Get The App

પાથરણાવાળો .

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
પાથરણાવાળો                                               . 1 - image


- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- પિતાનું હૃદય તેના કુટુંબ માટે કેવું હોય છે તેનું આ કાવ્ય છે. પિતાના કુટુંબ પ્રત્યેના અપ્રગટ પ્રેમનું કાવ્ય છે

પોતાના કપાળ જેવડું પાથરણું પાથરી

બેઠો છે પાથરણાવાળો

તેના પાથરણામાં

સૂપડી ભરાય એટલા કાતરા છે

સૂપડું ભરાય એટલી કાચી બદામ છે

સૂંડલી ભરાય એટલાં ગુંદા છે

જેમને ખટમીઠી જિંદગી સદી ગઈ છે

તેઓ કાતરા લઇ જાય છે

જેમને ગળામાં ડચૂરો વળે તો ઠીક રહે છે

તેઓ કાચી બદામ લઇ જાય છે

જેઓ જિંદગીને ચીકાશ ગણી જીવે છે

તેઓ ગુંદા લઇ જાય છે

સાંજ પડયે બધો માલ ખપી જાય છે

ત્યારે તે પાસેની દુકાનેથી ભજિયાં લે છે

તેમાં તે તેની પત્નીની પસંદગીનાં

બટેટાંની પતરીનાં બે ભજિયાં 

નંખાવે છે

તેની દીકરીની પસંદગીનાં

મરચાંના બે ભજિયાં નંખાવે છે

મોટા દીકરાની પસંદગીનાં

વાટી દાળનાં બે ભજિયાં નખાવે છે

નાના દીકરાની પસંદગીનાં

મેથીના બે ભજિયાં નખાવે છે

તેની પોતાની કોઈ પસંદગી નથી

- રમેશ આચાર્ય

પા થરણાવાળો એટલે કે મોટી દુકાનવાળો નહીં, લ્હારીવાળો પણ નહીં. લ્હારી રાખવા જેટલા ય પૈસા નથી. એ તો પોતાના જ જૂના કોઈક ધોતિયા કે ચાદર ને કે પછી કોથળાને પાથરણું બનાવીને બેઠો હોય છે. પાથરણાવાળાને કોણ બેસવા દે ? સાંકડ-મૂંકડ કોક ખૂણામાં બેઠો હોય છે. આ એ પાથરણાવાળાનું કાવ્ય છે. પોતાના ભાગ્ય જેવડું પાથરણું પાથરીને બેઠો છે. ભાગ્ય જેવું ફાટેલું, ભાગ્ય જેવું નાનું, ભાગ્ય જેવું ગરીબ અર્થ આપમે કરતા જવાના... નાનકડું પાથરણું પાથરીને કાતરા, કાચી બદામ અને ગુંદા લઈને બેઠો છે. એ ત્રણેયના માત્ર ઢગલા ઢગલી કર્યા છે. સૂપડું. ભરાય કે સૂંડલી ભરાય એટલા જ છે. અર્થાત્ મોટો વેપાર કરી શકે એવી કોઈ ક્ષમતા નથી. તેના ગ્રાહકો પણ નિશ્ચિત છે. ગરીબ પાથરણાવાળાના ગ્રાહકો પણ ગરીબ જ છે. જે લોકોને ખટમીઠી જીંદગી સદી ગઈ છે એ લોકો કાતરા લઇ જાય છે. કાતરા એટલે કાચી આંબલી. જે લોકોને ગળામાં ડચૂરો બાઝે તે ગમે છે એવા લોકો કાચી બદામ લઇ જાય છે. જે લોકો જીંદગીને ખૂબ ચીંકણી કે ચીકાશવાળી માને છે એ લોકો ગુંદા લઇ જાય છે. આ પેટ ભરવાની વાત નથી, શોખના સ્વાદની વાત છે.

આખો દિવસ છૂટક-છૂટક ગ્રાહકો આવીને તેની પાસેથી બધુ લઇ જાય છે. બધો જ માલ વેચાઈ જાય ત્યારે ખાલી પાથરણું લઇને એ ઘર તરફ જવા નીકળે છે ત્યારે ઘરના પ્રત્યેક વ્યક્તિનો વિચાર આવે છે. લોકો જે સ્વાદના શોખ માટે દિવસભર જે ખરીદી ગયા છે તેના પૈસામાંથી તેના કુટુંબનું ભરણ-પોષણ ચાલે છે. કવિતામાં તો સીધી વાત આવે છે કે તે બધો માલ ખપી જાય ત્યારે પાસેની દુકાનેથી ૧૦૦ ગ્રામ ભજિયા લે છે. પરંતુ હવે આપણે આપણા ભાવવિશ્વમાં ડોકિયું કરી જોઇએ. પ્રત્યેક ભજિયાવાળા પાસે એવા ઘણાં લોકો ૧૦૦ ગ્રામ, ૧૫૦ ગ્રામ ભજિયા લેવા આવતા હોય છે જેની સાથે બ્રેડ કે રોટલો ખઇને એક દિવસ ટૂંકો કરતા હોય છે. પાઉ અને ભજિયા, રોટલો અને ભજિયા જમી લેતા હોય છે. ભજિયા જ તેમનું શાક હોય છે અને ભજિયા જ તેમની દાળ હોય છે. બુદ્ધિ દલીલ કરે કે ૨૦ રૂપિયાના ૧૦૦ ગ્રામ ભજિયા ખાવા કરતા શાક ના લવાય ? ના. શાક બહુ મોંઘી વસ્તુ હોય છે એક પિતા સાંજે રોજે રોજનું કમાઇને ઘર તરફ જતો હોય છે ત્યારે આખા ઘરનાનું પેટ ભરાય, ઘરમાં બધાને સંતોષ થાય એ ઇચ્છા હોય છે.

