Get The App

એક જ્યોત પ્રગટી અને વર્ષો જૂનો અંધાર ચાલ્યો ગયો...

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
એક જ્યોત પ્રગટી અને વર્ષો જૂનો અંધાર ચાલ્યો ગયો... 1 - image


- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- આપણો અંધકાર પણ જૂનો છે. ગઝલો મારી આત્મકથાના પાના છે.

પ્રગટી જ્યોત જ્યાં

ના રહ્યો વર્ષો જૂનો અંધાર પ્રગટી જ્યોત જ્યાં,

થઈ ગયું ઘર તેજનો અંબાર પ્રગટી જ્યોત જ્યાં

એક સરખો છે બધે ધબકાર  પ્રગટી જ્યોત જ્યાં,

દેહમાં હું દેહનીયે બ્હાર પ્રગટી જ્યોત જ્યાં.

તેલની માફક પુરાતું જાય છે કેવળ સ્મરણ,

માત્ર અજવાળું જ અપરંપાર પ્રગટી જ્યોત જ્યાં

અણસમજમાં કેટલા આભાસ અંધારે રચ્યા,

ના કશું આ પાર કે ઓ પાર પ્રગટી જ્યોત જ્યાં

વસ્ત્ર જુદાં લાગતાં'તાં સ્પર્શની સીમા થકી,

તેં વણેલા જોઉં સઘળા તાર પ્રગટી જ્યોત જ્યાં.

તું ઝલકતી સર્વ રૂપે છે સ્વયમ્ સૃષ્ટિ જ તું,

શોધવો ક્યાં જઈ હવે સંસાર પ્રગટી જ્યોત જ્યાં

પૂર કેવાં ઊમટયાં સઘળું તણાયાની મઝા,

ક્યાં હવે એ ગ્રંથ કે એ સાર પ્રગટી જ્યોત જ્યાં.

કોઈ મારાથી અલગ ના, હું અલગ ના કોઈથી

થઈ ગયું કૈં એમ એકાએક પ્રગટી જ્યોત જ્યાં,

બીન બાતી બીન તેલ... આપણી અંદર એક એવું કોડિયું પ્રગટી રહ્યું છે જેને વાટ પણ નથી અને તેલ પણ નથી. એને આત્મા કહો, ચૈતન્ય કહો, પરમાત્મા કહો, જ્યોત કહો કંઈ પણ કહો. પણ એ અજવાળું સદ્ગુરૂની કૃપાએ આપણને દેખાવાની શરૂઆત થાય છે. આ ગઝલના મૂળમાં કંઈ એ જ છે

પુનરપિ જનમમ્ પુનરપિ મરણમ્

પુનરપિ જનનિ જઠરે શયનમ્

આપણે અનેકવાર જન્મ્યા છીએ, અનેકવાર મૃત્યુ પામ્યા છીએ, અનેકવાર ગર્ભસ્થ થયા છીએ. સિતાંશુ યશચન્દ્રજીની બે પંક્તિઓ મને ખૂબ ગમે છે. મનુષ્ય અને પ્રાણીમાં કોઈ ફરક જ નથી જો માંહ્યલો જાગે નહીં તો.

ફરે, ચરે, રતિ કરે

ગર્ભને ધરે, અવતરે, મરે

જાણે મનુષ્ય જીવન આખું આ શબ્દમાં સમાઈ ગયું છે. સંસારચક્ર આ જ છે. આથી વિશેષ કંઈ જ નથી. ભલે ફરે તે ચરે એ કહેવાતું હોય પરંતુ ફરવું અને મરવું એ તો પ્રાણી માત્રની ક્રિયા છે. વાસનાને કારણે રતિસુખ માણે, બાળકો ઉત્પન્ન થાય અને ફરી પાછા એ જન્મીને મૃત્યુ પામે. આપણા આત્મા જેટલો જ આપણો અંધકાર પણ જૂનો છે. ગઝલો મારી આત્મકથાના પાના છે.

એક જ્યોત પ્રગટી અને કેવી કમાલ થઈ ગઈ ! વર્ષો જૂનો અંધકાર હતો એ એક ક્ષણમાં ગાયબ થઈ ગયો. એમ લાગતું હતું કે વર્ષો જૂનો અંધકાર દૂર થઈ ગયો. મારું અંધારિયું ઘર તેજનો ઢગલો થઈ ગયો. પહેલા હું દેહમાં રહેતો'તો. પહેલા હું શરીર છું એમ માનતો હતો. હવે હું મને દેહમાં અને દેહની બ્હાર બધે જ લાગું છું. એકસરખો બ્હાર અને અંદર, શ્વાસ લેતો અને ધબકતો લાગું છું. આ ફૂલ, આ પક્ષીઓ, આ નદીઓ મારાથી જરાય જુદા નથી. અને એ બધું જ સમેટાઈને મારી ભીતર ચિદાકાશરૂપે રહ્યું છે.

