Get The App

ભાવની ચરમ અવસ્થા એટલે આંસુ... .

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
ભાવની ચરમ અવસ્થા એટલે આંસુ...                         . 1 - image


- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- આંસુઓ માત્ર દુ:ખ વખતે ઉમટે છે એવું નથી. આંસુઓ તો ભાવની ચરમ કોટિએ 

ઉભરાય છે

ક્યાં ગયું ?

ઊંડા મનોના ભાવને જોનારા અશ્રુ ક્યાં ગયું ?

મૃત્યુ પથારી પર પ્રણય ટોનાર અશ્રુ ક્યાં ગયું ?

મારા હૃદયના ઘાવને ધોનાર અશ્રુ ક્યાં ગયું ?

દુ:ખી જનોનાં દુ:ખમાં રોનાર અશ્રુ ક્યાં ગયું ?

તરસ્યા જનોને સ્નેહજળ પાનાર અશ્રુ ક્યાં ગયું ?

તલ્લીન થઇ હરિરસ કથા ગાનાર અશ્રુ ક્યાં ગયું ?

ગરીબો તણી દુ:ખ દાદનું લેનાર અશ્રુ ક્યાં ગયું ?

અરિગુણ વિષે પણ રાચીને વહેનાર અશ્રુ ક્યાં ગયું ?

ફેડી શકાય ન દુ:ખ તો રડનાર અશ્રુ ક્યાં ગયું ?

દાન પામી ઉદારથી પડનાર અશ્રુ ક્યાં ગયું ?

માથી વિખૂટું બાળ હિબકનાર અશ્રુ ક્યાં ગયું ?

પડતાં જરૂર તજી પ્રાણ પણ શકનાર અશ્રુ ક્યાં ગયું ?

નિજબાળ પ્રત્યે જનનિનું વાત્સલ્ય અશ્રુ ક્યાં ગયું ?

આ સાલતી આધીનતાનું શલ્ય અશ્રુ ક્યાં ગયું ?

જેણે કર્યું વ્રજ ભીનું તે ગોપાળ અશ્રુ ક્યાં ગયું ?

રાધા રમણ આ દેશને સંભાળ અશ્રુ ક્યાં ગયું ?

ગોપ ધેનુ માટે સ્ત્રવતું આજ અશ્રુ ક્યાં ગયું ?

આ દેશ માટે આમ કાં મહારાજ અશ્રુ ક્યાં ગયું ?

વિશ્વાસઘાત ન થાય એવું કૃતજ્ઞા અશ્રુ ક્યાં ગયું ?

અફસોસ પશ્ચાતાપ કેરું કૃતજ્ઞા અશ્રુ ક્યાં ગયું ?

કોઈ કૃતજ્ઞાી પર દયાનું દૈવી અશ્રુ ક્યાં ગયું ?

અવગુણ ભૂલી જાનારનું ઔદાર્ય અશ્રુ ક્યાં ગયું ?

સહુનાં સુકાયાં નયન મારું એકનું વહેતું રહ્યું !

આ અશ્રુવો'ણા જગતમાં રહેવું નથી જાતું સહ્યું !

- પ્રભાશંકર પટ્ટણી

પ્રભાશંકર પટ્ટણીનું આ કાવ્ય અશ્રુ ક્યાં ગયું ? આપણને આપણા આંસુઓ વીણવા માટે પાછા મોકલે એવુ છે. જીવનમાં દુ:ખ રહી ગયા અને આંસુઓ ચાલ્યા ગયા. મનના ભાવો જે જોતા હતા એ આંસુઓ ક્યાં ગયા ? મૃત્યુની પથારી ઉપર માણસ સૂતો હોય અને તેને પ્રેમનો સહારો બની જાય એ આંસુઓ ક્યાં ગયા ? હૃદયના ઘા જે ધોતા હતા એ આંસુઓ ક્યાં ગયા ? કોઇનું દુ:ખ જોઇને જે છલકાઈ જતા હતા એ આંસુ ક્યાં ગયા ? ખરેખર કવિ સમગ્ર કાવ્યમાં દરેક પંક્તિને અંતે પૂછે છે કે અશ્રુ ક્યાં ગયું ? પણ જેમ જેમ આ કવિતામાંથી પસાર થઇએ છીએ તેમ - તેમ મનમાં થાય છે કે એ આંખો ક્યાં ગઈ ? એ ચહેરા ક્યાં ગયા ? એ માણસો ક્યાં ગયા ? એ જીવાતી જીંદગી ક્યાં ગઈ ?

