપરા હતી.

વૃક્ષના પાંદડામાંથી બનેલા આ વાસણોના ઘણા ફાયદા હતા. આજે આપણે જે ધાતુ-એક્રેલિક-પ્લાસ્ટીકના વાસણો વાપરીએ છીએ તેની સરખામણીમાં તે આરોગ્યપ્રદ હતા. ઉપરાંત પર્યાવરણનો જ ઘટક હોવાને લીધે તેની બનાવટ દરમિયાન અથવા તો વપરાશ થયા બાદ તેનાથી પર્યાવરણને કોઇ નુકસાન થતુ નહોતું.   

આરોગ્યની વાત કરીએ તો આજે માણસો તેના જીવનના દસ વર્ષની કમાણી તો આરોગ્યની જાળવણી પાછળ ખર્ચ કરે છે. એ વાત બિલકુલ નકારી ના શકાય કે દિનપ્રતિદિન લોકોના આરોગ્યનું સ્તર નીચે જાય છે તેનું મુખ્ય કારણ ખોરાક અને જીવન પદ્ધતિમાં આવેલા ફેરફારો છે. અનાજના સાફ કરવાથી લઇને દળવા સુધીની કામગીરી મહિલાઓે જાતે કરતી હતી.

ઉપરાંત પાણી ભરવુ, છાશ બનાવવી, પશુપાલન વગેરે કામો પણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા હતા. આ પરીશ્રમના લીધે તેમના શરીરને યોગ્ય કસરત મળી રહેતી. જ્યારે આજે આ બધા કામો માટે મશીનો નો ઉપયોગ થવા લાગ્યો છે, અને સાથે જ મહિલાઓની આરોગ્યલક્ષી ફરિયાદોમાં પણ વધારો થયો છે.

WORLD ENVIRONMENT DAY: પર્યાવરણ પર્વ 2 - image

શહેરીકરણ અને પરિવહન
એક સમય હતો જ્યારે મોટાભાગની માનવ વસતી ગામડાઓમાં રહેતી હતી. પ્રકૃતિના સાનિધ્યમાં શુદ્ધ વાતાવરણ વચ્ચે રહેવાથી લોકોનું જીવનધોરણ પણ સારૂ હતુ. ત્યારબાદ ઔદ્યૌગિક ક્રાંતિ અને મશીનીકરણના લીધે શહેરો અસ્તિત્વમાં આવ્યા. વિકાસની આંધળી દોટમાં ગામડામાં રહેતા લોકો શહેરો તરફ વળ્યા. અને પરીણામ આજે આપણા બધાની સામે છે. પ્રદૂષણ અને પર્યાવરણને થયેલા નુકસાનમાં શહેરોનો સિંહફાળો છે.

સાથે જ ગામડાની પ્રાકૃતિક વ્યવસ્થા પણ પડી ભાંગવાના આરે છે. ગામડામાં રહેતા લોકોની જરૂરીયાોતો ઓછી હતી અને જેટલી હતી તેમાંથી મોટાભાગની વસ્તુઓ તેઓ જાતે જ મેળવતા હતા. તે સમયના પરિવહનની વાત કરીએ તો લોકો પશુઓનો ઉપયોગ કરતા અથવા તો પગપાળા પ્રવાસ કરતા. જ્યારે આજે આપણે વિકસાવેલા પરિવહનના વિવિધ સાધનો જ પ્રદૂષણ માટેનું મુખ્ય કારણ બન્યા છે.

વેદ અને પુરાણમાં પર્યાવરણ મહિમા
વિશ્વની મહાનત્તમ સંસ્કૃતિઓમાંની એક એવી ભારતીય સંસ્કૃતિ ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને અનુકૂળ સભ્યતા તરીકે જાણીતી હતી. પ્રાચીન ભારતીય સભ્યતામાં પર્યાવરણ અને મનુષ્યો વચ્ચે એક સંતુલિત સંબંધ સ્થપાયેલ હતો. માત્ર એટલું જ નહીં તેની યોગ્ય જાળવણી થાય તે માટે લોકોમાં જાગૃતિ પણ હતી. મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ યોગ્ય રીતે જળવાય રહે તે માટે પ્રકૃતિનું વિભાજન કરી દિશા નિર્દેશોે પણ બનાવાયા હતા. 