પ્રત્યેક પાસે એનું સ્મરણ ચાલી રહ્યું છે. અને એ સ્મરણ જ તેલ બની ગયું છે. શ્વાસ અને ઉચ્છ્વાસે ચાલતું આ સ્મરણ અપરંપાર અજવાળું ફેલાવી રહ્યું છે. હું અણસમજું હતો, અજ્ઞાની હતો અને એ અજ્ઞાનમાં અને અણસમજમાં મેં કેટલા આભાસો રચ્યા. માની લીધું કે આ પાર જેવું કશુંક છે અને પેલી પાર જવું પણ કશુંક છે. પણ જેવી જ્યોત પ્રગટી કે તરત ખ્યાલ આવી ગયો કે આ પાર કે ઓ પાર જેવું કશું જ નથી. દરેકને સ્પર્શ કરતો હતો અને સ્પર્શની સીમા સુધી જ આ રેશમી વસ્ત્ર છે, આ સુતરાઈ વસ્ત્ર છે, આ કિંમતી વસ્ત્ર છે, આ સસ્તું વસ્ત્ર છે એવા ભેદભાવ હતા. પણ ગુરૂકૃપાએ આ કેવી જ્યોત પ્રગટી કે એના અજવાળામાં સ્પષ્ટ દેખાઈ ગયું છે કે આ એક-એક વસ્ત્રને વણનારો તો મારો રામ છે. હે ઈશ્વર ! તારે તાર તો તારા છે. હવે તો બધુંય સરખું લાગે છે.

માતાજીનો ઉપાસક છું અને એટલે જ સર્વ દેવી મયમ્ જગત અને એટલે જ આ આખું જગત પરાશક્તિથી જ સ્પંદિત જણાય છે. હવે તો વૈજ્ઞાનિકો પણ માને છે કે દરેક પદાર્થ પણ શક્તિનું જ રૂપાંતરણ છે. હે મા ! હે જગદંબા ! પ્રત્યેક રૂપમાં તું જ ઝળકી રહી છે. આ સમગ્ર સૃષ્ટિ તું છે. પેલો વ્યર્થ લાગતો'તો એ સંસાર ક્યાં શોધવા જવું ?

સ્ત્રષ્ટા અને સૃષ્ટિ બે અલગ નથી જ. અજવાળાના પૂર કંઈ એવા ઉમટયા છે કે સારું નરસું બધુંય તણાઈ ગયું. હવે કોઈ પ્રમાણ અને પૂરાવાઓ શોધવાની જરૂર નથી રહી. ગ્રંથ અને તેના સાર બધુંય તણાઈ ગયું. ગુરૂકૃપાએ જ્યાં જ્યોત પ્રગટી ત્યાં. કોઈ વૃક્ષમાં ખીલી મારે છે ને તો એનુંય મને દુઃખ થાય છે. કોઈ મને મારાથી અલગ નથી લાગતું. અને હું પણ મને કોઈનાથી અલગ જણાતો નથી. જ્યોતની આ કેવી કમાલ થઈ કે બધુંય એકાકાર થઈ ગયું છે. કોણ પોતાનું અને કોણ પરાયું ? એક જ્યોતના અજવાળે અનેક જન્મો તરી ગયા.

''પ્રગટી જ્યોત જ્યાં'' આ ગઝલ એક લસરકે પૂરી થઈ અને થોડા દિવસો પછી યાદ આવી એક અગાઉ લખેલી ગઝલ. આ જ્યોત જ્યાં સુધી પ્રગટી નથી હોતી, દ્રષ્ટિ મળી નથી હોતી ત્યાં સુધી માણસ કયાં-કયાં અને કેવો ભટકતો હોય છે. સંસારના દુઃખ માણસને ક્યાંનો ક્યાં ધકેલી દે છે. બેફામ સાહેબનો શેર યાદ આવે.

જગ સત્ય નથી સાચે જ હવે સાચે જ એ માયા લાગે છે,

ગઈકાલ હતા જે પોતાના એ આજ પરાયા લાગે છે.

પોતાના અને પરાયાનો ભેદ એટલે સંસાર. જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી સંસારના દુઃખ વારંવાર સતાવે છે. આપણામાં વિવેક હોય તો આપણે ધીરજ રાખીને ઈશ્વરનું સ્મરણ કરીએ છીએ. અને કાં તો પછી દુઃખ પડે ત્યારે, કશું સૂઝે નહીં ત્યારે ભાગ્યમાં શું લખેલું છે એ જાણવા માટે પ્રારબ્ધની દુનિયામાં, જ્યોતિષ અને હસ્તરેખાની દુનિયા તરફ જઈ ચઢે છે.


Google NewsGoogle News