આળસુના જીવનમાં અસ્તાચળ જ હોય!
- રાજાએ એની આળસની પરીક્ષા કરતાં કહ્યું, 'તને માત્ર સોનામહોર નહીં, પણ ઇચ્છે એટલું સોનું આપું. મારા રાજભંડારમાં જઈને આવતી કાલે તારે જોઈએ તેટલું સોનું લઈ લેજે. માત્ર એટલું જ કે આ બધું સૂર્યાસ્ત પૂર્વે લઈ લેજે'
રા જદરબારમાં અત્યંત આળસુ વ્યક્તિ આવ્યો અને એણે રાજા સમક્ષ માગણી કરી કે હું ખૂબ ગરીબ છું, મને ખાવાનાં પણ સાંસા છે. આપના રાજ્યમાં સૌ કોઈ સુખી અને હું પારાવાર દુઃખી ! આપ મને થોડી સોનામહોરો આપોને ? જેથી મારું દારિદ્રય દૂર થાય. રાજાએ કહ્યું,'તું ગરીબ છે, તો કામ કેમ કરતો નથી ? મહેનત કરીશ તો જરૂર સુખી થઈશ અને તારી આવી દુર્દશા દૂર થશે.
રાજદરબારમાં યાચના કરવા આવેલા યાચકે કહ્યું, 'મહારાજ ! મને કોઈ કામ આપતું નથી. લોકો મને સાવ આળસુ કહે છે. ગામના લોકો મને મારા નામને બદલે 'આળસુના પીર તરીકે ઓળખે છે.
રાજાએ એની આળસની પરીક્ષા કરતાં કહ્યું, 'તને માત્ર સોનામહોર નહીં, પણ ઇચ્છે એટલું સોનું આપું. મારા રાજભંડારમાં જઈને આવતી કાલે તારે જોઈએ તેટલું સોનું લઈ લેજે. માત્ર એટલું જ કે આ બધું સૂર્યાસ્ત પૂર્વે લઈ લેજે. સૂર્યાસ્ત સમયે રાજભંડારના દ્વાર બંધ થઈ જશે ને તારે ખાલી હાથે પાછા જવું પડશે. આળસુના આનંદનો પાર ન રહ્યો. પછીને દિવસે વહેલી સવારે ઉઠીને, નાસ્તો કરીને રાજભંડાર તરફ ચાલી નીકવ્યો. રસ્તામાં એક ઘટાદાર વડ જોયો. એના છાંયડાની જગાએ એવી શીતળતા હતી કે એને એમ થયું કે 'લાવ, થોડીવાર આરામ કરી લઉં. વડના છાંયડામાં વહેતી શીતળ હવાના કારણે એને ગાઢ નિંદ્રા આવી. એની આંખ ખૂલી ત્યારે જોયું તો સૂર્ય મધ્યાહ્નેથી અસ્તાચળ તરફ જઈ રહ્યો હતો. પણ વિચાર્યું કે હજી સાંજ થવાની તો ઘણીવાર છે. ફિકર શી ? ધીરે ધીરે ડગ ભરતાં એ આગળ વધ્યો.
રસ્તામાં મેળો જોયો અને વિચાર્યું કે લાવને જરા મેળામાં જઇને એક આંટો લગાવી આવું. થોડી મોજ-મજા કરી લઉં, પછી સીધો રાજભંડારમાં ખજાનચી પાસે પહોંચી જઈશ. એને મેળામાં ઘૂમવાની ખૂબ મજા આવી. મિત્રો સાથે ગપ્પા લગાવ્યાં. વળી, ચગડોળમાં બેઠો અને પાછો નાસ્તોય કર્યો. થોડાં રમકડાંની ખરીદી પણ કરી. આમ લાંબા સમય સુધી એણે મેળામાં આનંદ માણ્યો.
આકાશમાં જોયું તો ખ્યાલ આવ્યો કે સૂર્ય હવે અસ્તાચળની સાવ નજીક આવી ગયો છે. એને રાજાની ચેતવણીનું સ્મરણ થયું.
એ દોડતો દોડતો રાજભંડારમાં પહોંચ્યો, ત્યારે અસ્તાચળ થઈ ગયો હતો અને રાજભંડારનાં દ્વાર બીડાઈ ગયાં હતાં. આળસુએ દરવાજા આગળ માથું પટક્યું. એને સમયની કિંમત સમજાઈ અને નક્કી કર્યું કે જીવનમાં હવે ક્યારેય આળસ કરીશ નહીં. સમયને જે સમજે છે. સમય તેને યારી આપે છે. આળસ એ એક રોગ છે અને એ રોગનો શિકાર બનનાર જીવનમાં ઘણી તક ગુમાવે છે.