આજથી અઢીસો વર્ષ પહેલાં યુરોપની ટેકનોલોજી ભારતમાં લઈ આવનાર કચ્છ-માંડવીનો વહાણવટી અને યંત્રશાસ્ત્રી રામસિંહ માલમ - મકરન્દ મહેતા
અઢારમા સૈકા દરમિયાન જ્યારે હિંદ આર્થિક અને રાજકીય દ્રષ્ટિએ તદ્દન છીન્નભીન્ન હતું તેમજ હિન્દ સત્તા માટેની લશ્કરી છાવણીઓમાં વહેંચાઈ ગયું હતું.
તે સમયે આ દેશને આધુનિક ટેકનોલોજીનો નવો રાહ દેખાડીને તેને આશાનાં કિરણો દેખાડનાર કચ્છનો વહાણવટી રામસિંહ માલમ (૧૭૦૨-૧૭૭૩) હતો. તે વાધેર નાતનો હિંદુ વહાણવટી હતો. મુસલમાનોમાં ભડાલા અને હિંદુઓમાં વાધેરો અને ખારવાઓનો પરંપરાગત વ્યવસાય વહાણવટાનો છે.
કચ્છે તો બે હજાર વર્ષથી વેપાર અને વહાણવટુ ખીલવીને એ રણપ્રદેશને જીવંત રાખ્યો છે. રામસિંહના દાદા ગજસિંહ અને પિતા રૃપસિંહ જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનાં સમયનાં જાણીતા વહાણવટીઓ હતા અને તેઓ હોકાયંત્રની મદદથી માંડવી, ભદ્રેશ્વર અને મુંદ્રાથી આરબ અને આફ્રિકન દેશોમાં જતા.
તેમનો વારસો રામસિંહને મળ્યો હતો.
રામસિંહ માલમ ઇંગ્લેન્ડ, જર્મની અને હોલેન્ડમાં રહી આધુનિક પ્રોડક્શન ટેકનોલોજી શીખી કચ્છમાં આવી યુરોપિયન ટેકનોલોજી અપનાવી
પ્રાગમલજી, દેશબજી અને લખપતજી જેવા કચ્છનાં મહારાવો વિદેશ વેપાર અને વહાણવટાને ઉત્તેજન આપતા હોવાથી રામસિંહ પણ અવારનવાર અરબી સમુદ્ર અને હિંદી મહાસાગરનાં દેશોમાં જઇને વેપાર કરતો
રામસિંહ માલમ મોટો સાગરખેડૂ હતો. તેણે અનેક સાહસો કર્યા.
તેનું વહાણ દરિયાના તોફાનમાં સપડાયું, પણ તેનાં હૈયામાં સાચી સબૂર હતી. તેથી તે દરિયામાં ટકી રહ્યો અને છેક યુરોપ જઈ પહોંચ્યો. ત્યાંથી તે નવી ટેકનોલોજી શીખીને સ્વદેશ પાછો ફર્યો અને તેણે કચ્છનો 'અરૃણુ પરભાત' દેખાડયું !
પ્રાગમલજી (૧૬૯૮-૧૭૧૫), દેશબજી (૧૭૧૫-૧૭૪૧) અને લખપતજી (૧૭૪૨-૧૭૬૨) જેવા કચ્છનાં મહારાવો વિદેશ વેપાર અને વહાણવટાને ઉત્તેજન આપતા હોવાથી રામસિંહ પણ અવારનવાર અરબી સમુદ્ર અને હિંદી મહાસાગરનાં દેશોમાં જઇને વેપાર કરતો. તે વખતે માંડવી બંદરમાં ૪૦૦ વહાણોને બેડો અને જહાજવાડો હતો.
કચ્છી વેપારીઓ અગ્નિ એશિયાનાં જાવા, સુમાત્રા, સુલવાસી અને સુન્દા જેવા બંદરો અને મસાલાનાં ટાપુઓ ઉપરાંત મસ્કત, ઝાંઝીબાર, કાલ્વા, મોગાદીસુ અને એડન સાથે વેપાર કરતા હતા. પણ રામસિંહ માલમનું મહત્વ એ છે કે એ વીસ-બાવીસ વર્ષ ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ અને હોલેન્ડમાં રહ્યો, ત્યાં શરૃ થયેલી આધુનિક પ્રોડકશન ટેકનોલોજી શીખ્યો અને કચ્છમાં આવીને યુરોપીયન ટેકનોલોજી અપનાવી. સત્તર વર્ષ તો તે હોલેન્ડ રહ્યો.
