શ્વાસ એટલે જ જીવન નહીં... જીવન તો જુદી અવસ્થા છે...
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- દીવાને તેલ મળે છતાંયે એ ઝળહળતો ન હોય એ કેવી લાચારી? એ કેવી પરવશતા?
સાંકળતો નથી
આપની પાની ઉપર આજે જ કાં અળતો નથી ?
રંગ તૂટેલા હૃદયનો રોજ કૈં મળતો નથી !
દુશ્મનોની સૌ શિખામણ સાંભળું છું ધ્યાનથી,
વાત હું ક્યારેય મારા દિલની સાંભળતો નથી.
દર્દ એનાં પ્રેમનાં એ ભેટ દઈ દે છે મને,
હું કદી સામે જઈને એમને મળતો નથી.
શ્વાસ તો ચાલી રહ્યા છે, હા, જુદાઈ-કાળમાં,
તેલ મળતું હોય છે પણ દીપ ઝળહળતો નથી
દિલની ધડકન એકધારી કેમ વધતી જાય છે ?
એમની કંઈ ભાળ કાઢો - આજ વિહ્વળ તો નથી ?
કેમ એકલતા મને પીડી રહે છે શું કહું ?
એમ લાગે છે કે દુનિયાથી હું આગળ તો નથી ?
હું બહુ બદનામ છું, 'મનહર' ખબર છે એટલે,
એમને હું મુજ કથામાં ક્યાંય સાંકળતો નથી.
- મનહર ચોક્સી
સૂરતમાં ગઝલને અને ગઝલ પ્રવૃત્તિને સાંકળતા જે થોડાંક નામો હતા તેમાંનું એક નામ મારી દ્રષ્ટિએ મનહરલાલ ચોકસી 'મનહર'. સૂરતમાં ગની દહીંવાલા પછી જેને તરત મળવાનું થયું એ મનહર ચોક્સી ગુજરાતી ગઝલકારોની એક વિશેષતા એ પણ રહી છે કે ગઝલ સિવાય નવલકથામાં પણ સફળતાથી ખેડાણ કરી શક્યા છે. મનહરભાઈના વાર્તાસંગ્રહો અને નવલકથાઓ એક સમયે વાંચ્યાનું યાદ છે.
હે પ્રેમી ! તારા પક્ષમાં છે
એકલું હૃદય,
સૌંદર્ય ! તારા પક્ષમાં દુનિયા સમસ્ત છે.
***
હું એકાંતે બધી ફરિયાદની યાદી કરી લઉં છું,
મળો છો આપ ત્યારે બોલવું મુશ્કેલ લાગે છે.
આ બંને શેર મારી અંગત ડાયરીમાં વર્ષો પહેલા લખ્યા હતા તે યાદ છે. પ્રેમના પક્ષમાં માત્ર અને માત્ર એકલું હૃદય જ હોય છે. જ્યારે રૂપના પક્ષમાં આખી દુનિયા ઉભેલી હોય છે. આ અનુભવ પ્રત્યેક વ્યક્તિનો રહેલો હશે કે પ્રિય પાત્ર જ્યારે પાસે નથી હોતું ત્યારે તેને કઈ-કઈ ફરિયાદ કરવી છે એ મનમાં ઘૂંટાતી હોય છે. અરે મનોમન એ ફરિયાદોનું એક મોટું લીસ્ટ પણ બનાવી દીધું હોય છે પણ એ જ પ્રિય પાત્ર જ્યારે રૂબરૂ મળે છે ત્યારે ન જાણે કેમ પણ કશું જ બોલી નથી શકાતું. બોલવું મૂશ્કેલ લાગે છે.
