ગુજરાતી ગઝલની ભાષા બદલનાર કિસ્મત ધ્યેય વિનાનું જીવન શું કામનું?
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- દાન હંમેશા આપનારની ઈચ્છા પ્રમાણે મળતું હોય છે એમાં માગનારની ઈચ્છા જોવામાં આવતી નથી
મળ્યું નહીં
જીવન મળ્યું, પરંતુ ધ્યેય તે તણું મળ્યું નહીં,
મળ્યુ ઘણુંય દાન, થોડું માગણું મળ્યું નહીં!
રહે હૃદય તો શી રીતે ઝુલાવું એને શી રીતે ?
મળ્યું શિશુ પરંતુ હાય ! પારણું મળ્યું નહીં.
નિકુંજને અનેક દમતી ડમરીઓ મળી છતાં-
રે! ધૂળમાં મળેલ એનું પોયણું મળ્યું નહીં.
મળી નહીં કદી દિવસને માંદગીની કામળી,
નિશાને ધૂપછાંય કેરું ઓઢણું મળ્યું નહિ.
શિખર ચઢી હું લાવતે નયન વ્યથાની ઔષધિ,
ગિરિ નમાવનાર કિન્તુ કો' કણું મળ્યું નહિ.
પસીને ગ્રીષ્મ જો ઠરે, તો આહથી તપે શિશિર,
હૃદય-ચિતા શું ક્યાંય ઠંડુ તાપણું મળ્યું નહિ.
નથી જ આયુ-શિલ્પમાં કલાની કોઈ શક્યતા,
રતન-જડયું જો તીક્ષ્ણ દ્રષ્ટિ ઢાંકણું મળ્યું નહિ.
હતી બધે જ આલબેલ વણફળેલ આશની,
લૂંટારુ કાળને કો' રેઢું બારણું મળ્યું નહિ.
મળી મળીને પારકી જહાન એવી આ મળી,
કે જ્યાં કદીય, ક્યાંય કોઈ આપણું મળ્યું નહિ.
મિટાવી દેત હું જ મુજ નિશાન મારી ઠોકરે,
પરંતુ મુજ કબરને હાય! બારણું મળ્યું નહિ.
નચાવવા સ્વપ્રીતને મળ્યું ઘણુંય 'કિસ્મતે'
રે ! કિન્તુ કોઈ દિલનું સીધું આગણું મળ્યું નહિ.
- ''કિસ્મત'' કુરૈશી
ગુજરાતી ગઝલને ભાષાની દ્રષ્ટિએ પળોટનારાઓમાં એક મહત્વનું નામ એટલે કિસ્મત કુરેશી. આદરણીય તખ્તસિંહજી પરમાર જણાવે છે તે શબ્દો જોઈએ.
''ઈરાનનું ગુલાબ ગુજરાતની ધરતીને ભાવી ગયું, તેમ ઈરાની કાવ્ય પ્રકાર- ગઝલ ગુજરાતની ધરતીને ભાવી ગયો. ભારતની ગઝલોમાં ગુજરાતની ગઝલ વિશિષ્ટ ભાત પડે છે. મણિ-બાલ, કલાપી-સાગર, શયદાથી માંડીને આજ સુધીમાં બધાનું પ્રદાન મૂલ્યવંતું છે. પણ ફારસી-અરબી શબ્દોના અતિ સેવનથી ક્વચિત કૃત્રિમ મસ્તીથી, ક્વચિત રદીફ - કાફિયાની નવીનતા માત્રથી ગઝલપ્રેમીઓનું રંજન કરવાની વૃત્તિમાં ગુજરાતી ગઝલ સરતી જતી હતી તેમાંથી તેને મુક્ત કરનાર કવિઓમાં મારે મન કિસ્મત અગ્રગણ્ય છે. પરિચિત સંસ્કૃત તત્સમ શબ્દો કે સંસ્કૃત અને ફારસી - અરબી-જન્ય તદ્દભવ શબ્દોનો યથાસ્થાને પ્રયોગ, ગઝલોમાં પ્રયોજાતા છંદો પરનું પ્રભુત્વ, લઘુગુરૂની છૂટ લેવાની વૃત્તિનો અભાવ, શબ્દના લયની ઈશ્વરદત્ત સૂઝ - એ બધાંની સાથે કલ્પન અને ચિંતન અને તે પણ ઉપર છલ્લું નહિ, પણ સચ્ચાઈ અને પ્રભુ ભક્તિમાંથી, જીવન વિશેની સ્પષ્ટ સમજમાંથી, માનવ પ્રત્યેના સમભાવ અને વ્યથિત પ્રત્યેની સંવેદનામાંથી જન્મેલ ચિંતનના યોગથી એમની ગઝલો ગુજરાતી ગઝલોમાં અનેરી ભાત પાડે છે. શ્રી કિસ્મતની ગઝલો ગુજરાતી સાહિત્યની મોંઘેરી અનામત છે.''
