અખિલ બ્રહ્માંડમાં... .
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- આકારથી નિરાકાર સુધીની રૂપમાં છુપાયેલા અરૂપને જોવાની માત્રા એટલે ઉપાસના
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તત્ત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા ! વૃક્ષ થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોય,
ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે,
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ : મન એમ સૂઝે
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો : એ મન તણી શોધના : પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે
- નરસિંહ મહેતા
વિશ્વ સાહિત્યના શ્રેષ્ઠ સર્જનોમાં અને સર્જકોમાં જે નામ અને કામ મૂકતા ગુજરાત ગૌરવ અનુભવે તે નામોમાંનું એક નામ નરસિંહ મહેતા છે અને તરત બીજું નામ યાદ આવે તે મીરાંબાઈ. કવિ કલાપીએ તો કહ્યું છે કે...
હતાં નરસિંહ અને મીરાં,
ખરા ઇલ્મી ખરા શૂરા.
નરસિંહ મહેતા એ ભૂમિકાએ એ અવસ્થાએ બિરાજતા કવિ છે જેમની ભક્તિમાં સગુણ અને નિર્ગુણના ભેદ ઓગળી ગયા છે. અખિલ બ્રહ્માંડમાં એ કાવ્ય તો વર્ષોથી કાનોકાન ઝિલાતું અને સચવાતું આવ્યું છે. નરસિંહ મહેતાના કાવ્યોની વિશેષતા એ છે કે તે બધા ગ્રંથસ્થ થઇને નહીં હૃદયસ્થ થઇને સચવાયા છે. એટલા માટે તો નરસિંહ મહેતાની સૌથી જૂની હસ્તપ્રત નરસિંહ મહેતાના સમયગાળા પછી લગભગ ૨૦૦ વર્ષ પછીની મળે છે. કવિ ઉર્વિશ વસાવડાએ નરસિંહ મહેતાની સમગ્ર કવિતાનું સંકલન કર્યું છે. પ્રત્યેક ગુજરાતીએ વસાવવા જેવું છે.
આ સમગ્ર જગત એક જ તત્ત્વનું બનેલું છે. એ પરમ ચૈતન્ય જ સમગ્ર બ્રહ્માંડમાં અનંત રૂપમાં પ્રગટેલું છે. દેહની અંદર એ દેવ સ્વરૂપે છે, તત્ત્વમાં તેજ સ્વરૂપે છે, શૂન્યમાં શબ્દ સ્વરૂપે છે. એ જ પવન છે, એ જ પાણી છે, એ જ વૃક્ષ થઇને આકાશમાં ફેલાઈ રહ્યું છે. એકોહમ્ બહુસ્યામિ... આ બધી રચનાઓ એ પરમચૈતન્યએ જ કરી છે. શિવ જીવ થયેલો છે. શ્રૃતિ અને સ્મૃતિ વેદો અને ઉપનિષદો એની સાક્ષી પૂરે છે કે કશું જ જૂદું નથી. કનક અને કુંડળ ભલે નામ અલગ આપ્યા હોય અંતે તો એ સોનું જ છે.
સોનાના ઘરેણાં જાતજાતના બની શકે છે. બંગડી, બુટ્ટી, વીંટી, હાર, અછોડો વગેરે સોનામાંથી અનેક આકાર અને અનેક રૂપ ઘડી શકાય છે. સુંદર કે કદરૂપા આકાર બનાવી શકાય છે. પરંતુ આકાર એ સોનું નથી. સોનાનું સોનું હોવું એ તમામ રૂપોથી મુક્ત છે. એક રૂપ બીજા રૂપમાં બદલાઈ જાય છે. જો સોનું એક જ આકારમાં રહેતું હોત તો પછી સોનામાંથી બીજો આકાર ના બની શક્ત. જો કે આપણે એવું સોનું પણ જોયું નથી જે કોઈ રૂપમાં ના હોય. કોઈ આકારમાં ના હોય. જ્યારે પણ સોનું જોઇએ છીએ ત્યારે તેનું કોઇક ને કોઇક રૂપ આંખ સામે હોય છે. સોનાની લગડી હોય કે બંગડી હોય સોનું તેના આકારો બદલી શકે છે. સોનાના અછોડાને તોડાવીને વીંટી બનાવી શકાય છે, ભલે આપણે આકાર વગરનું સોનું જોયું જ ના હોય. આ આકારથી નિરાકાર સુધીની રૂપમાં છુપાયેલા અરૂપને જોવાની માત્રા એટલે ઉપાસના.
જે કંઇ પણ દેખાય છે એ બધું રૂપ છે આકાર છે. પણ જેની ઉપર રૂપ અને આકાર પ્રગટ થાય છે તે અરૂપ છે. નિરાકાર છે. આ બધા ભેદ પામી ગયા પછી એ અસિમ, અનંત, અનાદિની નજીક પહોંચી શકાય છે. નરસિંહ મહેતા એ તત્વને પામેલા આપણા આદિ કવિ છે.
ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી...
આપણે જાણવાની અનેક શક્યતાઓ ધરાવીએ છીએ. પરંતુ જે જાણ્યું છે તે જણાવવા માટે શબ્દોનું બહુ જ સિમિત માધ્યમ છે. અસિમને શબ્દની સીમામાં મૂકી શકાય તેમ નથી. વળી ગમે તેટલું લખો એ પરમની વાત અધૂરી જ રહેવાની છે. માછલી આખ્ખા દરિયાને જાણી ના શકે. કારણ કે અખિલ બ્રહ્માંડમાં માત્ર શ્રી હરિ જ રહેલા છે. પર્વતમાં એ સૂતેલા છે અને ઝરણાંમાં એ જાગેલા છે. જડ અને ચેતનાના ભેદ એ દ્રષ્ટિ મર્યાદાને લીધે છે. એટલે ગ્રંથોની ગરબડમાં પડયા વગર જેને જે ગમે તેની તે પૂજા કરે તેમાં જ શ્રેય અને પ્રેય રહેલું છે.
મન-વચન અને કર્મથી એને જ સત્ય ગણીને આપણે સૌ જે ગમે છે તેની પૂજા કરીએ છીએ. વૃક્ષમાં બીજ રૂપે અને બીજમાં વૃક્ષ રૂપે એ જ પરમ ચૈતન્ય સમાયેલું છે. એક નાનકડા બીજને જોઇએ, એને હથેળીમાં લઇએ અને હવામાં ઉછાળી પણ શકીએ. પણ એ જ બીજને જો તમે વાવો તો કાલે તેમાંથી કૂંપળ, થડ, ડાળીઓ, પાંદડા, ફૂલ, ફળ, સુગંધ બધું જ પ્રગટી ઉઠશે. આજનું બીજ કાલે વિરાટ વૃક્ષ બની શકે તેમ છે. એ બીજમાં શ્રી હરિ જ છુપાયેલા છે. જે વૃક્ષનો પણ આકાર લઇ લે છે અને બીજનો પણ આકાર લઇ લે છે. એ બીજમાં અનેક બી, અનેક વૃક્ષ છુપાયેલા છે. એક બીજ અનંત બીજને પેદા કરી શકે છે.
નરસિંહ મહેતા આપણી ગુજરાતી ભાષાના પરમને પામેલા એવા કવિ છે જેમણે એ પરમના રહસ્યોને સરળ ભાષામાં કવિતાની તમામ શરતોએ પ્રગટાવી આપ્યા છે. તેમનું ભાવવિશ્વ, વસ્તુ વિષય, શબ્દ, અલંકાર, લયની સમૃદ્ધિ, તત્ત્વદર્શન, રચના, કૌશલ્ય, તેમાં વહેતો લય ભલભલા સર્જકને અચંબામાં મૂકી દે તેવો છે. જ્યાં સુધી આત્મતત્વને જાણી નથી લેતા ત્યાં સુધી બધી જ સાધનાઓ જૂઠી છે અને એ પણ એટલું જ સાચું છે કે આત્મતત્વને જાણી લીધા પછી કોઈ સાધનાની જરૂર પણ રહેતી નથી. સ્નાન સંધ્યા કે પૂજા કે દાન કરો, જટા વધારો કે કેશનું લોચન કરો, જપ-તપ-તીરથ
કરો કે માળાઓ ફેરવ્યા કરો, વેદ-વ્યાકરણ-વાણી, દર્શનશાસ્ત્રને જાણી લો કોઈ ફેર પડવાનો નથી. આ તો બધા પેટ ભરવા માટે ઊભા કરેલા પ્રપંચો છે. કેવી નિર્ભિક્તાથી આ વાત કરી છે કારણ કે તેમાં અનુભૂતિનો રણકો છે ચાલો એ જ કાવ્ય વાંચીએ.
જ્યાં લગી આતમતત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી.
શું થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી ? શું થયું ઘેર રહી દાન દીધે ?
શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે ? શું થયું વાળ લુંચન કીધે ?
શું થયું જપ-તપ-તીરથ કીધા થકી ? શું થયું માળા ગ્રહી નામ લીધે ?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી ? શું થયું ગંગાજળ-પાન કીધે ?
શું થયું વેદ-વ્યાકરણ વાણી વદી ? શું થયું રાગ ને રંગ માણ્યે ?
શું થયું ખટદર્શન ભેદ સેવ્યા થકી ? શું થયું વરણના ભેદ આણ્યે ?
એ છે પરંપરા સહુ પેટ ભરવા તણા, જ્યાંહાં લગી પરિબ્રહ્મ ન જોયો,
ભણે નરસૈંયો : તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો.