સંસ્મરણ હવે... .
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- જેની સતત ઝંખના કરી હોય, જેની પ્રતિક્ષામાં જીંદગી જીવાઈ હોય એ અચાનક મળી જાય તો?
પહોંચી ગયાં છે ઘર વગી વેરાન રણ હવે !
ચોપાસ ઝાંઝવાનું છે વાતાવરણ હવે !
બે આંખની ભિનાશ પિવાઈ ગઇ હવે,
ભડકે બળી રહ્યાં છે બધાં દ્રશ્ય પણ હવે !
ઉપસી શક્યાં ન ચિત્ર દીવાલો ઉપર કદી;
ધુમ્મસ બની ગયાં છે સકળ સંસ્મરણ હવે !
હું પણ નિહાળું તુંય નિહાળ્યા કરે મને;
કોઈ સંબંધની ન રહી સાંભરણ હવે !
બે ચાર શ્વાસ છે અને બે ચાર ક્ષણ હવે,
રહેશે નહીં પછી તો કોઈ આવરણ હવે !
- હરકિશન જોષી
તસવ્વુફ એટલે કે અધ્યાત્મિક ગૂઢ તત્ત્વ. એ ગઝલના ભાવવિશ્વનો એક મહત્ત્વનો ગુણ વિશેષ છે. ગુજરાતી ગઝલને તો અધ્યાત્મ ગળથૂથીમાં મળેલું છે. બાલાશંકર કંથારિયા બાલા ત્રિપુર સુંદરીના ઉપાસક પિતાના પુત્ર હતા અને આથી તેમનું નામ બાલાશંકર પાડવામાં આવ્યું હતું. બાલાશંકરની ગઝલોમાં સાકી, સૂરા, શબનમ નથી.શુધ્ધ અધ્યાત્મનો રંગ છે. બાલાશંકરથી આરંભાયેલી ગુજરાતી ગઝલને આજ સુધી ભીતરના પ્રવાસીઓએ પણ ખેડી છે. ૧૯૬૦થી તેમાં એક સર્જક પોતાની હોડી લઇને નીકળે છે અને ગઝલોનું સર્જન કરે છે તેમનું નામ છે હરકિશન જોષી. આ ક્ષણે લખી રહ્યો છું ત્યારે મને મારા જ એક પુસ્તકનું શિર્ષક યાદ આવી રહ્યું છે. 'હોડી સ્વયમ્ બની ગઇ જળ' ૧૯૬૦થી પોતાની હોડી લઇને નીકળેલા આ સર્જક ૨૫ કરતાં વધારે વર્ષ સુધી તો ગઝલના સ્વરૂપની કેવળ પ્રાર્થના અને ઉપાસનાના જ સંદર્ભે ઉપાસતા રહ્યા છે. પણ એક તબક્કો એવો આવ્યો કે પ્રાર્થના અને ઉપાસનાએ તેમના ચિત્તને તો પીગળાવી નાંખ્યું પરંતુ અનુભૂતિના શબ્દો પણ ઓગળવા લાગ્યા. મૌનની મહત્તા સમજાવા લાગી હતી. અને જાણે જૂન-૨૦૧૫ની આસપાસ આ જગતને મૌન થઇને જોવાની શરૂઆત કરે છે. તેમના આરંભના ગાળામાં લખાયેલી આ ગઝલ છે.
રણ ભૌગોલિક દ્રષ્ટિએ ચોક્કસ વિસ્તારો પૂરતા ભલે સિમિત હોય પરંતુ એક કવિની દ્રષ્ટિએ એક ઉપાસકની દ્રષ્ટિએ, જગતના અનુભવોમાંથી પસાર થનારની દ્રષ્ટિએ વેરાન રણ પ્રત્યેક શ્હેરમાં અને પ્રત્યેક ઘરમાં વિકસી ચૂક્યા હોય છે. બ્હારની બધી જ વસ્તુઓ ઝાંઝવા જેવી લાગે. નિરર્થક લાગે. તરસને ન છિપાવનારી લાગે તેવી સ્થિતિની આ ગઝલ છે. ઘણીવાર લાગ્યા કરે છે કે સંબંધ હોય કે સ્થૂળ જગતની ચીજવસ્તુઓ આ બધા જ રંગબેરંગી ઝાંઝવા જ છે. એક હદ સુધી આંખોમાં સ્નેહની ભીનાશ, પ્રેમની ભીનાશ ટકી રહેતી હોય છે. હવે તરસી આંખો એ પણ પી ચૂકી છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. હવે તો એ આંખેથી જે દ્રશ્યો જોવાઈ રહ્યા છે એ દ્રશ્યો ભીના નથી. ભડકે બળી રહેલા જાણે આગના પ્રસંગો છે.