સ્વર્ગ પિતા છે, પૃથ્વી માતા છે
વેદો અને પૌરાણિક ગ્રંથોને ભારતીય સંસ્કૃતિનો પાયો ગણવામાં આવે છે. તેમાંથી જ ભારતની ઇકો ફ્રેન્ડલી સંસ્કૃતિના પ્રમાણ મળે છે. ઋગ્વેદ એ ભારતીય સંસ્કૃતિનો એક આધારભૂત ગ્રંથ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે 'સ્વર્ગ મારા પિતા છે, જ્યારે પૃથ્વી મારી માતા છે.' તો 'અથર્વવેદ'માં પૃથ્વી પર આખું 'ભુમિ સુક્ત' લખેલું છે. જેમાં પૃથ્વીનો મહિમા કહેવાયો છે કે'પૃથ્વી મારી મા છે અને હું તેનો પુત્ર છું.

મા ધરતી સમગ્ર જીવસૃષ્ટિનું પોષણ કરે છે.' યજુર્વેદ અને સામવેદમાં અથિરતરામ નામનું એક વિસ્તૃત વૈદિક અનુષ્ઠાન દર્શાવાયુ છે. આ લાંબા અને જટીલ અનુષ્ઠાન વડે પ્રકૃતિ તેમજ મનુષ્ય બંને પર હકારાત્મક પ્રભાવ થતો હતો. આ પરંપરા આજે પણ શરૂ છે. છેલ્લે ૨૦૧૧માં કેરળના પંજાલમાં ૧૨ દિવસીય આ અનુષ્ઠાન કરવામાં આવ્યુ હતું. આ સિવાય 'વૃક્ષાયુર્વેદા' નામના ગ્રંથમાં વિવિધ વૃક્ષો, તેમનો ઉછેર અને વનસ્પતિ વિજ્ઞાાન સહિતની માહિતી સવિસ્તર મળી રહે છે. 

પ્રકૃતિ જ ઈશ્વર છે
આપણા ધર્મો પણ પર્યાવરણની રક્ષા કરે છે. આપણી સંસકૃતિમાં પર્યાવરણના વિભિન્ન તત્વો માટે પુજા કરવામાં આવે છે. જો ભારતવર્ષના પૌરાણિક ગ્રંથો પર નજર કરવામાં આવે તો તેમાં પૃથ્વી, સૂર્ય, પાણી, વૃક્ષ, પર્વત, નદી, સમુદ્ર, જંગલ વગેરે તત્વોને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ બધા જ તત્વો માનવજીવનનો આધાર છે.

ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ દેવી દેવતાઓ છે તે બધા જ પર્યાવરણના કોઇને કોઇ તત્વ સાથે સંકળાયોલા છે. હિન્દુ ધર્મના આરાધ્ય દેવ ભગવાન રામ અને સીતાનું તો આખુ જીવન પ્રકૃતિ સાથે સંકળાયેલુ હતું. તેવી જ રીતે ભગવાન કૃષ્ણના જીવનમાં પણ પર્યાવરણીય તત્વોનું આગવુ મહત્વ હતું. તે જ રીતે ગરૂડ, મોર, સાપ, સિંહ વગેરે વન્યજીવોનું સન્માન અને સંરક્ષણ પણ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે.

પ્રકૃતિને આદર આપો, એ ઈનામ આપશે
મહાભારતના ભીષ્મ પર્વમાં પૃથ્વીની તુલના ગાય સાથે કરવામાં આવી છે. ઉપરાંત તેમ પણ કહેવાયુ છે કે 'જે પૃથ્વીની જાળવણી યોગ્ય રીતે કરવામાં આવે તો ધરતી પરના બધા જીવો માટે સ્વર્ગ સમાન છે.' સાથે જ મહાભારતમાં વૃક્ષને બ્રહ્માંડ સાથે સરખાવામાં આવ્યુ છે. જેના સંદર્ભે કહેવાયુ છે કે જો તમે વૃક્ષની પૂજા કરો છો તો તમે બ્રહ્માંડની પુજા કરો છો. ઉપરાંત વેદો એને પુરાણોમાં કલ્પવૃક્ષનો ઉલ્લેખ થયો છે.

