પારસમણિનો સ્પર્શ...એવા સદ્ગુરૂને ચરણે...
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- ગુરૂ એ પુષ્પ જેવું વ્યક્તિત્વ છે. દૂર દૂરથી પણ તેની સુગંધ તેની ઓળખ બની જતી હોય છે.
સતગુરૂને ચરણે
એવા સતગુરૂને ચરણે અમ શરણું સાંપડો,
જેના સ્વાસે વહેતી પ્રભુની સતત સુગંધ;
જેનાં લોચનમાં સરતાં તેજો બ્રહ્માંડનાં,
જેણે માયાને બાંધ્યા કાયાના બંધ;
એવા સતગુરૂને ચરણે અમ શરણું સાંપડો.
જેણે અંગે ચોળી ભસ્મ કરી સંસારની,
જેણે કંઠે ઘાલ્યો મૃત્યુ તણો મણિહાર;
જેની પાવડીએ રજ લાગી સાતે સ્વર્ગની,
જેનાં પગલે પડતા મોક્ષ તણા ચિતાર;... એવા સતગુરૂને...
જેણે જીત્યા છે કિલ્લા કાયાના કોટિધા,
જેણે જીત્યા વાયુબાંધ્યા મનના મહેલ;
જીતી ને જિતાડી જાણે જે પરમાત્મને,
હીરો ઝળકાવે પથ્થરને પાડી પહેલ... એવા સતગુરૂને...
જેની ઉરગંગામાં અમૃત નિર્મળ નેહનાં,
જેને મુખસાગર ગરજે પળપળ પ્રભુગાન;
જેનો આત્મા આતસ જેવો પાક ધગે સદા,
જેનું જીવન રંક પરંતુ વિચાર મહાન... એવા સતગુરૂને...
ધારે ત્યારે દેવ ઉતારી દે જે સ્વર્ગથી,
ધારે ત્યારે માનવ મર્ત્ય ચઢાવે સ્વર્ગ;
એવા સતગુરૂને અદ્ભૂત પારસમણિ સ્પર્શ હો,
ફૂટો અમ મટ્ટીમાં પ્રભુ જ્યોતિનાં ભર્ગ !... એવા સતગુરૂને...
- ખબરદાર
દરેકને સતગુરૂની શોધ હોય છે. ક્યાં મળશે ? ક્યારે મળશે ? કેવા દેખાતા હસે ? એ બધા જ પ્રશ્નો છોડી દઈને ભીતરથી સાવ કોરા થઈ થઈને સદ્ગુરૂની શોધમાં નીકળી પડવાનું હોય છે. આપણે શોધી શોધીને થાકી જઈએ, આપણું મન અને મતિ ભટકાવી ભટકાવીને થકવી નાંખે ત્યારે જે પ્રાર્થના થઈ જતી હોય છે એ પ્રાર્થના એટલે જાણે આ કાવ્ય.
કોઈપણ સદ્ગુરૂ વાણી, વર્તન અને પહેરવેશની દ્રષ્ટિએ એકસરખા ન જ હોઈ શકે. કોઈ ગુરૂમાં બાહ્ય રીતે કશું જ સરખામણું નથી હોતું. હા, બધા જ ગુરૂઓ ભીતરથી એકસરખા હોય છે. ગુરૂ એ પુષ્પ જેવું વ્યક્તિત્વ છે. દૂર દૂરથી પણ તેની સુગંધ તેની ઓળખ બની જતી હોય છે. આ કાવ્ય ગુરૂની સુગંધનું કાવ્ય છે. શિષ્યને ગુરૂની જે સુગંધ ખેંચતી હોય છે એ સુગંધની કવિતા એટલે આ કાવ્ય.
પ્રત્યેકની પ્રાર્થના હોય છે કે અમને સદ્ગુરૂના ચરણે શરણું મળે અને પછી સદ્ગુરૂ એટલે કેવું વ્યક્તિત્વ તેનો ચિતાર આપવામાં આવ્યો છે. જેના શ્વાસોમાં પ્રભુની સતત સુગંધ વહેતી હોય તે સદ્ગુરૂ. સદ્ગુરૂના શ્વાસ અને ઉચ્છવાસમાં પ્રભુનું સ્મરણ અને પ્રભુનો સ્પર્શ હોય છે. અને એ આંખોનું તેજ પણ કેવું અદ્ભૂત હોય છે ! સદ્ગુરૂના લોચનમાંથી સમગ્ર બ્રહ્માંડનું તેજ સરી રહ્યું હોય છે. એ તેજોમય દ્રષ્ટિ જીવનના અંધારાને હટાવી આપણા જ્યોતિર્મય સ્વરૂપનો આપણને પરિચય કરાવતી હોય છે. સદ્ગુરૂ એટલે એવું વ્યક્તિત્વ જેણે માયાના અને કાયાના બંધ બાંધેલા હોય છે. તેની માયા પણ જાણે નૈસૈા માં બંધાઈને રહેતી હોય છે. જાણે એક હદમાં રહેતી હોય છે. હૃદય ઝંખે છે એવા સદ્ગુરૂને ચરણે અમને શરણું સાંપડે.
