રાધા-કૃષ્ણનો પ્રેમ કોણ પામી શકે? .
નં દને ઘેર જશોદાને ખોળે પુત્રનો જન્મ થયો છે એ વધાઈ સવાર થતા ગોકુળ આખામાં પ્રસરી ગઈ. નંદ ગામના ગોવાળોના આગેવાન હતા. સૌથી સુખી ગોવાળ હતા. એમને ત્યાં મોટી ઉંમરે પુત્રનો જન્મ થયો હતો તેથી એમને જેમ વધુ હર્ષ હતો તેમ ગામલોકોને પણ હતો. એ વધાઈ જાણીને ગોવાળો અને ગોપીઓ ઉત્સવનો દિવસ હોય તેમ નવા કપડાં અને શણગાર સજીને વિવિધ પ્રકારની ભેટથી જશોદાપુત્રને વધાવવા એમને ઘેર પહોંચી ગયા. બ્રાહ્મણો પણ પુત્રને આશીર્વાદ આપવા આવ્યા હતા. નંદે બ્રાહ્મણોને દક્ષિણા અને ગોવાળોને ભેટના બદલામાં પહેરામણી આપીને એવો જ પોતાનો હર્ષ વ્યક્ત કર્યો હતો. ગોપીઓએ તે દિવસે ગાયોને દોહવાને બદલે વાછરડાંને બધું દૂધ પીવડાવી દીધું. ગાયોનાં શિંગડાં શણગારીને ચરવા છોડી મૂકી.
નંદ અને જશોદાના ગૌર વર્ણ જેટલો પુત્રનો વર્ણ ઉજળો ન હતો. આથી ગોપીઓએ લાડમાં તેનું નામ કૃષ્ણ પાડયું. એ તંદુરસ્ત અને હૃષ્ટપુષ્ટ હતો એટલે તે નજરાઈ ન જાય માટે પ્રભુએ મા-બાપ જેટલો ગૌરવર્ણ બક્ષ્યો નહિ હોય. એ બીજા બાળકો કરતા વજન અને કદમાં મોટો હતો તેમ એ ચાલતા અને બોલતા પણ વહેલો શીખી ગયો. માબાપ એને ખોટના દીકરા તરીકે લાડ લડાવે તેમાં નવું ન હતું, પરંતુ ગોપ-ગોપીઓ પણ એવાં જ લાડ લડાવતી હતી. જો કે, તેમને એ વખતે ખબર નહોતી કે એ લાડ એમને ભારે પડી જવાનાં હતાં. એ ગમે તે ગોવાળના ઘરમાં પેસીને માખણ ચોરીને ખાઈ જાય તેનો કોઈને રંજ નહતો. કૃષ્ણ સૌને એટલો વહાલો હતો કે તેને માટે સૌના દ્વાર ખુલ્લાં હતાં. પરંતુ એ માખણ ખાતો એટલું જ નહિ પણ બીજાં બાળકોને પણ ખવડાવી દેતો અને વધે તો ઢોળી નાંખતો. આ તોફાન કેવી રીતે સહ્યું જાય ? ગોપીઓ તેનાથી ચેતી જઈને માખણ તેને હાથ ન આવે તેમ ચોકસાઈ રાખતી તો કૃષ્ણ બીજા પ્રકારનું તોફાન કર્યા વિના રહેતો નહિ. વાછરડાને એ છોડી મૂકતો અને ગાયોને ધવડાવી દેતો. ગોપીઓ દૂધ દોહવા જાય ત્યાં એમને ખબર પડતી કે બાવલામાં મુદ્દલ દૂધ નહોતું તેથી એ દોહવા આંચળ પકડતા ગાય પાટુ મારતી. દોણી ફૂટી જતી એટલું જ નહિ પણ સુદ્ધાં ગબડી પડતી.