એક એવુ વૃક્ષ જે બધી જ ઇચ્છાઓની પૂર્તિ કરે જેનો આજનો સંદર્ભ એવો પણ થઇ શકે પ્રકૃતિ અને પર્યાવરણની યોગ્ય જાળવણી કરવામાં આવેે તો પ્રકૃતિ ઇનામ સ્વરૂપે બધું જ આપે છે. ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક વિધિ, હોમ હવન અને રીત રિવાજોમાં પર્યાવરણ અને વૃક્ષોનું આગવું સ્થાન રહ્યું છે. મહાન ભારતીય દાર્શનિક તિરુવલ્લુવરે પર્યાવરણને માનવજાતિના કિલ્લા તરીકે દર્શાવી છે અને કહ્યુ છે કે જો પર્યાવરણનો નાશ થશે તો માનવજાતિ સુરક્ષા વિહોણી બનશે. 

પાણી એ કોની સંપત્તિ છે?
'અર્થશાસ્ત્ર'માં કૌટિલ્ય દ્વારા પણ અભયારણ્ય બનાવવાની વાત કરવામા આવી છે. જેથી વનસ્પતિ અને પ્રાણીઓ સુરક્ષિત અને મુક્ત રહી શકે. આ સિવાય કૌટિલ્યએ ગેરકાયદે થતા શિકાર અને જંગલોને થતા નુકસાનને રોકવા માટે તે સમયે વન સંરક્ષક અધિકારી અને દંડની વાત કરી છે. અર્થશાસ્ત્રમાં પાણીને ખાનગીને બદલે સામુહિક સંપતિ દર્શાવી છે, જે અતિ કિંમતિ છે. ઉપરાંત તે સમયે લોકો પાણીના સંગ્રહ અને બચાવ માટે સામુહિક રીતે ટાંકાઓ બનાવતા હતા.

પાણીનો બગાડ કે પછી ડેમ અને ટાંકાને નુકસાન પહોંચાડનાર લોકોને દંડ પણ કરવામાં આવતો હતો. ઉપવન એટલે કે નાના જંગલો ભારતીય સભ્યતાનો ખુબ મહત્વોનો ભાગ રહ્યા છે. ભારતીય ઉપખંડમાં રહેલા બધા જ રાજ્યો અને શહેરોમાં ઉપવનો હતા. તામિલનાડુમાં કોવિલકડુ, કેરળમાં કાવુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં નંદનવન, મહારાષ્ટ્રમાં દેવોરાઇ વગેરે ઉપવનો પ્રચલિત છે. સમયાંતરે વધતી વસતી અને વધતી જરૂરિયાતોના કારણે આ પવિત્ર ઉપવનો નાશ પામ્યા. 

ભારતની સાત પવિત્ર નદીઓ આજે પણ ભારતીય સંસ્કૃતિ અને એકતાના પ્રતિક સમાન છે. ૨૬૦૦ કિલોમીટર લાંબી નર્મદા પરિક્રમાને આજે પણ પવિત્ર મનાય છે. ભારતીય સંસ્કૃતિમાં નદીઓને માત્ર પાણીના વહેણ તરીકે જોવામાં નથી આવતી પરંતુ પૃથ્વી પરના જીવોનું પોષણ અને રક્ષણ કરનાર માતા ગણવામાં આવે છે.

