Get The App

કહેવત જેવી બની ગયેલી ગઝલની પંક્તિઓ

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
કહેવત જેવી બની ગયેલી ગઝલની પંક્તિઓ 1 - image


- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- જે સાહિત્યકાર સમાજને યાદ નથી રાખતો તે સમાજ સાહિત્યકારને પણ યાદ નથી રાખતો

પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે.

- શયદા

આશિક્કા જનાજા હૈ જરા ધૂમકે નિકલે

- મિર્ઝા મોહમ્મદઅલ્વી ફીદવી અઝિમાબાદી

ખૂબ ગુજરેગી જો મિલ બેઠેંગે દિવાને દો.

- મિર્ઝા દાદ ખાન સૈંયા.

કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.

- મણિલાલ નભુભાઈ

ગ ઝલ એ સાહિત્યનું એવું લોકપ્રિય સ્વરૂપ છે જે લોકસાહિત્યની જેમ લોકોના હૈયે અને હોઠે રમતું હોય છે. લોકોના હ્ય્દયને સીધું સ્પર્શે છે. લોકોની જીવાતી જીંદગી સાથે સીધું જોડાયેલું છે. ગુજરાતી, ઉર્દૂ, હિંદી ઘણી ભાષાઓમાં લખાયેલી ઘણી ગઝલોના માત્ર એક-એક મિસરા એટલે કે એક-એક પંક્તિઓ કહેવત જેવી બની ગઈ છે. એના સર્જકનું નામ એટલું જાણીતું ના હોય, એટલું યાદ પણ ના રહ્યું હોય પણ એ પંક્તિ સૌના હૈયે અને હોઠે વાતે-વાતે રમતી દેખાય. આજે થોડીક એવી જ પંક્તિઓ વિશે વાત કરવી છે.

મને એ જોઈને હસવું હજારોવાર આવે છે,

ખુદા/પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે.

- શયદા

હરજી લવજી દામાણીને ગુજરાતના ગઝલ ચાહકો શયદા તરીકે ઓળખે છે અને શયદાનો આ ઉપરનો શેર એક સમયે ખૂબ જાણીતો હતો. ધીમે-ધીમે વહેતા સમયની સાથે... પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે આ પંક્તિ અનેકવાર વાતચીતનો અંશ બની ગઈ. કહેવત બની ગઈ. એ ગઝલના શેરની પંક્તિ છે, શયદા તેના શાયર છે બધુ જ ભૂલાઈ ગયું. માત્ર વાતે-વાતે કહેવાતું થઈ ગયું કે પેલું કહેવતમાં કહ્યું છે ને તેમ પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે એના જેવી વાત થઈ. આશિક્કા જનાજા હૈ જરા ધૂમકે નિકલે.

આ પંક્તિ તે ખરેખર તો એક ગઝલના શેરનો સાની મિસરો છે. અને તેના શાયર મિર્ઝા મોહમ્મદઅલ્વી ફીદવી અઝિમાબાદી છે. મૂળ શેર કંઈક આ પ્રમાણે છે.

ચલ સાથ કી હસરત દિલે મરહૂમ સે નિકલે,

આશિક્કા જનાજા હૈ જરા ધૂમસે નિકલે.

કોઈ આશિકની વાત હોય, એની બરબાદીની વાત હોય ત્યારે કે પછી સાવ બેહાલીની વાતને વ્યંગમાં કહેવાની હોય ત્યારે આ પંક્તિઓ આપણે અચૂક બોલાતી સાંભળી છે. શાયરનું નામ પણ યાદ નથી. કદાચ આ શાયરોની અન્ય ગઝલો, નઝમો એટલી જાણીતી ન પણ થઈ હોય. આ એક મિસરો તેમની ઓળખ જે-તે સમયે બની ગયો હોય એવું પણ બને. અહીં એક સંતે જણાવેલી વાત સહજ યાદ આવે છે.

સમાજ હિતાય સાહિત્ય....