ગોપીઓથી આ તોફાન સહ્યું ન જતું ત્યારે એ જશોદાને ફરિયાદ કરવા જતી. જશોદાની સ્થિત પણ ગોપીઓ કરતાં સારી ન હતી. એ તેને શિક્ષા કરતી પણ તેની અસર કંઈ થતી નહતી. એના તોફાન ઓછાં થતા ન હતાં અને ઉપરથી તે જશોદાને મહેણું મારતો કે સગી મા કરતાં રોહિણીકાકી અને બીજી ગોપીઓ સારી, જે મારાં તોફાન વેઠી લે છે. કૃષ્ણ આ સહજ કહેતો પણ જશોદા એમ માની લેતા કે હું તેની સગી મા નથી તેનું એ મહેણું મારે છે. આ રહસ્ય ગામથી છુપું રહ્યું છતાં એને કોણે કહ્યું હશે ? રોહિણી તો ન જ કહે. કૃષ્ણ રોહિણીને કાકી માનતો હતો પણ ખરી રીતે તે તેની ઓરમાન માતા હતી. બળભદ્ર તેનો મોટોભાઈ હતો. રોહિણીને વસુદેવ દેવકી પહેલાં પરણ્યા હતા. કંસે તેમને કેદ પકડતાં તે પુત્ર સાથે ગોકુળ રહેતાં હતાં. જો કૃષ્ણને એટલી ખબર ન હોય કે રોહિણી- તેની ઓરમાન માતા હતી તો હું એની સગી માતા નથી તેવી ખબર શી રીતે હોય ? એના નાની ઉંમરમાં અસાધારણ લક્ષણ જોઈને જશોદા મનમાં ને મનમાં રાજી થતાં હતા કે મોટો થતાં કંસને મારવાનું પરાક્રમ એ જરૂર બતાવશે. આથી ગોપીઓની ફરિયાદથી ખિજાયા વિના તેમને ચૂપ કરી દે તેવો જવાબ આપતા હતાં :
''તમે કનૈયાની ફરિયાદ મારી સમક્ષ કરો છો પણ હું તેની ફરિયાદ કોની સમક્ષ કરું ? તમને શિક્ષા કરવાની છૂટ છે. એને ગમે તેટલી શિક્ષા કરશો તો પણ હું લડવા નહિ આવું.''
ગોપીઓ એને શિક્ષા કરે તેના કરતાં એ સામી એવી શિક્ષા કરતો કે એનું નામ લેવાનું ભૂલી જાય.
યમુનાના ધરામાં રહેતો કાલિયનાગ કૃષ્ણની બંસરીને ગાંઠયો ન હતો. એ ચેતી ગયો હતો. જો એ પાણીની બહાર હોય અને તેને કાને બંસરીનો સૂર પડે તો એનાથી બચી જવા તે પાણીમાં સરકી જતો. એવાં ઉંડાણમાં પહોંચી જતો કે તેને સૂરના ઘેનમાં પરવશ થવાની દશામાં મુકાવું ન પડે. એ ધરાના તેના આ વાસને લીધે ગોવાળોને તે ત્યજી દેવાની સ્થિતિ ઊભી થઈ હતી. ગોકુળની નજીક એ એક જ એવો ધરો હતો કે ત્યાં પાણીનું પાતાળ જેવું ઊંડાણ હતું અને કાંઠાની ભેખડ એવી હતી કે ત્યાંથી ગોવાળો ભૂસકા મારતા અન જળ સાથે ઊંડાણમાં બાથ ભીડવાનું પરાક્રમ ખીલવતા હતા. યમુનના વિશાળ પટમાં તરવાનું શીખવું પૂરતું ન હતું. પણ તેવે વખતે મગર જેવાં પ્રાણીનો મુકાબલો કરવાનો આવે તો તેને પહોંચી વળવાની બહાદુરી પણ હોવી જોઈએ. એ બહાદુરી બીજી રીતે પાતાળ પાણીની ડૂબકીમાં હાંસલ થઈ શકતી હતી. એ ધરામાં કાલિયનાગના વાસને લીધે ગોવાળોને ત્યજી દેવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. કૃષ્ણ તેવી પીછેહઠ સ્વીકારી લે તો થઈ જ રહ્યું. તેમણે ધરાને ખૂંદી વળી કાલિયનાગને પકડવાનો નિર્ણય કર્યો. જમીન ઉપરથી સાપ પડવાની જે હિંમત ગોવાળો બતાવતા હતા તે પાણીમાં બતાવવાની તેમની હામ ન હતી. ધરતી ઉપર એમના પગ જેટલા સ્થિર અને હાથ જેટલા મજબૂત રહેતા હતા તેવી સ્થિતિ પાણીમાં ન હતી. એક વખત કાલિયનાગ હાથમાં સરકી જાય તો તે ઝેર ઓક્યા વિના ન રહે. આથી કૃષ્ણને તે હામ ભીડવા સિવાય બીજો માર્ગ ન રહ્યો.
આ દુ:સાહસ ન કરવા એના તરફના પ્રેમને લીધે સૌ એને વારવા લાગ્યા અને કંઈક અણચિંતવ્યું બને તો નંદ-જશોદા આગળ મોં બતાવવું ભારે થઈ પડે. એ રજા આપે તો જ સાહસ કરવું તેમ સર્વે ભાવપૂર્વક કહી રહ્યા હતા. રાધાએ સૌથી જુદાં પડતાં કૃષ્ણના પગલાને ટેકો આપ્યો હતો. જો આજે સાહસ નહિ થાય તો કદી થશે નહિ. જશોદા એ જાણતા કૃષ્ણ પાસે સોગન લેવડાવ્યા વિના નહિ રહે. કૃષ્ણ ગમે તેટલો નટખટ હસે પણ જશોદામાતાના સોગંદ લીધા પછી તે એનો ભંગકરી શકશે નહિ. બીજાથી ન બની શકે તે કૃષ્ણ કરે તો એનો મહિમા છે. બીજાને માટે એ દુ:સાહસ હોય માટે કૃષ્ણને માટે છે તેમ માની એને રોકવો ન જોઈએ.
