દીવાદાંડી .
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
પ્રિય પાત્ર એક એવી દીવાદાંડી હોય છે જે સાત દરિયાના તોફાનોથી બચાવી લે
તું મારી દીવાદાંડી
સાત સમંદર દૂર થકી મેં દ્રષ્ટિ તુજ પર માંડી,
તું મારી દીવાદાંડી !
ખળભળતું એકાંત ભર્યું'તું મારાં તૂટયાં વહાણે,
વળગ્યું'તું સઢ ફાટેલું, જીવતરની જેમ પરાણે !
કૂવાથંભ શી લઇને હાલક-ડોલક જિજીવિષાઓ,
અંધારે વળગી તસતસતી સો સો વિભીષિકાઓ !
એ વાળે, તેં સાવ અચાનક ઢોળી પ્રકાશ-હાંડી !
તું મારી દીવાદાંડી !
કાલ સવારે ચૂમીશું પગલાંની છાપો નીરખી,
પાગલ શું આળોટી લઈશું ધરતી ઉપર હરખી !
ફૂલની ગંધે રોમરોમ રસબસતું ખરડી લઈશું,
પક્ષીના કલરવ સંગાથે ફંગોળાશું નભ શું !
જાગે આવા કૈંક ઓરતા, ઘોર નિરાશા છાંડી !
તું મારી દીવાદાંડી !
સાત સમંદર દૂર થકી મેં દ્રષ્ટિ તુજ પર માંડી !
તું મારી દીવાદાંડી !
- વીરુ પુરોહિત
દીવાદાંડી એટલે જતા-આવતા વહાણને ચેતવા માટે, દિશા બતાવવા માટે સમુદ્રમાં બાંધેલો દીવાવાળો મિનારો. દીવાદાંડી દૂરથી આવનારા વહાણને ચેતવતી હોય છે કે અહીં ખડક છે. અહીં છિછરો કિનારો છે. આ તરફ કોઈ શહેર છે. આ દિશા તરફ ગામ વસેલું છે. કવિતામાં ક્યારેક શબ્દના અર્થ સંકોચન પામતા હોય છે. ક્યારેક વધુ વિસ્તૃત થતા હોય છે. ભાષામાં પણ ઘણાં શબ્દોનાં અર્થ સંકોચાઈ અને સિમિત બની જતા હોય છે. મૃગા એટલે શિકાર અને મૃગ એટલે પ્રાણી. પરંતુ શિકાર મોટાભાગે હરણનો જ થતો હોવાથી મૃગનો અર્થ સંકોચાઈને હરણ માટે પ્રયોજાવા લાગ્યો. દીવાદાંડી કોઈ એક દરિયાના કિનારાને બતાવનારી હોય છે પણ અહીં તો કવિએ એક અલગ જ દીવાદાંડીની વાત કરી છે. એ દીવાદાંડી કોઈ વસ્તુ નથી એ દીવાદાંડી જીવંત વ્યક્તિ છે. પ્રિય પાત્ર છે.
તમે જ્યારે પ્રિય પાત્રને કહો છો દીવાદાંડી ત્યારે તેના અર્થ વિસ્તરતા રહે છે. આપણું પ્રિય પાત્ર એવું હોય છે જે આપણા માટે સુખ દુ:ખના સમયમાં દીવાદાંડી રૂપ બનતું હોય છે. એટલા માટે જ તો કવિ કહે છે કે હું તો સાત-સાત દરિયા જેટલો દૂર હતો અને મેં તો છેક ત્યાંથી તારા ઉપર દ્રષ્ટિ રાખેલી છે. પ્રિય પાત્ર એક એવી દીવાદાંડી હોય છે જે સાત દરિયાના તોફાનોથી બચાવી લે.
જીવનના મહાસાગરમાં જે વહાણ છે એમાં બીજું કશું નથી ભર્યું માત્ર એકાંત ભર્યું છે. જે સઢ છે એ ય ફાટેલો છે. જે કૂવાસ્તંભ કહેવાય છે કૂવાસ્તંભ જીજીવિષાઓનો છે. અને અંધારી રાતના આ પ્રવાસમાં દુ:ખદ ઘટનાઓયે ઓછી નથી. સાવ અંધારુ થઇ ગયું હોય, તૂટેલું વહાણ હોય, ફાટેલો સઢ હોય, ગાઢ અંધારુ હોય ત્યારે પ્રિય પાત્રની યાદ પણ અજવાળું આપતી હોય છે. રસ્તો બતાવતી હોય છે. અને એ અજવાળાની અંદર જ નવી આશાઓ જન્મી હોય છે.
રણ હોય કે જંગલ હોય કે પછી દરિયો હોય. જ્યારે તમે મૂંઝાઈને બેઠા હોવ છો ત્યારે પાર કઇ રીતે પહોંચાશે એ સૌથી મોટી મૂંઝવણ હોય છે. પણ દૂર-દૂરથી જેવી દીવાદાંડીનું અજવાળું જોઇએ છીએ ત્યારે જીવનમાં હિંમત આવે છે. સતત પાણી અને પાણી, સતત આંસુ અને આંસુની વચ્ચે રહેલો માણસ એ આશામાં હોય છે કે કાલે સવારે માણસોના પગલાંની છાપ જોવા મળશે. કાલે સવારે કિનારા ઉપર પહોંચીશું અને ધરતીને ચૂમી લઈ શકીશું. કાલે ફૂલોની સુગંધ શરીરના રોમેરોમમાં ઉતરશે. કાલે ધરતી ઉપર પગ મૂકીશું અને પક્ષીઓના કલરવ માથે આકાશ સુધી ઊડીને પાછા વળીશું. ઘોર નિરાશા વચ્ચે પણ આટલી આશાઓ અચાનક જન્મી જાય છે. હે પ્રિયે ! તું મારી એવી દીવાદાંડી છું કે જેને કારણે હું મારી બધી જ નિરાશાઓ છોડી શકું છું. પ્રિય પાત્ર, પ્રિય વ્યક્તિ હંમેશા જીવનનાં દીવાદાંડી રૂપ જ હોય છે.