અહીં સદ્ગુરૂ એટલે શિવ. શંકર ભગવાન એ આદિ સદ્ગુરૂ છે.
અને એ પછી પ્રત્યેક ગુરૂમાં એ જ શિવતત્વ પ્રગટેલું હોય છે. પ્રત્યેક ગુરૂ એ શિવતત્વનો જ અંશ છે. સદ્ગુરૂએ સંસારની ભસ્મ કરીને પોતાના અંગે ચોળી હોય છે. સંસારની સમગ્ર ખટપટો, પ્રપંચોને તેણે બાળી નાંખ્યા હોય છે. સળગતો સંસાર તેના અંગને સ્પર્શતાની સાથે શીતળતા આપનારી ભસ્મ બની જાય છે. મૃત્યુનો મણિહાર સદ્ગુરૂના કંઠે લટકતો હોય છે. મૃત્યુને તેમણે ભેટીને ગળે લગાડયું હોય છે. જે મૃત્યુથી ડરે છે તે જીવનભર મરતો રહે છે. જે મૃત્યુને ભેટી લે છે તે મૃત્યુથી તરી જાય છે. સદ્ગુરૂ તો એવું વ્યક્તિત્વ છે જેણે મૃત્યુને જીતી લીધું છે જેમની પાવડીએ, જેમની ચાખડીએ સાતેય સ્વર્ગની ધૂળની રજકણો ચોંટેલી છે. સાતેય સ્વર્ગ જેેને માટે ધૂળની રજકણ જેવા છે એવા સદ્ગુરૂના પગલે પગલે જો ચાલી નીકળીએ તો મોક્ષ સહજ મળી જાય કારણ કે સદ્ગુરૂનાં પગલાં એટલે સ્થૂળ પગલાંની છાપ નહીં. તેમના એક એક શ્વાસ-ઉચ્છવાસ બધું જ, બધાં જ કાર્યો... સદ્ગુરૂના પગલે તો મોક્ષનો ચિતાર મળી રહે છે.
સદ્ગુરૂની જીત અને સદ્ગુરૂની હાર પણ અનોખી હોય છે. તેમને તો શરીરરૂપી કિલ્લા અનેક વખત જીત્યા હોય છે.
એટલે તે જીવન મુક્ત અવસ્થામાં હોય છે. મન એ બીજું કશું જ નથી. વાયુના તરંગો છે. વાયુ દ્વારા બંધાયેલા મનના મ્હેલ પણ તેમણે જીત્યા હોય છે. તેમણે તો જાણે હારી જઈને પરમાત્માને જીતી લીધો હોય છે. પરમાત્માને જીતી લેવાની તરકીબ-કલા સદ્ગુરૂને આવડતી હોય છે. એટલું જ નહીં પોતાના શિષ્યને પણ એ પોતાના જેવો જ બનાવી દેતો હોય છે. હીરાને પહેલ પાડીને સુંદર હીરો બનાવવો એ બહુ મોટી વાત નથી. સદ્ગુરૂ તો પથ્થરને પહેલ પાડીને હીરો બનાવી દે છે. જેના હૃદયમાં નિર્મળ પ્રેમના અમૃતની ગંગા વહે છે, જેના મુખરૂપી સાગરમાં પળેપળે પ્રભુના ગીતો ગર્જે છે, જેનો આત્મા પવિત્ર અગ્નિ જેવો સતત પ્રજ્વલિત હોય છે, જેનું જીવન ખૂબ સીધું સાદું હોય છે અને વિચાર મહાન હોય છે એવા સદ્ગુરૂને શરણે અમને શરણું સાંપડો.
આવા જાગૃત પુરુષની કમાલ પણ કેવી હોય છે ! ધારે ત્યારે સ્વર્ગના દેવોને પૃથ્વી ઉપર આવવા માટે લાચાર કરી શકે છે. પાપીમાં પાપી મનુષ્યને પણ સ્વર્ગ પ્રાપ્ત થાય તેવો પવિત્ર બનાવી શકે છે. સદ્ગુરૂનો સ્પર્શ તો એવા પારસમણિનો સ્પર્શ છે કે આપણા સૌમાં ઈશ્વરીય જ્યોતિનાં તેજ પ્રગટાવી દે છે. મૃણમયને ચિન્મય બનાવી દે છે. એવા સદ્ગુરૂને ચરણે અમને શરણું સાંપડો.