એકલતામાં આંગળી પકડી માર્ગ બતાવે છે કવિતા
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- કવિતાની પંક્તિઓ આપણને ધબકતા રાખે છે. આપણા જીવનને અજવાળું આપે છે
છેલ્લું દર્શન
ધમાલ ન કરો, -જરાય નહિ નેન ભીનાં થશો,
ઘડી બ ઘડી જે મળી - નયનવારિ થંભો જરા,
કૃતાર્થ થઇ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તુ માંગલ્ય કો !
ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાબ ને કુમકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો !
ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજનયે કદી પૂરશે.
મળ્યાં તુજ સમીપ અગ્નિ ! તુજ પાસ જુદાં થિયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી ?
- રામનારાયણ વિશ્વનાથ પાઠક 'શેષ'
છેલ્લું દર્શન પૃથ્વી છંદમાં લખાયેલું શેક્સપિયરની શૈલીનું સોનેટ છે. પત્નીના અવસાનના શોકમાંથી સર્જાયેલા આ સોનેટની વિશેષતા એ છે કે વિલાપોમાં સરી પડવાને બદલે સંપૂર્ણ સંયમ સાથે મૃત્યુના માંગલ્યને તેમાં નિરૂપવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આપણને કોઇને ય મૃત્યુનો અનુભવ નથી છતાં મૃત્યુની ભયની કલ્પના સદા કરતા આવ્યા છીએ. અહીં તો કવિતાની શરૂઆત જ થાય છે. ધમાલ ન કરો.. ત્યાંથી. પ્રસંગ સુખનો હોય કે દુઃખનો માનવ મન એવું છે કે ધમાલ થઇ જ જાય. અહીં તો આંખ જરાય ભીની ના કરવાની વાત કરવામાં આવી છે. હે આંસુઓ આ ઘડી બે ઘડી જે મળી છે એમાં વહો નહીં. તમે કૃતાર્થ થઇ જાવ. આખું આ જગત જેને લીધે હસતું લાગતું હતું એનું આ સૌંદર્ય, એ ચહેરો ફરી જોવા નથી જ મળવાનો. તમે એને ધરાઈને જોઈ લો.
ધમાલ ન કરો ફરીવાર કહીને મૃત્યુની મંગલમયતાને વધુ દ્રઢાવામાં આવી છે. જેટલા જેટલા માંગલ્યના પ્રતીકો છે. જે જે માંગલ્યભરી ચીજવસ્તુઓ છે તે તે આ ચહેરા પાસે ધરવાનું જણાવવામાં આવે છે. કંકુ, ગુલાબ, શ્રીફળ, ફૂલો, ચંદન વગેરે. ફરી આવો સુંદર માંગલ્યનો સુહાગી અણમોલ અવસર જીવનમાં આવવાનો નથી. કશું સ્મરણમાં સાચવી રાખવા માટે પણ કોઈ જાતની ધમાલ ન કરો. છેલ્લા શ્વાસ સુધી જે સૌંદર્ય સતત વિકસતું રહ્યું એ અખંડ જ ભલે રહ્યું : 'અખંડ સૌભાગ્યવતી રહેવું છેલ્લા શ્વાસ સુધી એ મંગલમય ઘટના કહેવાય છે. આટલો સુંદર સજાવેલો ચહેરો એનું સ્થાન હૃદયમાં કોઈ સંસ્મરણ કે કોઈ સ્વજન લઇ શકવાનું નથી. અગ્નિની સાક્ષીએ ભેગા થયા હતા અને એ જ અગ્નિની સાક્ષીએ જુદા થવાનું બની રહ્યું છે. મિલન જેટલો જ અરે એનાથી પણ વધારે ભવ્ય અને મંગલ આ વિયોગનો પ્રસંગ છે. પ્રિય સ્વજનને ગૌરવભરી વિદાય આપવી અને મૃત્યુને મંગલમય દ્રષ્ટિએ જોવું એ નાની સૂની વાત નથી.'