વિરુ પુરોહિત આપણી ગુજરાતી ભાષાના મનોજ ખંડેરિયા અને શ્યામ સાધુની પેઢીના કવિ છે. જીવનનો પહેલો મુશાયરો ૭૨-૭૩ની સાલમાં માંગરોળ ગામે રૂસ્વા મઝલૂમીના પ્રમુખ સ્થાને અને મનોજ ખંડેરિયાના સંચાલન નીચે મારો હતો એ મને યાદ આવે છે. બરબાદ જૂનાગઢી, શ્યામ સાધુ, સિદિદગી જૂનાગઢીની સાથે વિરુભાઈને પણ મળવાનો પહેલો મોકો હતો. વિરુ પુરોહિત રમેશ પારેખ, માધવ રામાનુજ, અનિલ જોશીના સમયગાળાનું ગીતકાર તરીકેનું એક સશક્ત નામ. એમના ગીતોમાં નવા તળિયા તાગવાની ક્ષમતા. તેમના ગીતોનો લય આપણને ખેંચે. પણ આ વિરુભાઈ પછીના થોડાક વર્ષોમાં જાણે આળસી ગયા. હમણાં તાજેતરમાં તેમનો એક ગઝલ સંગ્રહ પ્રગટ થયેલો છે. ગીત અને ગઝલ બંને ક્ષેત્રે ફરી કાર્યરત થયા છે. જૂનાગઢ ઘરાનાના આ કવિ ગીતમાં ઘણાં સુંદર પરિણામો સર્જાય તેવું કામ કરી ચૂક્યા છે. એ સમયના ગાળાનું તેમનું એક ગીત આ ક્ષણે યાદ આવી રહ્યું છે.
'સાંજ' આ કાવ્ય, તેનો લય એન તેના ચિત્રો માણવા જેવા છે. સાંજના સમયે ગામના પાદરમાં આ દ્રશ્ય અચૂક જોવા મળે કે ગાયોના ધણ ગામમાં પ્રવેશતા હોય ત્યારે ગાયો ચરાવા ગયેલા તોફાની છોકરા અવાજથી હકલાવો કરતા કરતા હવામાં લાકડી ઘૂમાવતા ઘૂમાવતા આવતા હોય. અહીં કવિએ એવું સુંદર ચિત્ર આપ્યું છે સફેદ, રાતી, કાળી ગાયોના ધણ ગોધૂલીના સમયે ગામમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તોફાની છોકરા જેવો દિવસ ડાંગ ઉલાળતો હકલા કરતો ગામમાં પ્રવેશી રહ્યો છે.
ભિષ્મપિતામહ જેવો ગામના પાદરમાં એક વડ ઊભો છે. વડની અસંખ્ય વડવાઈઓ અને એ બધી ડાળીઓમાંથી સાંજના સમયનો તીણા કિરણો જેવો તડકો ધરતી ઉપર પડી રહ્યો છે. ધૂળ ઉડતી ડમરી વાળા આકાશમાં સૂરજની પીળી આંખો મીંચાઈ રહી છે અને તેની અધખુલ્લી પાંપણના છેડે ક્ષિતિજો બીજા સાત રંગો સંધ્યાના પ્રગટ કરી રહી છે.
સમગ્ર ગીતનો લય આપણને એક પછી એક મિત્રો બતાવતો જાય છે. સાંજનું પ્રત્યેક દ્રશ્ય જીવંત બની ગયું છે. સાંજના હારોહાર દોડાદોડ કરતા ઝાડવાં, રણઝણતા વગડાની
વાતો, કલબલતૂ પાદર, સાંજ ખેતરમાંથી પાછા વળતા ગાડાની પાછળ દોડમદોડ કરતી દેખાય છે. રાત જાણે સમળીની પાંખમાંથી છૂટી ગઇ હોય એવું લાગે છે. દ્રશ્યો માણવા હોય છે અને એ જ રીતે આ દ્રશ્યો આંખ સામે એક જીવંત સાંજ ઊભી કરી દે છે.
સાંજ
પાછાં વળતાં ધણ પછવાડે
ડાંગ ઉલાળી, કરી હાકલા, દિવસ ગામમાં પેસે
ભીષ્મ સમા વડલાની કાયા
તીણાં કિરણનાં તીરોથી કૈં હોય વીંધાતી,
ડમરીના આકાશ વચાળે
પીળાપચ સૂરજની આંખો હોય મીંચાતી,
અધખુલ્લી પાંપણને છેડે
સાત રંગની ક્ષિતિજ આંખને ફરી ભોળવી લેશે ! પાછાં.
દોડંદોડ કરતાં હારોહાર ઝડવાં
રણઝણતા વગડાની એને વાતો કરતી,
કલબલતા પાદરની જોતી રાહ
સીમ ગાડાની પાછળ દોડંદોડા કરતી,
સમળીની પાંખોથી છટકી રાત
હવે ખેતરને ક્યારે ઊગેલું આકાશ લણી ના બેસે. પાછાં.