અળતો લગાવવો એ એક જમાનામાં બહેનોને માટે સામાન્ય હતું. કોમન હતું. વળી સૂરત બાજુ તો એ પરંપરા પણ ખરી. પણ પગની પાની ઉપર કંઈ અળતો એમનિમ આવતો નથી. હૃદય જે તૂટયું હોય છે એનો જે રંગ હોય છે એ રંગ અળતો બની ગયો હોય છે. દુશ્મનોની શિખામણ પણ જે ધ્યાનથી કાળજીથી સાંભળતો હોય એ માણસ પોતાના હૃદયની વાત તો કેટલી કાળજીથી સાંભળતો હશે ? પણ ના એવું નવી દુશ્મનને માટે પણ હૃદયમાં માન ધરાવનાર આ કવિ જાણે છે કે હૃદયનું બધું જ સાંભળવા જેવું નથી.
શ્વાસ તો ચાલી રહ્યા છે, હા, જુદાઈ-કાળમાં,
તેલ મળતું હોય છે પણ દીપ ઝળહળતો નથી.
દીવાને તેલ મળે છતાંયે એ ઝળહળતો ન હોય એ કેવી લાચારી ? એ કેવી પરવશતા ? તેલ હોય છતાં દીવો નિસ્તેજ બળતો લાગે એનું એક માત્ર કારણ તો એટલું જ હોય કે પ્રિય પાત્ર પાસે નથી. જુદાઈના સમયમાં શ્વાસ ચાલી રહ્યા હોય છે પણ જીંદગી જીવાતી નથી હોતી. માત્ર શ્વાસ લેવાતા હોય એનું નામ જીવન નથી. ભલે કોઈ વ્યકિત દૂર હોય પણ એના સુખ-દુ:ખ, પ્રત્યેકના પડઘા, પ્રત્યેક સ્પંદન દૂર રહેલું બીજું હૃદય ઝીલતું હોય છે. અનુભવતું હોય છે. બેફામનો શેર યાદ આવે છે.
આજે નથી પસાર થતો મારો આ દિવસ,
કારણ તમારે આંગણે ઉત્સવ હશે કદાચ.
ગઝલમાં આ અને આવા ભાવો બહુ સામાન્ય વાત છે પરંતુ જ્યારે કવિ એમ કહે છે કે મારા દિલના ધબકારા કેમ સતત વધી રહ્યા છે. કોઈ તપાસ કરો, કોઈ ભાળ કરો. ક્યાંક એ આજે વિહવળ તો નથી ને ? પ્રિય પાત્રની વિહ્વળતા દૂર જુદાઈમાં ઝૂરતું હૃદય અનુભવી શકે એ પ્રેમ.
એકલતા માત્ર બે જ વ્યક્તિને પીડી શકે છે. એક જે દુનિયાથી વિમુખ થઈ ગયો હોય તે અને બીજો જે દુનિયાથી ઉન્મુખ હોય તે. ઉદાસીનતામાં એકલતા પીડતી હોય છે. કારણ કે ત્યારે એમ લાગે છે કે દુનિયા આગળ નીકળી ગઈ છે અને હું પાછળ રહી ગયો છું. પણ એક બીજી અવસ્થામાં પણ એકલતા પીડતી હોય છે અને એ અવસ્થામાં એ વ્યક્તિ પોતે દુનિયાથી આગળ નીકળી ગઈ હોય છે. પ્રત્યેક સર્જક કોઈ પ્રિય પાત્રને જ ઉદ્દેશીને લખતો હોય છે. પણ ક્યારેક એ પાત્રનું નામ પ્રગટ થવા નથી દેતો. મરીજ સાહેબનો શેર છે :
જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા,
ગઝલમાં જો આવ્યા તો નામે ના આવ્યા
અહીં મનહરભાઈ તો કહે છે હું એટલો બધો બદનામ છું એટલે તો મારી કથામાં તારા નામને કયાય સાંકળતો નથી. મનહરભાઈએ ગુજરાતીમાં અને ઉર્દૂમાં બંનેમાં ગઝલો લખી છે. ઉર્દૂ લિપિ આવડતી નહોતી એટલે તેઓ ઉર્દૂ ગઝલ નાગરીલિપિમાં લખતાતા જ્યારે મરીઝ ગુજરાતી ગઝલ ઉર્દૂ લિપિમાં લખતા હતા.