આવું હોઈ શકે છે! .
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- નદી જ જાણતી હોય છે કે દરિયાના પ્રેમનો પ્રભાવ એ શું ચીજ છે
તડકો અને ચાંદની બધે સરખા જ વરસે : કુદરતનો આ સ્વભાવ એટલે ગઝલ...
ચાહતનો આર્તભાવ, ગઝલ હોઈ શકે છે,
સૃષ્ટિનો આ બનાવ, ગઝલ હોઈ શકે છે!
સદીઓથી શૂળી પર હજી ગુંજે છે અનલહક,
ભીતરનો આ લગાવ, ગઝલ હોઈ શકે છે !
દર્શનની પ્યાસી આંખડી સોમલ પચાવી ગઈ,
મીરાંનો ભક્તિભાવ ગઝલ હોઈ શકે છે !
અંતરના આંગણે બધા સંપીને રહે છે,
જન્મો નો આ પડાવ ગઝલ હોઈ શકે છે !
વેરાય સરખે ભાગે, બધે તડકો - ચાંદની,
કુદરતનો આ સ્વભાવ ગઝલ હોઈ શકે છે !
ઊગીને આથમી જવું, છે બાજીગરનો ખેલ,
જીવન મરણનો દાવ, ગઝલ હોઈ શકે છે !
અમૃત વહીને અંતે ખારાશને મળે છે,
આ સ્નેહનો પ્રભાવ, ગઝલ હોઈ શકે છે !
રણમાં રડે છે કોણ ખજૂરીના છાંયડે ?
અંજુમ કદમ ઉઠાવ, ગઝલ હોઈ શકે છે !
- અંજુમ ઉઝયાન્વી.
ગુજરાતી ગઝલને તેના આરંભકાળથી નામી-અનામી ગઝલકારોએ ધબકતી રાખી છે. વિકસતી રાખી છે. ગુજરાતી ગઝલના ગગનમાં અસંખ્ય તેજસ્વી સિતારાઓ છે. ઘણાં ઓળખાયા છે ઘણાં ઓળખાયા વગર જ અસ્ત પામ્યા છે. અંજુમ ઉઝયાન્વીની જન્મભૂમિ રાજકોટ-પરંતુ અનેક શહેરો, અનેક ગામ સમજણા થયા ત્યારથી જોતા આવ્યા. તેમના શબ્દોમાં કહીએ તો, ''સંજોગોએ વિવિધ શહેર-નગરનાં રસ્તાઓ પર મને ચલાવ્યો, હંફાવ્યો, અને અનેક રસ્તાઓથી પરિચિત પણ કરાવ્યો. સદ્દભાગ્યે રાજકોટ, જામનગર, ભાવનગર, કોસંબા, ભરૂચ, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, વાંકાનેરનાં સર્જકમિત્રોની સૌજન્યતાએ મને આકંદ મૈત્રીરસ પીવડાવી મારી સર્જન પ્રવૃત્તિને ધબકતી રાખી છે, રખાવી છે.''
૧૯૮૩માં આદરણીયશ્રી તખ્તસિંહજી પરમાર સાહેબની ઝીણી નજરે માણવા જેવી સર્જાયેલી આ ગઝલ અંજુમભાઈની શાયર તરીકેની ઓળખ આપવા માટે પૂરતી છે. પ્રેમનો પોકાર જ ગઝલ બનતો હોય છે. સૃષ્ટિમાં જ્યારે-જ્યારે હ્ય્દયની આરપાર નીકળી જઈ શકે તેવો પ્રેમનો પોકાર પડે છે ત્યારે-ત્યારે ગઝલ સર્જાય જ છે. મનસૂરને હું ખુદા છે આટલું, આ વાત કહેવા માટે જ શૂળી ઉપર ચડી જવું પડયું હતું પણ ભીતરની આ લગન એ જ ગઝલ છે. મીરાબાઈને દર્શનની તરસ કેવી હશે કે એ તરસી આંખો સોમલ જેવું ઝેર પચાવી ગઈ. ભીતરનો આ ભક્તિભાવ એ ગઝલ હોઈ શકે છે. હ્ય્દયના આંગણામાં બધાં જ સંપીને સાથે રહી શકતા હોય છે. ઘરમાં ભલે થોડાક જ માંઈ શકતા હોય પરંતુ હ્ય્દય એવું વિશાળ છે કે જેમાં જન્મોજન્મના સંબંધો સચવાયેલા રહે છે. માણસ તો જન્મો જન્મનો યાત્રી છે. જે હ્ય્દયમાં વિસામો લે છે એ વિસામાની ક્ષણો ગઝલ બની જાય છે.