રા.વિ.પાઠકના કાવ્યસંગ્રહનું નામ છે શેષના કાવ્યો. તેમણે તેમનો આ કાવ્ય સંગ્રહ સદ્ગત પત્નીને અર્પણ કર્યો છે. દોઢ પંક્તિની અંદર જાણે આખું હૃદય ઠલવાઈ ગયું છે. દોઢ પંક્તિમાં પ્રેમની વિહવળતા અને સમર્પણ બંને દેખાય છે. એ પંક્તિઓ જ જોઇએ.
વેણીમાં ગૂંથવાં તાં, કુસુમ તહીં રહ્યાં,
અર્પવાં અંજલીથી...
કાવ્યરૂપી કુસુમ, કાવ્યરૂપી ફૂલો પ્રિય પાત્રને અર્પણ થયા છે. પણ વાત આટલી સરળતાથી થાય કે કરે તો એ કવિ શેના ? જે ફૂલ વેણીમાં ગૂંથવા હતા એ ફૂલ શ્રદ્ધાંજલી રૂપે અર્પણ કરવા પડે કેવી કરૂણતા ? જે ફૂલ ચૂંટયા હતા વેણીમાં ગૂંથવા માટે એ ફૂલ ફોટા પાસે શ્રદ્ધાંજલીમાં મૂકવા પડે એ કરૂણતા, એ પરિસ્થિતિ અંદરથી હચમચાવી મૂકે તેવી છે.
આ ક્ષણે યાદ આવે છે 'સમગ્ર મરીઝ' પુસ્તકના સંપાદનની ક્ષણો. મરીઝ સાહેબના દીકરા મોહસીન અબ્બાસ વાસીની ઇચ્છાથી મરીઝ સાહેબના પત્ની સોનાબહેનને એ સંગ્રહ અર્પણ થયો છે. મરીઝે તેમના માટે લખેલો શેર યાદગાર છે.
એમ ઊંચકી લીધું છે મારું ઘર,
ભાર દરિયાનો એક મોતી પર.
ગની દહીંવાલાએ પણ તેમના ગઝલ સંગ્રહની પ્રથમ આવૃત્તિ તેમના પત્ની ઝયનબ બ્હેનને અર્પણ કરતા લખે છે કે
સજાવી મારી દુનિયા ને રહ્યા પડદા મહીં પોતે,
પ્રિયે ! અલ્લાહ પાસેથી મળી આ પ્રેરણા તમને.
ભગવાને સમગ્ર સૃષ્ટિ ઉભી કરી અને એ પડદાની પાછળ રહ્યો. નારી, સ્ત્રી બસ એ જ રીતે પુરુષના જગતને સજાવે છે અને જાણે એ પણ મર્યાદામાં કે પડદાની પાછળ પોતાના નામને ઢાંકેલું જ રાખે છે. ગુજરાતી ભાષામાં ઘણાં સુંદર કાવ્ય સંગ્રહોના અર્પણ પૃષ્ટ ઉપર પણ ખૂબ સુંદર પંક્તિઓ લખાયેલી, મૂકાયેલી છે. કાન્તની અર્પણ પંક્તિઓ યાદ આવે.
ગમે તો સ્વીકારો ગત સમય કેરા સ્મરણમાં...
કવિતાની પંક્તિઓ આપણને ધબકતા રાખે છે. આપણા જીવનને અજવાળું આપે છે. પ્રેરણા આપે છે.
એકલા પડયા હોઈએ છીએ ત્યારે આપણી આંગળી પકડીને રસ્તો બતાવે છે. પ્રપંચના જગતમાંથી આપણને હળવેકથી ઉંચકીને વિસ્મયની દુનિયામાં વિહાર કરાવે છે. કવિતા વગરનું જીવન જાણે શક્ય જ નથી. કવિશ્રી જયન્ત પાઠકની એક કવિતા જોઇએ.
કવિતા ન કરવા વિશે કવિતા
કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?
સરોવર સુકાઈ જાય ?
નદીઓ વહેતી થંભી જાય ?
ડુંગરા ડોલી ઊઠે ?
ઘાસ ઊગતું બંધ થઇ જાય ?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ?
ના, ના, એવું એવું તો ના થાય -
પણ... પછી
જલપરીઓ છાનીમાની
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુનાં ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં,
આકાશ ભણી ઉંચે ના જાય.
કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ તો કશું ના થાય
- એટલે કે કશું થાય જ નહીં !