કોઈ ગમતી યાદ કે સ્મરણોમાં જ્યારે આપણે ઘેરાયા હોઈએ ત્યારે એ સ્મરણ અને યાદ સાથે જ જોડાયેલા પ્રસંગો ચિત્રો ચારેતરફ દેખાવા લાગે છે. મન એ ચિત્રોને ઘૂંટી ઘૂંટીને એટલા ગાઢ બનાવે છે કે આસપાસનું વાસ્તવ જગત ઓગળી જાય છે અને તમામ આહારોમાં તમામ રૂપમાં એ સ્મરણો જ જીવંત બની ઉઠતા હોય છે. મનમાં ઘૂંટાયેલા સ્મરણો એમ લાગે છે કે ઘરની ચારે દિવાલો ઉપર એ દોરાઈ જશે. સ્પષ્ટ ઉપસી આવશે અને શક્ય છે કે જીવંત પણ બની જાય. પરંતુ ના આ ખેલ મનનો હોય છે. દિવસો વીતી જાય છે. વર્ષો વીતી જાય છે. ખુદ એ સ્મરણો જ ધુમ્મસ જેવા ઝાંખા બની જાય છે. મન સ્મરણોનો ખેલ સમજી ચૂક્યું હોય છે.
જેને ખૂબ ચાહ્યા હોય, કોઈ ખૂબ પરિચિત હોય, કોઈ ખૂબ જાણીતું હોય, જેની સતત ઝંખના કરી હોય, જેની પ્રતિક્ષામાં જીંદગી જીવાઈ હોય એ અચાનક મળી જાય તો ? એ અચાનક વર્ષો પછી મળી જાય અને કેટલું બધું બદલાઈ ગયું હોય છે કે એકબીજાને કોઈ ઓળખી જ ન શકે. ઘણીવાર એવું બને છે કે મ ન એક સમય પાસે અટકીને ઊભું હોય છે અને સમય તો સતત વીતી રહ્યો હોય છે. અનેક પ્રસંગોના અનેક ઘટનાઓના અનેક અનુભવોના થર ઉપર થર ચડતા જ જતા હોય છે અને બંને પાત્રોના મનમાં બંને વિશે યાદ રહી હોય છતાં સ્મૃતિ ચાલી ગઇ હોય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય ! કોઈ સંબંધની સાંભરણ જ રહી ના હોય. બેઉ એકબીજાને અવાક થઇને જોયા કરે અને છૂટા પડી જાય. આ કેવું મળવું કે જેમાં મળવાનું થાય જ નહીં.
છેલ્લા શેરમાં છેલ્લા બે ચાર શ્વાસ અને છેલ્લી બે ચાર ક્ષણની વાત કરવામાં આવી છે. દેહ છે ત્યાં સુધી આવરણ નડે છે. પણ આ વાત બહુ ઓછા વિરલા જાણી શકે છે. સમજી શકે છે. પરપોટો ફૂટયો ત્યાં પાણીનું પાણી... ઘડો ફૂટવાની સાથે જ અંદર બ્હાર બધું એકાકાર થઇ જાય છે. ઘડાનું અવકાશ તત્ત્વ અને બ્હારનું અવકાશ તત્ત્વ એક મેકમાં ભળી જાય છે. ઘડાનું પાણી અને સમંદરનું પાણી એક થઇ જાય છે. બધા જ પ્રશ્નો શ્વાસ સુધીના જ છે.
કદી આપવું જો ઘટે કિસન મને બે ગઝલ બસ આપજે,
બધું હારી જઈશ હું દાવમાં મારું મન જુગારી અઠંગ છે
હરકિશનભાઈએ બહુ ઓછા મક્તા લખ્યા છે. આ મક્તામાં તો એમણે સ્પષ્ટ કહ્યું છે કે હું આમેય અઠંગ જુગારી છું. જીંદગીભર બે ગઝલ માટે જે કિસન બધું હારી જવા તૈયાર છે તેમણે શબ્દની નિર્થકતા ઓળખી લીધી છે. કાવ્ય સર્જને જેના જીવનના પરિતાપને એક સમયે નિવાર્યા અને ભીતરની સ્થિતિને જાળવી રાખવા માટે સહાય કરી એ જ કાવ્ય સર્જનથી તેઓ જ્યારે વિમુક્ત થાય છે ત્યારે લખે છે જે લખવાનું હતું તે લખાઈ ગયું છે. જે કહેવાનું હતું તે કહેવાઈ ગયું છે હવે નવું કશું નિપજાવી શકાય તેમ નથી. તો નાહક સિંદરા ખેંચવા. એમ ખેંચવાથી તો પુનરાવર્તીત થવાનું છે બધું ઘણાં સર્જકો ટેવવશ લખ્યા કરતા હોય છે. સાવ વસૂકી ગયા હોય છે. અને છતાં લખવાનું છૂટતું જ નથી હોતું.