વરસાદ ક્યાંક વધતો-ઓછો પડી શકે પરંતુ સૂર્યનો તડકો અને ચંદ્રની ચાંદની દરેક સ્થળે એકસરખા જ વરસતા હોય છે. ઝૂંપડું હોય કે મહેલ તડકો કે ચાંદની વધારે પડતી કંજૂસાઈ કે વધારે પડતી ઉદારતા ક્યાંય દાખવતા નથી સમ દ્રષ્ટિવાળો કુદરતનો આ સ્વભાવ એ ગઝલ જ છે. જે જન્મ્યું છે એ મૃત્યુ પામવાનું જ છે, જે ઊગ્યું છે એ આથમી જવાનું જ છે. આ એક બહુ મોટા જાદુગરનો ખેલ છે. જીવન અને મૃત્યુનો આ દાવ એટલે જ ગઝલ. મીઠ્ઠી નદી ધસમસતી ખારા દરિયાને મળીને ખારી બની જાય છે. પોતાનું નામ પણ ભૂંસી નાંખે છે. નદી જ જાણતી હોય છે કે દરિયાના પ્રેમનો પ્રભાવ એ શું ચીજ છે. પ્રેમનો આ પ્રભાવ એ જ ગઝલ બની જાય છે. સળગતા રણમાં માત્ર ખજૂરીના છાંયડે બેસીને આ કોણ રડતું હશે ? ભવરણમાં અંજુમ સાહેબ આ પ્રશ્ન પૂછે છે અને પછી પોતે જ જવાબ આપે છે અંજુમ ! જલ્દી કદમ ઉપાડ. એ ગઝલ જ હોઈ શકે છે.
ગઝલ વિશેની તેમની સમજ અહીં મૂકવાનું મન થઈ આવે છે. ગઝલની ભાવસૃષ્ટિનાં આંતર ભાવસૌંદર્ય - માધુર્ય નિખારવા તખપ્યુલ (વિચારત્વ) તગઝઝુલ (રંગત્વ) તસવ્વુર (કલ્પનાત્મ) અને તસવ્વુફ (અધ્યાત્મ ગુઢતત્વ) આવશ્યક છે. આ બધા રસાંકનો કવિ-ગઝલકારની વૈચારિક પરિપકવતા અને સર્જન કસબમાંથી નિપજે છે. જે તે રસતત્વની ભાવનુભૂતિની અર્થસભર ચોટદાર અભિવ્યક્તિ અને સરળ શબ્દોની ગૂંથણી ગઝલનાં કાવ્યતત્વને નિખારે છે, એ જ ગઝલનો મિજાજ ગણાય છે તેમજ સરળ અને ભાવત્મક લેખન શૈલી કવિ-ગઝલકારના મિજાજને પણ ઉજાગર કરે છે. વિવિધ વિષયી રસતત્વોથી ગઝલની ભાવસૃષ્ટિ નિખારી શકાય પરંતુ વરસોથી ગઝલાંકન માટે મુખ્ય ત્રણ રસાંકનો, પ્રણયરંગ, વિષાદી રંગ અને આધ્યત્મ રંગનાં ભાવાંકનો સર્જક અને સર્જન સ્વભાવને ખૂબ આકર્ષે છે હેંયાની સંચેતના, સંવેદનાને આ ત્રણેય રસતત્વો જ પસંદ છે, એને પણ સંચેતના-સંવેદનાનો મિજાજ કહી શકાય.
મમતાના ગેબી હાથ દુઆ આપશે તને,
ઘરમાં ધબકતી માની છબીને સલામ કર.
માતા-પિતાં હયાત ના હોય તેનો અર્થ એ નથી કે તેમની છત્ર-છાયા આપણા ઉપર રહી નથી. એમના મઢાવીને રાખેલા ફોટામાં પણ તેઓ ધબકતા હોય છે. મમતાના અદ્રશ્ય હાથ દ્વારા સતત રક્ષા કરે છે. સતત આશિર્વાદ આપતા જ રહે છે.