ઋગ્વેદ અને શતપથ બ્રાહ્મણમ ગ્રંથોમાં નદીઓની પવિત્રતા અને માનવ સભ્યતા સાથેના તેના જોડાણ અંગે વિસ્તૃત વાત કરવામાં આવી છે.  જે દર્શાવે છે કે પૂર્વજો દ્વારા આ તત્વોને આપણા અસ્તિત્વ માટે કેટલા મહત્વપૂર્ણ માનવામાં આવતા હતા. ઉપરાંત કોઇ પણ જાતના નિયમો કે પ્રશાસન વગર પણ તેમનું સંરક્ષણ કઇ રીતે કરવું તેનું માર્ગદર્શન પણ પુરુ પાડે છે. આ બધાથી એ સાબિત થાય છે કે પ્રાચીન ભારતીય સભ્યતા પર્યાવરણ કેન્દ્રીય હતી.

છેડો ફાડવાનું નુકસાન
આજની પરિસ્થિતિ એકદમ અલગ છે. આધુનિક જીવન ધોરણ અને સતત વધી રહેલા ભૌતિકવાદને કારણે ભારતમાં મનુષ્ય અને પર્યાવરણ વચ્ચેના સદીઓ જૂના જૈવિક સંબંધોને ખુબ નુકસાન થયુ છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણ એ માનવજાતિથી અલગ નહોતું. બંને એકબીજાના પૂરક હતા.

પર્યાવરણ અને મનુષ્ય વચ્ચે એક ખાસ પ્રકારનું તાદાત્મ્ય હતું. જેથી બંનેે અસ્તિત્વ ટકાવી રાખવામાં એકબીજાને ઉપયોગી હતા, પરંતુ ઉદ્યોગીકરણ, કેરલેસ ટેક્નેલોજી, અણઘડ શહેરીકરણ, અમર્યાદિત લાલચ, બેફામ વસતીવૃદ્ધિ વગેરે કારણોસર પર્યાવરણ માનવ જીંદગીથી અલગ થતુ ગયું. જેનું પરિણામ આજે આપણા બધા જાણીએ પણ છીએ અને ભોગવીએ પણ છીએ. 

તાજી હવાનો જામી  રહેલો નવો બિઝનેસ!
હવાને વેંચીને પૈસા કમાવવાનો નુસખો સંગીન ગતિએ આગળ વધી રહ્યો છે એ જોતા આગામી સમયમાં પીવાના પાણીના બિઝનેસની જેમ આ બિઝનેસ પણ વૈશ્વિક માર્કેટ સર કરશે એ નક્કી છે! હવાનું પ્રદૂષણ આમ જ વધતું રહેશે તો શુદ્ધ હવાની જરૂરિયાત ઉભી થશે અને પછી તાજી હવાના નામે અબજો રૂપિયાના ધીકતા ધંધાનું સામ્રાજ્ય ખડું થશે. એના મંડાણ થઈ ચૂક્યા છે.

કેનેડાના મોસેસ લામ નામના યુવાને ૨૦૧૪માં પહેલી વખત હવા વેંચવાનો ઓનલાઇન પ્રયોગ કર્યો. એમાં આશ્વર્યજનક રીતે સફળતા મળી પછી તેણે વાઇટાલિટી એર નામની કંપની સ્થાપી હતી. પર્વતારોહકો પોતાની સાથે ઓક્સીજન લઈ જતાં હોય છે એ અને આ બોટલમાં ભરાતી હવા વચ્ચે પણ મોટો તફાવત છે. ઓક્સીજનની બોટલમાં તો ૭૦ ટકા જેટલો ભાગ ઓક્સીજનનો હોય છે. જ્યારે આ હવામાં ઓક્સીજનનું પ્રમાણ માંડ ૨૭ ટકા છે. ૭૮ ટકા નાઇટ્રોજન સહિતના વાયુ પણ વાઈટાલિટી એર કંપનીની બોટલમાં ભરવામાં આવે છે.