ગુજરાતની જાહોજલાલી અને તેનાં ભરૃચ, ખંભાત, માંડવી, મુંદ્રા, સુરત અને ઘોઘા જેવા બંદરોનું મહત્વ પીછાનીને જ અંગ્રેજોએ ૧૬૦૦માં ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની અને વલંદાઓએ ૧૬૦૨માં ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. આજે પણ સુરતમાં ૧૭મા સૈકાનાં અંગ્રેજ અને ડચ વેપારીઓની કબરો છે.
અમદાવાદમાં કાંકરીયા તળાવની સમીપમાં આવેલી વન ટ્રી હીલ પાસે આજે પણ અનેક ડચ અને આર્મેનીયન કબરો દેખાય છે અને તે જોવા જેવી છે.
રામસિંહ માલમ હોલેન્ડમાં 'માસ્ટર ક્રાફ્ટસમેન' અને 'ટેકનોલોજીસ્ટ' તરીકે લોકપ્રિય બન્યો
રામસિંહ માલમ છેક હોલેન્ડનાં એમ્સસ્ટર્ડમ બંદર સુધી કેવી રીતે પહોંચી ગયો તે વાત ખુબ રસપ્રદ છે. ૧૭૩૩માં જ્યારે એ દરિયાઈ સફરે નીકળ્યો ત્યારે ઘૂઘવાતા મહાસાગરમાં તેનું વહાણ ફસાયું. તે ડૂબવાની તૈયારીમાં હતું, પણ સંજોગોવસાત એક ડચ વહાણ ત્યાંથી પસાર થતું હતું. ડચ નાવિકો અને વેપારીઓ તે સમયે માંડવી, મુંદ્રા અને સુરત ઉપરાંત અમદાવાદ સાથે વેપાર કરતા હતા.
તેમણે રામસિંહને બચાવી લીધો અને હોલેન્ડ લઈ ગયા. હોલેન્ડ / (નેધરલેન્ડસ) ઉત્તર-પશ્ચિમ યુરોપમાં આવેલો દેશ છે. તે સમયે કચ્છની જેમ હોલેન્ડ પણ વહાણવટા માટે વિશ્વ પ્રસિદ્ધ હતું.
અહીં વળી નવા ઉદ્યોગો પણ ખીલ્યા હતા. ક્રિશ્ચિયન હ્યુજીન્સ નામનાં ડચ યંત્રશાસ્ત્રીએ ૧૬૫૭માં પેન્ડયુલમનાં સિધ્ધાંતને આધારે દિવાલ ઘડિયાળો બનાવવા શરૃ કર્યા હતા.
ઘડિયાળ બનાવવાની આ શરૃઆત હતી.
ઘડિયાળનું મુખડુ ચંદ્રમાની જેમ ગોળ, પણ બાકીનો ભાગ લાંબા માણસનાં શરીર જેવો હતો.
પણ તે સેકંડ, મિનિટ અને કલાક સચોટ રીતે દર્શાવતું હતું. નેધરલેન્ડમાં (હોલેન્ડ) રામસિંહ માલમ ઘડિયાળ વિદ્યા શીખ્યો એટલું જ નહીં પણ તેમાં નિપુણતા પ્રાપ્ત કરી. ડચ ભાષા આવડે નહીં, પણ તેથી શું થઈ ગયું ?!
ઇશારાઓ અને થોડી ભાષાકીય પ્રેક્ટિસ દ્વારા એણે કામ ચલાવ્યું. આ કચ્છી વહાણવટી હોલેન્ડમાં 'માસ્ટર ક્રાફ્ટસમેન' અને 'ટેકનોલોજીસ્ટ' તરીકે લોકપ્રિય બન્યો.