જે તરસ્યા હતા એ લોકોને પ્રેમથી પાણી પાતા હતા એ આંસુઓ ક્યાં ગયા ? આંસુઓ માત્ર દુ:ખ વખતે ઉમટે છે એવું નથી. આંસુઓ તો ભાવની ચરમ કોટિએ ઉભરાય છે. એટલે હરખના આંસુઓ પણ આવે છે. હર્ષ હોય કે શોક કોઈ પણ ભાવ જ્યારે વધી જાય છે ત્યારે આંસુ પ્રગટે છે. ભક્તિની ઉચ્ચ અવસ્થાએ પણ આંસુ પ્રગટતા હોય છે એટલે તો ભક્તને અને આંસુને સીધો સંબંધ છે. હવે સ્ટેજ ઉપર બેસીને નાટકની જેમ અભિનય કરી ધર્મની વાતો કરનારાની સંખ્યા વધતી જાય છે. પ્રભાશંકર પટ્ટણી પૂછે છે તલ્લીન થઇને જે હરિરસની ગાતા હતા એ આંસુઓ ક્યાં ગયા ? કોઇના દુ:ખે દુ:ખી થતા'તા એ આંસુ ક્યાં ગયા ? દુશ્મનોના દુર્ગુણો વિશે રડતા હતા એ આંસુઓ ક્યાં ગયા ?

ક્યારેક આપણે કોઇને મદદ કરી શક્તા નથી હોતા. પરંતુ મદદ કરવાની ઇચ્છા નથી હોતી એવું નથી હોતું. અંદરથી દ્રવી ઉઠયા હોઇએ છીએ. કોઇનું દુ:ખ દૂર નથી કરો શક્યા એના દુ:ખમાં પણ રડી પડયા હોઈએ છીએ. જરૂર પડે પ્રાણ આપી દેનારા અશ્રુઓ ક્યાં ગયા ? અપાર વાત્સલ્યથી બાળકને ઉછેરતા હતા એ આંસુ ક્યાં ગયા ? આખા વ્રજને જેણે ભીનું ભીનું કરી દીધું છે એ ગોપાલ અશ્રુઓ ક્યાં ગયા ? એ રાધા-રમણના અશ્રુઓ ક્યાં છે હવે ? વિશ્વાસઘાત, અફસોસ, પશ્ચાતાપ વખતે વહેતાતા એ અશ્રુઓ ક્યાં ચાલ્યા ગયા છે ?

જે ઉપકાર ઉપર પણ અપકાર કરતો હોય અને જે ઉપકાર ઉપર ઉપકાર કરતો હોય એ બેઉ પ્રસંગે જે આંખ ભીની કરી જતા હતા એ આંસુઓ હવે દેખાતા નથી. સામેના વ્યક્તિના અવગુણને ભૂલી જઇ એને ચાહી શકે એ આંસુઓ જાણે સૂકાઈ ગયા છે. જાણે સૌની આંખોમાંથી આંસુઓ સૂકાઈ ગયા છે. માત્ર એક કવિની આંખમાં આંસુ વહી રહ્યા છે અને કાવ્ય લખાઈ રહ્યું છે.

ખરેખર તો જે કવિતાને માનવતા સાથે, સમાજ સાથે સંબંધ નથી, જે કવિતાને જીવનના ધબકારા સાથે સંબંધ નથી એ કવિતા માત્ર વાણીનો વિલાસ છે. આપણું જીવન પણ સાવ સંવેદના શૂન્ય થઇ ગયું છે. 

એવી કોઈ સંવેદનાઓ આપણને સ્પર્શી જતી નથી હચમચાવી જતી નથી. આપણા સુખ-દુ:ખ આપણા સ્વાર્થના કેન્દ્રમાં રહેલા છે. વિશ્વના ખુણે ખૂણે બનતા ભયંકર બનાવોના સમાચારો ડાઈનિંગ ટેબલ ઉપર બેઠા બેઠા જમતા જમતા શાંતિથી જોઇ શકીએ છીએ. આપણું રૃંવાડું ય ફરકતું નથી. ક્યાંક હજારો માણસો મૃત્યુ પામે છે એ સમાચાર જમતા જમતા સ્હેજ કોળિયો અટકાવીને જોઈ લઇએ છીએ અને ફરી પાછા જમવામાં ડૂબી જઇએ છીએ. દેશના કોઈ સમાચાર હોય છે તો થોડાક વધારે રસથી એ સમાચાર જોઇએ છીએ. આપણા ગામના કે શહેરના સમાચાર હોય તો થોડોક વધારે રસ લઇએ છીએ અને આપણા જમણા પગને લાલ કીડી કરડી જાય તો ? બધું ય તેને માટે દુ:ખી થઇ જઇએ છીએ. આપણે બધા એટલા  Self-certrecd, સ્વકેન્દ્રિ થઇ ગયા છીએ કે આપણા સુખ-દુ:ખ પણ બહુ વામણા થઇ ગયા છે.


Google NewsGoogle News