ચીનના પાટનગર બીજિંગમાં વધતા જતાં હવાના પ્રદૂષણ પછી મોસેસ લામે ચીનની ઈકોમર્સ કંપની તાઓબાઓ ઉપર વાઇટાલિટી એરની બોટલો વેંચવાનું શરૂ કર્યું છે. ૫ કિલોથી ૭ કિલોનો વજન ધરાવતી બોટલનો ભાવ આશરે ૧૮૦૦-૨૦૦૦ રૂપિયાના ભાવે ધૂમ વેચાઈ પણ ખરાં.

કેનેડિયન યુવાનના પગલે પગલે બ્રિટિશર લિઓ ડે વોટ્સને હવાના બિઝનેસમાં ઝંપલાવ્યું. પહાડીની ટોચ પરની હવા, લહેરાતા ખેતરો વચ્ચેની હવા, ખૂલ્લા મેદાની પ્રદેશની હવા, ઘાટીઓ વચ્ચેની હવા એમ તેણે અલગ અલગ સ્થળોએ હવા એકઠી કરવાનું શરૂ કર્યું અને એ જ ટેગ હેઠળ ઓનલાઇન મૂકવાના કારણે તેને ય ગ્રાહકો મળવા લાગ્યા. લિઓએ ૫ કિલોની બોટલના ૬-૭ હજાર રૂપિયા જેટલી કિંમત રાખી છે છતાં તેની હવા વેંચાય છે. 

વિદેશીઓ તાજી હવાનો વેપાર કરે છે તે જોઈને તાજી હવા વેંચવાના ધંધામાં પહાડી ઉપર વસેલાં ચીનના ગુઆંગડોંગ વિસ્તારના એક આખા ગામે ઝંપલાવ્યું છે. ચીનમાં જામી ચૂકેલો બિઝનેસ બસ હવે ભારતમાં પ્રવેશે એટલી વાર છે!

વર્લ્ડ ઑશન ડે: પૃથ્વી પર સ્થળ પછી મનુષ્યએ જળની પણ દુર્દશા કરી

૫મી જૂન 'પર્યાવરણ દિવસ' છે, તો ૮મી જૂન 'વિશ્વ સમુદ્ર દિવસ (વર્લ્ડ ઑશન્સ ડે)' છે. જમીન પર જે પ્લાસ્ટિક હાહાકાર મચાવે છે, એ પ્લાસ્ટિક સમુદ્રની સપાટીને પણ રૂંધી રહ્યું છે. આવા અનેક મુદ્દાઓ અંગે જાગૃત્તિ લાવવા મહાસાગર પર્વની ઉજવણી થાય છે.

વિજ્ઞાાનીઓએ ગણી કાઢ્યું છે કે જગતભરના સમુદ્રો પર કુલ ૫૨૫૦ અબજ જેટલા પ્લાસ્ટીકના ટૂકડાઓ ફરી રહ્યાં છે.


પૃથ્વીની વસતી હાલ ૭.૫ અબજ જેટલી છે. દરેક વ્યક્તિના ભાગે એ ટૂકડાઓ સરખે ભાગે વહેંચી દેવામાં આવે તો વ્યક્તિદીઠ ૭૦૦ ટૂકડાઓ ભાગમાં આવે.

૫૨૫૦ અબજ ટૂકડાઓનું વજન ૨,૬૯,૦૦૦ ટન. એ વજનનો જો ભાગાકાર કરવામાં આવે તો જણાઈ આવે કે દરેક વ્યક્તિ ૨૬ કિલોગ્રામથી વધારે ટૂકડાઓ સમુદ્રમાં ફેકી દરિયાઈ સૃષ્ટિનું નિકંદન કાઢવામાં પોતાનું પ્રદાન આપી દીધું છે!


ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે પ્રકૃતિના પ્રત્યેક તત્વની અંદર મારું અસ્તિત્વ છે. ભગવાનનું અસ્તિત્વ તો જાણે કે અધ્યાત્મક અને ધર્મનો વિષય થયો પરંતુ વર્તમાન સમયે અત્ર-તત્ર-સર્વત્ર જો કોઇનું અસ્તિત્વ જોવા મળતું હોય તો તે છે પ્રદૂષણ. ત્રણ ભાગની ધરતી પર પથરાયેલો સમુદ્ર પણ તેમાંથી બાકાત નથી. 