સમાજના હિતમાં આવે તે સાહિત્ય. સમાજનું હિત ઈચ્છે કે સમાજને માટે હિતકારક હોય તે સાચું સાહિત્ય છે. જો સાહિત્ય સમાજને ઉપયોગી થવાનું જ ન હોય તો તેનો શું અર્થ ? કલા ખાતર કલા અને જીવન ખાતર કલા એવી ચર્ચાઓ એક સમયે થયેલી જોવા મળે છે. પરંતુ આટલા વર્ષના સાહિત્ય સાથેના અને લોકો સાથેના સંપર્ક પછી એટલું અનુભવી શક્યો છું કે જે સાહિત્યકાર સમાજને યાદ નથી રાખતો તે સમાજ સાહિત્યકારને પણ યાદ નથી રાખતો.

કૈસ જંગલ મેં અકલા હૈ મુઝે જાને દો,

ખૂબ ગુજરેગી જો મિલ બેઠેગે દિવાને દો.

- મિર્ઝા દાદ ખાન સૈયા

ખૂબ ગુજરેગી જો મિલ બેઠેંગે દિવાને દો...

ખરેખર તો આ પંક્તિ એક શેરનો સાની મિસરો છે. પિકચરોમાં - એડવટાઈઝોમાં અને ઘણી બધી જગ્યાએ વારંવાર આ પંક્તિ બોલાયા છે. પણ કોઈને ખબર નથી કે આ એક શેરનો બીજો મિસરો છે, બીજી પંક્તિ છે. ખરેખર તો તેના શાયર મિર્ઝા દાદ ખાન સૈંયા ગાલિબના મિત્ર, શિષ્ય હતા. અને સૂરતના વતની હતા. સૂરતના શાયર સલીમ મલિકના સૌજન્યનો સ્વીકાર કરું છું.

ખૂબ ગુજરેગી જો મિલ બેઠેંગે દિવાને દો....

કોઈ ગઝલના શેરનો આ બીજો મિસરો છે એની કોઈને ખબર નથી. એના શાયર કોણ છે એની પણ કોઈને ખબર નથી. શેરની આ બીજી પંક્તિ કહેવત બની ગઈ. ફિલ્મોથી લઈને વાતવાતમાં બોલાતી આ પંક્તિ જાણે રૂઢિપ્રયોગ બની ગઈ છે. સર્જકનું નામ ઓગળી જાય અને એ પંક્તિ પ્રજાના હૈયે અને હોઠે રમતી થઈ જાય એ જ શ્રેષ્ઠ સર્જનની અને સર્જકની સાચી ઓળખ છે. આ ક્ષણે યાદ આવી રહી છે મણિલાલ નભુભાઈ દ્વિવેદીની ગઝલના પહેલા શેરની પહેલી પંક્તિ કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે...

ઘણાંને આના શાયરનું નામ ખબર નથી. મોટાભાગનાને આની બીજી કઈ પંક્તિ છે એ પણ ખબર નથી. કાળના પ્રવાહમાં એક પંક્તિ બચી ગઈ અને પેઢી-દર પેઢી સૌના હૈંયે અને હોઠે રમતી રહી. સર્જકનો પરિચય ના રહે, સર્જક ગુમ થઈ જાય અને માત્ર તેનું સર્જન બચચી જાય ત્યારે એ સર્જક ચેતના કોઈ પરમ ક્ષણે જાણે વિશ્વ સર્જકની સાથે જોડાઈ ગઈ હોય છે. આપણા ખૂબ આશાસ્પદ ગઝલકાર ભાવેશ ભટ્ટે એક જીસ્જી કર્યો અને પછીની ક્ષણે જાણે આટલું લખવાને નિમિત્ત બન્યું. પ્રત્યેક સાહિત્યમાં, પ્રત્યેક ભાષામાં, પ્રત્યેક પેઢીએ આવી પંક્તિઓ સર્જાયા કરે છે, પ્રજા દ્વારા ઝિલાયા કરે છે. અને સમયની વહેતી નદીના કિનારે ક્યાંક આજે ઊભેલો હું આ બધું જોતો  રહીને સર્વ સર્જક ચેતનાને માત્ર અહોભાવથી વંદન કરું છું. કહેવત રૂપ બની ગયેલી બાલાશંકર કંથારિયાની જાણીતી ગઝલના થોડાક શેર જોઈએ.

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,

ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.

કચેરીમાંહિ કાજીનો નથી હિસાબ કોડીનો,

જગતકાજી બનીને તું વહોરી ના પિડા લેજે.

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,

ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે.

કટુ વાણી સૂણે જો કોઈની, વાણી મીઠી કહેજે,

પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,

ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે.


Google NewsGoogle News