પરહિત બસે જિન્હકે મન પરોપકાર સમાન કોઈ પુણ્ય નથી ?
- ભગવાન શ્રીરામ ખુદ કહે છે, "પરહિત બસે જિન્હે કે મન... જેમના મનમાં પરોપકાર કરવાનું વસતું હોય, તેમના માટે જગતમાં કશું દુર્લભ નથી
પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ, પરપિડા સમ નહિં અઘમાઈ,
નિર્નય સકલ પુરાન બેદ કર, કહેઉ તાત જાનહિ કાબિદ નર.
(રામચરિત માનસ-ઉતરકાંડ દોહા- ૪૦ ચોપાઈ ૦૧)
આપણા શાસ્ત્રમાં પરહિત-પરોપકાર, ઉપકારને માનવ જીવનમાં દિવ્યગુણ તરીકે વર્ણવેલ છે. ઉકત દોહામાં કહે છે "પરોપકાર કરવા જેવો બીજો કોઈપણ ધર્મ નથી અને પારકાને પીડા આપવા સમાન કોઈ અધર્મ નથી." સંસારનો સબંધ ઋણાનું બંધ છે. આ ઋણાનું બંધથી મુક્ત થવાનો ઉપાય છે. બધા પર ઉપકાર-મદદ કરવી અને કોઈથી કાંઈ ન ચાહવું. પરોપકાર શબ્દનો અર્થ- પર-ઉપકાર. બીજા પર પરોપકાર કરવો એને મદદ કરવી... આ વાતની સમજ આપતા ચિંતક કહે છે,
"એક ના બદલામાં એક એનું નામ વ્યવહાર,
શૂન્યના બદલામાં એક એનું નામ ઉપકાર.
સંસ્કૃતના એક શ્લોકમાં કહે છે પરોપકાર ફલન્તિ વ્રતાવ્રતો આપણા માટે ફળ આપે છે. દરેક જીવો માટે નદી વહે છે. સુર્યપ્રકાશ આપી- આપણા જીવનને ટકાવી રાખે છે. આમ વ્રતો, નદી, પર્વત અને ધરતીનો સ્વભાવ પરોપકાર છે. પરહિત એજ તેનું કર્મ છે. કારણ ઝાડ ફળ નથી ખાતા, તળાવ પોતાનું પાણી પીતી નથી. ગાય પોતાનું દુધ નથી પીતી. ધરતી આપણા જીવનને ટકાવવા અન્ન ઉત્પન્ન કરે છે. ફુલ પોતે સુગંધ નથી લેતું પરંતુ સુગંધ બીજાને આપે છે.
આમ પ્રકૃતિ આપણને શીખ આપે છે કે કુદરતે આપણને જે કંઈ પ્રદાન કરે છે. તે પાસે નથી રાખવાનું પણ જેને જરૂરીયાત છે તેને આપવાનું છે. પૌરાણિક કથા મુજબ, દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલતું હતું. ત્યારે વૃત્રાસુર નામના રાક્ષસને મારવા, સરસ્વતી નદીના તીરે, તપ કરતા દધીચિ ઋષિ પાસે મદદ માંગે છે ? યુદ્ધ એમનો ધર્મ ન હતો, છતાં દેવોને બચાવવા, જગત પર ઉપકાર કરવા ઋષિએ પોતાના હાડકાં શસ્ત્રો બનાવવા માટે આપ્યા હતા. આમ ઉપકારનું આના કરતા કોઈ જવલંત ઉદાહરણ હોઈ શકે ? આમ જેના હૃદયમાં સૌના હિતનો ભાવ રહે છે. તે ભગવાનના હૃદયમાં સ્થાન પામે છે. પરોપકાર સમાન કોઈ પુણ્ય નથી ?
આપણે જ્યારે બીજાની સુખાકારી-કલ્યાણ માટે કોઈ કાર્ય કરશું, ત્યારે પારાવાર ખુશી મળશે. વળી જેમ જેમ પરોપકારના કાર્યો કરતા જશું તેમ તેમ સ્વામીત્વ-અહંકારનો ભાવ આપોઆપ ઓગળતો જશે... ઉચનીચનો ભેદભાવ મનમાંથી ચાલ્યો જશે. માત્ર બીજાઓના હિતને માટે કર્મ કરવાથી, કર્મોનો પ્રવાહ સંસાર તરફ થઈ જાય છે અને વ્યક્તિને કર્મ બંધનમાંથી મુક્ત થઈ પરમ પદ તરફ ગતિ કરે છે.
રામચરિત માનસની કથા મુજબ પંચવટીમાંથી માતા સીતાનું અપહરણ કરી લંકાપતિ આકાશ માર્ગે જાય છે. "રામ લક્ષ્મણ બચાવો" આ સાંભળી પર્વત પર સુતેલ જાજરમાન જટાયુ જાગી, પોતાની સમગ્ર શક્તિ એકત્ર કરી સીતાજીને છોડાવા રાવણ સામે લડે છે. ખીજાયેલા રાવણે વિકરાળ તલવાર કાઢી, જટાયુની પાંખો કાપી નાખી છે. આમ જટાયુંએ પરહિત માટે પ્રાણ દેવાની અદભુત કરણી કરી. અંત સમયે ભગવાન રામનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રીરામ ખુદ કહે છે, "પરહિત બસે જિન્હે કે મન... જેમના મનમાં પરોપકાર કરવાનું વસતું હોય, તેમના માટે જગતમાં કશું દુર્લભ નથી. શુભકર્મથી શુભગતિ પામ્યા છો. દેહનો ત્યાગ કરી મારા ધામમાં જાઓ." આમ મનુષ્ય જીવનની સાર્થક્તા-પરહિતમાં સમાયેલું છે. જેનું આવું જીવન હશે ત્યાં અષાઢ કે શ્રાવણ નહી પણ સદા વસંત મહેકતી રહેશે. અસ્તુ
- મકવાણા વિનોદ એમ