- સરળ - સીધી ભાષામાં આ ગઝલમાં વાત કરવામાં આવી છે. આપણને જીવન તો મળ્યું છે પરંતુ એ જીવન માટે કોઈ ધ્યેય તો મળ્યું જ નથી. જાણે ધ્યેય વગરની જીંદગી જીવી નાંખીએ છીએ તેવું લાગે છે દાન તો જીવનમાં ખૂબ મળ્યા પણ જીવનમાં જે ઈચ્છા હતી, જેની માંગણી હતી એ વસ્તુ તો ના જ મળી. દાન હંમેશા આપનારની ઈચ્છા પ્રમાણે મળતું હોય છે એમાં માગનારની ઈચ્છા જોવામાં આવતી નથી આપણા જીવનમાં પણ એવું જ થયું છે ઘણું બધું મળ્યું છે માત્ર આપણને ઈચ્છા મુજબનું મળ્યું નથી.
હૃદય એકલું જ રહી જાય એ કેવી કમનસીબી, કોઈ પ્રેમ, કોઈ લાડ ના મળે તો એ હૃદયને ઝુલાવી કઈ રીતે શકાય ? જાણે કોઈને બાળક મળે પરંતુ એ બાળકને ઝુલાવવા માટે કોઈ પારણું જ ના મળે બગીચાને ધૂળની અનેક ડમરીઓ મળી જાય પરંતુ એ કેવું નસીબ કે ધૂળમાં મળી ગયેલું એનું ફૂલ એને પાછું ન મળ્યું. આ બધી કરામત માત્ર ભાગ્યની જ છે કે ક્યારે પણ દિવસને ચાંદનીની સુંદર કામળી ઓઢવા નથી મળતી અને રાત્રીને તડકા-છાંયા વાળી એટલે કે ધૂપ-છાંવ વાળી ઓઢણી નથી મળતી. જીવનમાં આપણી ઈચ્છા મુજબનું કશું જ નથી મળતું.
પરસેવાથી ઊનાળામાં ઠંડક મળે અને શિયાળામાં આહ ભરવાથી થોડીક હૂંફ મળે પરંતુ હૃદયની જે ચિતા સળગે છે એને તો કઈ ઠંડુ તાપણું મળ્યું જ નહીં. ઠંડુ તાપણું એ કવિની દ્રષ્ટિ છે. ઊનાળામાં પરસેવો અને શિયાળામાં આહ ઠંડા તાપણાનું કામ કરે છે. આયુષ્યનું શિલ્પ કઈ રીતે ઘડી શકાય ? કોઈની દ્રષ્ટિનું ટાંકણું જ એને ઘડનાર મળ્યું નહીં. મળી મળીને એવું જગત આ મળ્યું જ્યાં કદી કોઈ આપણું જ મળ્યું નહીં. કવિ તો પોતાના અસ્તિત્વને પણ મિટાવી નાંખવા માંગે છે. પરંતુ શું થાય ? જીવતે જીવત તો પોતાની કબરનું બારણું કોઈનેય દેખાતું નથી. મારે મારા પ્રેમને મારી પ્રીતને ક્યાંક નચાવવાની હતી પણ હે કિસ્મત ! હું શું કહું ? કોઈ આંગણું સીધું જ ના મળ્યું. કિસ્મતભાઈની આ ગઝલ સરળ છતાં સોંસરી ઊતરી જાય તેવી છે.