પાથરણાવાળો ૧૦૦ ગ્રામ ભજિયા લે છે અને તેમાં પત્નીની પસંદગીના બટાકાની પતરીના ૨ ભજિયા નંખાવે છે, દીકરીની પસંદગીના મરચાના ૨ ભજિયા નંખાવે છે, મોટા દીકરાની પસંદગીના ૨ દાળવડા નંખાવે છે, નાના દીકરાની પસંદગીના ૨ મેથીના ગોટા મૂકાવે છે અને... ૧૦૦ ગ્રામ પૂરા. પાથરણાવાળાએ પોતાની કોઈ પસંદગી નથી. પાથરણાવાળા માટે તો પોતાનું કુટુંબ ગમતા ભોજનથી પ્રસન્ન થાય એ સંતોષ જ એનું ભોજન છે. એક પિતાનું હૃદય તેના કુટુંબ માટે કેવું હોય છે તેનું આ કાવ્ય છે. પિતાના કુટુંબ પ્રત્યેના અપ્રગટ પ્રેમનું કાવ્ય છે. ખરેખર પિતાને કોઈ પસંદગી નથી હોતી. પાથરણાવાળો પિતા મેં અનેક પિતાની આંખોમાં જોયો છે તમે પણ આવા પિતાને ઓળખતા હશો જ.

રમેશ આચાર્યના કાવ્યોમાં જે મર્મ છૂપાયેલો હોય છે તે રોજીંદા જીવનના સૂક્ષ્મ અવલોકન પછી પ્રગટેલો છે. તેમનું એક જૂદી જ ભાત પાડતું એક અછાંદસ કાવ્ય જોઇએ. શિર્ષક છે મારી બિલાડીની દૈનિક ક્રિયા. આમ તો હસવું આવે - હસી પડાય કે બિલાડીની દૈનિક ક્રિયામાં તે વળી શું ? પણ સવારે ઊઠીને બિલાડી યોગ કરે છે. અમુક લોકોની ભાષામાં યોગા કરે છે. પછી મોર્નિંગ વોક કરે છે. પછી તેના ધ્યાનનો સમય હોય છે. પછી બપોરે જમીને વામકુક્ષી કરે છે. વચ્ચે વચ્ચે બચ્ચાં ઉછેરવાની સંસારીક ક્રિયાઓ કરે છે અને રાત્રે મ્યાઉં મ્યાઉં ક્રિયાનો રિયાઝ કરે છે. ટૂંકમાં ધ્યાન નિદ્રા ધ્યાન એ કર્યા કરે છે. આપણા મનમાં થાય કે આ કઇ બિલાડી ? આ બિલાડી કોણ ?

દૂધ પીવું, કોઈના ઘરે ધ્યાન ધરીને ઉંદરડાનું ભોજન કરવું, પોતાના જ રાગનું અને સૂરનું ગીત ગાવું... ફરી ફરી વાંચતા લાગે છે કે બિલાડીના ઓઠા નીચે વાત તો માણસની જ થઇ છે. યોગક્રિયા, મોર્નિંગ વોક, વામકુક્ષી, રિયાઝ આ બધા શબ્દો ઉપરનો કટાક્ષ સમજતા વાર નથી લાગતી. સીધું એ કાવ્ય જ વાંચીએ.

મારી બિલાડી : દૈનિક ક્રિયા

મારી બિલાડીની દૈનિક ક્રિયા

કોઇને પણ જાણવામાં રસ પડે તેવી

પ્રાત:કાળે વહેલા ઊઠી

બગાસાં ખાઈ

ખાલી થવાની યોગક્રિયા

પછી પાંચથી દસ ઘર સુધી

મોર્નિંગ વોક

એ દરમિયાન અનુકુળતા પ્રમાણે

ઠંડુ દૂધ પીવું

પછી ધ્યાનનો સમય

કોઈપણ ઘરના કોઈપણ ખૂણે

અનુકુળ સમય મુજબનું ધ્યાન

ધ્યાન છોડી-તોડી બપોરનું ભોજન

બપોરે થોડી વામકુક્ષી

ફરી કોઈપણ ઘરમાં ધ્યાન

ફરી ભોજન

વચ્ચે વચ્ચે બચ્ચાં ઊછેરવાં,

સાંસારિક ક્રિયાઓ કરવી

રાત્રે કોઈપણ ઘરમાં 'મ્યાઉં મ્યાઉં' રાગનો

અનુરાગ પ્રમાણે રિયાઝ

ફરી...ધ્યાન/નિદ્રા

ફરી...નિદ્રા/ધ્યાન ફરી...

Tags :