ઉપવને આગમન .
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- ઉપવનમાં પોતાનું પ્રિય પાત્ર આવ્યું છે અને એના આગમનની સાથે એક જ ક્ષણમાં ચારે તરફ કેટલા બધા પરિવર્તન થઈ ગયા!
તમારા અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
શરમનો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર થૈ ગઈ છે.
બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થૈ ગઈ છે.
હરીફો ય મેદાન છોડી ગયા છે
નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત-કોમળ ગુલાબોની કાયા
ભ્રમર-ડંખથી બેફિકર થૈ ગઈ છે.
પરિમલની સાથે ગળે હાથ નાખી-
કરે છે અનિલ છેડતી કૂંપળોની
ગજબની ઘડી છે કે પ્રત્યેક વસ્તુ,
પુરાણા મલાજાથી પર થૈ ગઈ છે.
ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઉઠે કે,
વિધાતાથી કોઈ કસર થૈ ગઈ છે.
'ગની કલ્પનાનું જગત પણ છે કેવું,
કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણીવાર આ જર્જરિત જગમાં રહીને
ધણી જન્નતોમાં સફર થૈ ગઈ છે.
- ગની દહીંવાલા
૧૯૭૦ના ઓક્ટોબર માહિનાની ૨૩ મી તારીખે ઇડર ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાાનસત્રમાં મીઠ્ઠા અવાજે જીવનની પહેલી ગઝલ ગની ભાઈના કંઠે આ સાંભળ્યાનું યાદ છે. પ્રિય પાત્રનું બાગમાં આગમન થાય અને સમગ્ર બગીચામાં કેવા-કેવા સુંદર દ્રશ્યો સર્જાય છે. આખો બગીચો કેવો બદલાઈ જાય છે ! તેનું નિરૂપણ ગનીભાઈએ એવું અદ્ભૂત કર્યું છે કે સમગ્ર ગઝલ ફરી ફરી વાંચવી ગમે.
બગીચામાં ઉપવનમાં પોતાનું પ્રિય પાત્ર આવ્યું છે અને એના આગમનની સાથે એક જ ક્ષણમાં ચારે તરફ કેટલા બધા પરિવર્તન થઈ ગયા ! તમારા પગલાં આજે ચમનમાં થવાના છે એની ખબર જાણે બધાને થઈ ગઈ છે. ખરેખર તો બગીચાની અંદર ફુલો એટલા બધા ખીલ્યા છે કે ડાળીઓ ઝૂકી ગઈ છે. પરંતુ કવિ કહે છે બધી ડાળીઓએ ગરદન ઝૂંકાવી દીધી છે અને ફૂલોની ય જાણે શરમાઈને નીચી નજર થઈ ગઈ છે.
આપણને બંનેને આ બગીચામાં સાથે જોવા એ કેવી સુંદર ઘટના હશે કે શરમનો ડોળ કરીને ઉઘડું-ઉઘડું થતી કળીઓ પાંદડીઓના પડદામાં રહીને બધું જોઈ રહી છે. ખરું જો કહું તો તમારી આંખોની જ, તમારી નજરની જ બધે અસર થઈ છે. સવારમાં પડેલું ઝાકળ એ ઝાકળ નથી. એ તો રાતોની રાતો જાગીને લોહીનું પાણી કરીને મોતીની પથારી સવારે તમારે માટે પાથરી છે. તમે આવ્યા છો અને જાણે ચમનની યુવાની પ્રત્યેક સાધનથી સભર થઈ ગઈ છે. જે હરિફો હતા એ મેદાન છોડી ગયા છે માત્ર તમારા નયનની કીકી જોઈને જ. ગુલાબોની મહેકતી કોમળ કાયા તમારી એક નજરને કારણે જ ભ્રમરના ડંખથી બેફિકર થઈ ગઈ છે.
હવે કલ્પના કરીએ કે બે યુવાન છોકરાઓ એકબીજાના ગળામાં હાથ નાંખીને કોઈક યુવતીની મશ્કરી કરી રહ્યા છે. બધી જ મર્યાદાઓ મૂકીને જાણે વાતાવરણ પ્રેમમય થઈ ગયું છે. પરિમલ એટલે કે સુગંધ. પરિમલના ગળે હાથ નાંખીને પવન એવી રીતે વહી રહ્યો છે કે કૂંપળ ધીમે-ધીમે હલ્યા કરે છે જાણે કૂંપળોની છેડતી થઈ રહી છે. આ કેવી ક્ષણો છે કે બધી જ પરંપરાઓ છોડીને પ્રત્યેક વસ્તુ પોતાના અસલ મિજાજમાં પ્રગટી રહી છે. તમારી હાજરીથી આખોય બગીચો કોઈ ઉત્તમ ચિત્રકારનું સંપૂર્ણ ચિત્ર હોય એમ લાગ્યા કરે છે. આમ તો વિધાતા ક્યારેય કોઈ ભૂલ કરતી નથી હોતી પણ તમે જો અહીં ઉપસ્થિત થયા ના હોત તો બધાને એમ લાગત કે વિધાતાથી પણ કોઈ ભૂલ થઈ ગઈ છે.
સમગ્ર કવિતાની મજા આ અંતિમ શેરમાં છે. આવું કશું જ બહારના જગતમાં બન્યું જ નથી. આ તો જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ અને એટલે જ ગનીચાચા કહે છે, કે આ કલ્પનાનું જગત પણ કેવું છે કે મને મારી જ ઇર્ષ્યા આવતી હોય છે. દુ:ખોથી ભરેલા આ જર્જરિત જગતમાં રહું છું. છતાં પણ હોઉં છું છતાં પણ ઘણી જન્નતોમાં સફર થઈ જતી હોય છે. અહીં આ ક્ષણે અદમ ટંકારવીની ગઝલ યાદ આવે છે. હવે પ્રિય પાત્ર કંઈ બગીચામાં મળવા આવતું નથી હોતું. એક જમાનામાં પ્રિયતમ અને પ્રિયતમા બગીચામાં મળતા હતા પણ હવે સમય બદલાયો છે.
બાગમાં ક્યાં હવે ફરે છે સનમ,
વેબસાઈટ ઉપર મળે છે સનમ.
ફલોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો,
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ.
મેમરીમાંય હું સચવાયો નહીં,
તું મને સેઇવ ક્યાં કરે છે સનમ.
ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ,
ડોટ થઈને તું ઝળહળે છે સનમ.
આ હથેળીના બ્લેન્ક બોર્ડ ઉપર,
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ.
ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઇ-મેઇલ મોક્લે છે સનમ
દિલની ધડકન છે સોફ્ટવેર હવે
એને ગ્રાફિક્માં ચીતરે છે સનમ.
લાગણી પ્રોગ્રામ થઈ ગઈ છે,
એન્ટર એક્ઝીટ ફક્ત કરે છે સનમ.
આંખ મારી આ થઈ ગઈ માઉસ,
કિંતુ વિન્ડો તો ક્યાં ખૂલે છે સનમ.