જ્યારે તેને રોકવા માગનાર કહેતા : ''રાધાની વાત બીજાને શૂળીએ ચઢાવવા જેવી છે.''
રાધા, ''બીજાને નહિ. કૃષ્ણને. વળી હું ચઢાવતી નથી. એ ચઢવા તૈયાર છે એને હું ટેકો આપું છું.''
''તો તું જ ચઢી જા ને.''
''હું ટેકો આપું છું એ ચઢ્યા બરાબર છે. તમારી તો એટલી ય હિંમત નથી.''
કેવળ કાલિયનાગ એકલો ધરામાં વાસ કરતો હોત તો જુદી વાત હતી. પરંતુ એની સાથે બે નાગણીઓ પણ હતી. એ ત્રણેને એક સાથે નાથવા એ નાનુંસૂનું જોખમ ન હતું. નાગ પકડાય પણ નાગણીઓ છૂટી હોય તો ડસ્યા વિના ન રહે. કૃષ્ણે વધુ સમય નિર્ણયમાં વિતાવ્યા વિના કાલિયનાગના ધરામાં ઝંપલાવ્યું. યમુનાના જળ એને વધાવતાં હોય તેમ ઉછળ્યાં અને કૃષ્ણ તેમાં ડૂબકી મારીને અદ્રશ્ય થયો. કાંઠે ઊભેલા ગોપ-ગોપીઓના જીવ અદ્ધર થઈ ગયા. સૌની નજર રાધાને ઠપકો આપતી હોય તેમ એના તરફ બાણ બનીને ભોંકાઈ રહી. રાધાએ પામી જતા કહ્યું, ''કૃષ્ણ જાણે તમને વહાલો હોય અને મારો વેરી હોય ! એ મારા અંત:કરણમાં જડાયેલો છે એટલે મારું અંત:કરણ સાક્ષી પૂરે છે કે તેને ઊની આંચ આવવાની નથી. આપણે બધાં જે ન કરી શકીએ તેવું પરાક્રમ કરવા તે જન્મ્યો છે. કાલિયનાગને એ નહિ નાથે તો પછી કોણ ઉપરથી ઈશ્વર આવીને નાથવાનો હતો ?''
રાધાની વાણીમાં આટલો શ્રદ્ધાપૂર્વકનો રણકો હતો પરંતુ એને ડગાવી દે તેમ યમુનાના શાંત થયેલા જળ ફરી ઊછળવા લાગ્યાં હતાં. કૃષ્ણ અને નાગ સાથે યુદ્ધ ચાલતું હોવાના પડઘારૂપ માની રાધાની વાણીથી ચેપાયેલાં ગોપગોપીઓ પાછાં હતાં એવાં વિવશ બની ગયાં. જો નાગ કૃષ્ણને અંદર લાંબો સમય ખેંચી રાખવામાં સફળ થાય તો પાણીમાં એ ગૂંગળાઈ મર્યા વિના ન રહે.
રાધાએ કહ્યું : ''કૃષ્ણ ગૂંગળાઈ રહ્યો નથી પણ નાગની એ દશા થઈ રહી છે.'' રાધાનું એ કથન સાચું હોય તેમ થોડી ક્ષણોમાં કાલિયનાગને જડબામાં પકડી પાણીની સપાટી ઉપર દેખાયો. નાગે છૂટવા માટેના ધમપછાડા બંધ કર્યા હોય અને શરણે આવ્યો હોય તેમ એનું પૂંછડું ઉધામા પાડીને શાંત થયું હતું.
કૃષ્ણના એ પરાક્રમ કરતાં રાધાના અંત:કરણની છબીનાં ગોકુળમાં સૌને મુખે વખાણ થઈ રહ્યા. ખુદ જશોદાએ એને બિરદાવતા કહ્યું કે, જો મારી રજા એણે માગી હોત તો હું કોઈ ઉપાયે ના આપત. હું એને મારા સોગન દેત, એમાં મીનમેખ નહિ. રાધાનો દૈવી પ્રેમ મારા માતાના પ્રેમ કરતાં જરૂર ચઢે તેવો છે.
- ઈશ્વર પેટલીકર.