પાણી પછી આ પૃથ્વી પર જન્મેલા મનુષ્યએ આજે પાણીની દુર્દશા કરી છે. પૃથ્વી પરના બધા જ સમુદ્ર પ્રદુષણનો ભોગ બન્યા છે. માનવસર્જીત આ પ્રદુષણ એટલી હદ સુધી વધ્યુ છે કે સમુદ્રી જીવસૃષ્ટિના અસ્તિત્વ પર સવાલ ઉભા થયા છે. આ પ્રદુષણને રોકવા અને તેના વિશે જાગૃતિ લાવવાના હેતુ સાથે ૮ જૂનના દિવસ ને 'વર્લ્ડ ઑશન્સ ડે' એટલે કે 'વિશ્વ સમુદ્ર દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

૮ જૂન ૧૯૯૨માં બ્રાઝિલના રિયો ડે જિનેરો ખાતે મળેલી પર્યાવરણ સમિતિ સંમેલનમાં સૌપ્રથમ વાર વર્લ્ડ ઑશન્સ ડેની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૮માં કેનેડા ખાતે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા મળી હતી જેમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૮ જુનના દિવસને વિશ્વ સમુદ્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો.

ત્યારથી લઇને દર વર્ષે આ દિવસની અલગ અલગ થીમ સાથે વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ઑશન્સ ડેની ઉજવણી 'જેન્ડર એન્ડ ઑશન્સ' એટલે કે 'જાતિ અને સમુદ્ર'ની થીમ પર કરાશે. જે મુજબ સમુદ્ર સાથે જોડાયેલા કામો અને વ્યવસાયમાં પણ સ્ત્રી અને પુરૂષ વચ્ચે સમાનતા માટે પ્રયત્નો અને જાગૃતિ લાવવાના પ્રયત્નો કરાશે.

એમ કહેવાય છે કે સમુદ્ર જેટલો વિશાળ હોય છે તેનું દિલ તેટલું જ નાનું હોય છે. કોઇ પણ વાત તેના દિલમાં નથી રહેતી, અને જો વાત જ કચરાની હોય તો! સમુદ્રમાં માણસો જેટલી તીવ્રતાથી કચરો ફેંકતા થયા છે તેટલા જ ઝડપથી સમુદ્ર આ કચરાને કિનારા પર પહોંચતો કરે છે. ખાસ કરીને સૌથી વધારે પ્રદુષણ પ્લાસ્ટિકના કારણે થાય છે. દરિયાઇ ટાપુઓ અને દરિયાકિનારા આવા કચરાથી ખદબદે છે. ઈન્ડોનેશિયા પાસે કીલિંગ નામે ટાપુ આવેલો છે.

ચકલીના માળા જેવડું ગામ હોય એમ ત્યાં વસતી તો માંડ ૬૦૦ જણાની છે, પણ ટાપુના કાંઠે પ્લાસ્ટીકનો કચરો ૨૩૮ ટન જેટલો છે. એ પ્લાસ્ટીક કચરામાં પોણા દસ લાખ જૂતાં, પોણા ચાર લાખ ટૂથબ્રશ અને અન્ય કચરો છે. આવા ટાપુની ધરતી પર કમી નથી. ઈન-ફેક્ટ પ્લાસ્ટીકમુક્ત દરિયાકાંઠો શોધવો જ અઘરો થઈ પડયો છે. પ્લાસ્ટિક ઉપરાંત સમુદ્રમાં ઢોળાતં  ઓઈલ, સમુદ્રના તળિયે થતું કેબલનું કામકામજ, પ્રવાસન વગેરેથી સમુદ્રમાં સતત ત્રસ્ત રહે છે.

દુનિયાના કુલ સમુદ્ર વિજ્ઞાાનીઓ પૈકી ૩૮ ટકા મહિલા છે. એટલે જાતિય સમાનતાની થિમનું એટલા પૂરતું તો પાલન થાય છે.


Google NewsGoogle News