Get The App

આ વિરહની રાત છે, તારીખનું પાનું નથી...

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
આ વિરહની રાત છે, તારીખનું પાનું નથી... 1 - image


- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- પાછલી વખતે જે જખ્મો મળ્યા હતા એ કાંટાઓ દ્વારા નહીં ફૂલો દ્વારા મળ્યા હતા 

ઝાંઝવા છલકાય છે

ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,

એને રૂઝાયેલા જખ્મો યાદ આવી જાય છે.

કેટલો નજદીક છે આ દૂરનો સંબંધ પણ,

હું હસું છું એકલો - એ એકલાં શરમાય છે.

કોઈ જીવનમાં મરેલા માનવીને પૂછજો,

એક મૃત્યુ કેટલા મૃત્યુ નભાવી જાય છે.

પ્યાસ સાચી હોય તો મૃગજળને શરમાવું પડે,

હોય જો પીનાર તો ખુદ ઝાંઝવાં છલકાય છે.

આ વિરહની રાત છે - તારીખનું પાનું નથી,

અહીં દિવસ બદલાય છે તો આખો યુગ બદલાય છે.

એક પ્રણાલિકા નભાવું છું, લખું છું ''સૈફ'' હું,

બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જિવાય છે !

- સૈફ પાલનપુરી

શયદા, મરીઝ, શૂન્ય, ઘાયલ, બેફામનો સમયગાળો એટલે ગુજરાતી ગઝલના મુશાયરાનો સુવર્ણકાળ. ગુજરાતી ગઝલ લોકોના હૈયે અને હોઠે રમતી થઈ. શયદાએ ગઝલને ગુજરાતમાં ગુંજતી કરી. આ સમયગાળામાં ગુજરાતી ગઝલમાં સૈફુદીન ગુલામઅલી ખારાવાલા નામના એક છોકરાનું આગમન થાય છે. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતો આ યુવાન આરંભકાળમાં ઉર્દૂમાં ગઝલો લખતો હતો. અને તેમની પહેલી ઉર્દૂ ગઝલ કોલેજના 'કારવાને ઝેવિયર' માસિકમાં પ્રગટ થઈ હતી. આજ સમયગાળામાં આ યુવાનને ઓળખાણ થાય છે પોતાના પિતાના મિત્ર શયદા સાહેબની. શયદાની સાથેની ગુજરાતી ગઝલની અને શેરોની ચર્ચા કરતા કરતા આ યુવાનને ગુજરાતી શેરો-શાયરીનો એવો ચસ્કો લાગી ગયો કે વકીલ બનવાનું છોડીને ન્ન્મ્ નો અભ્યાસ છોડી દીધો. શયદા સાહેબ 'બે ઘડી મોજ' નામના તે સમયના એક ખૂબ જ લોકપ્રિય અઠવાડિકના માલિક અને તંત્રી હતા. તેમણે આ યુવાનને 'બઝમે શામેરી' નામની કોલમ સોંપી. જોત-જોતામાં આ કોલમ ખૂબ જાણીતી બની ગઈ. શયદા સાહેબની સાથે આપણા હાસ્ય લેખક જ્યોતિન્દ્રભાઈ દવેને તેઓ મળવા ગયા. જ્યોતીન્દ્ર દવે ત્યારે ઓરીએન્ટલ ટ્રાન્સલેટરની કચેરીના મુખ્ય અધિકારી હતા. શયદા સાહેબે પરિચય કરાવ્યો અને જ્યોતીન્દ્રભાઈએ કહ્યું, ''તો તમે સૈફ છો એમ. હું તમારી કોલમ નિયમિત વાંચું છું.'' જીંદગીના પહેલા વખાણે સૈફના જીવનમાં મોટો વળાંક આણ્યો.

સૈફ એક એવા શાયર છે જે ગઝલો લખવાની શરૂઆત કરે એ પહેલા સૈફ પાલનપુરી તખલ્લુસ એમને શૂન્ય પાલનપુરી દ્વારા સૂચવવામાં આવે છે. શૂન્ય સાહેબ તે દિવસોમાં પાલનપુરમાં અલ્લીખાં માસ્તરના નામે ખુબ લોકપ્રિય હતા એ 'રૂમાની'ના તખલ્લુસથી ઉર્દૂમાં ગઝલો લખતા હતા. પહેલા તખલ્લુસ રાખ્યું પછી શયદાની સાથે સૂરત મુશાયરામાં જવાનું થયું અને એ પછી બીજી વખત જ્યારે શયદા સાહેબે સૂચન કર્યું કે ગુજરાતીમાં ગઝલ લખ, તારા માટે અઘરું નથી ત્યારે મુશાયરામાં ભાગ લેવાની ક્ષણે સૈફ પાલનપુરી ગુજરાતીમાં પહેલી ગઝલ લખે છે. જીંદગીના આ પહેલા મુશાયરામાં પહેલી ગઝલ લખીને તેમણે જ્યારે ભાગ લીધો ત્યારે સૂરતના એ મુશાયરામાં અતિથિ વિશેષ તરીકે શ્રી ઝવેરચંદ મેઘાણી હતા. પ્રમુખ તરીકે શ્રી પંડિત ઓમકારનાથ હતા અને સંચાલન બેકાર સાહેબનું હતું. સૈફ એટલે તલવાર. પહેલા મુશાયરામાં સૈફ તલવારની જેમ રજૂ થયા.

મને દોસ્તોના અનુભવ ન પૂછો,

હવે દુશ્મનો પર ભરોસો કરું છું.

શૂન્યની દોસ્તીને નાતે તખલ્લુસ મળ્યું, શયદા સાહેબના પ્રોત્સાહને ગઝલ લખતો કર્યો અને બેકાર સાહેબના સૌજન્યને કારણે એક પણ ગઝલ છપાયા વિના પહેલા જ મુશાયરામાં જાણીતા ગઝલકાર બની ગયા.

જો કે મુશાયરાની એ સફળતા એમના મનમાં ટકી નહીં એ સારું થયું અને એ પછીના મોટાભાગના મુશાયરાઓમાં તેઓ નિષ્ફળ જ ગયા. મુશાયરાના સફળ સંચાલક એવા સૈફ પાલનપુરીનો પ્રારંભ કંઈક આમ થયો હતો. ક્યારેક...

છું ગઝલ સમ્રાટનો હું શિષ્ય સૈફ,

મારી ગઝલો પર મને અભિમાન છે.

આવા શેર દ્વારા મળેલી સફળતામાં એ જાણી જતા હતા કે આમાં શયદાના નામનો કેટલો જાદુ છે. ગુજરાતી ગઝલના મુશાયરાના સંચાલનમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખનાર સૈફ પાલનપુરી અજોડ નઝમકાર છે. તેમની ગઝલો પણ મને અંગત રીતે નઝમો કરતાં વધુ ચડિયાતી જણાઈ છે.

ફરીવાર ફૂલને સ્પર્શવા જઈએ અને દિલ ગભરાઈ જાય. કારણ કે પાછલી વખતે જે જખ્મો મળ્યા હતા એ કાંટાઓ દ્વારા નહીં ફૂલો દ્વારા મળ્યા હતા અને ેતે માંડ-માંડ રૂઝાયા હતા. બહુ દૂર રહેતા હોય એની સાથે કેટલો નજીકનો સંબંધ હોય છે. હું અહીં એમના વિચારોમાં એકલો-એકલો હસી પડું છું અને તે પણ ત્યાં મારા વિચારોમાં એકલા-એકલા શરમાય છે. માણસના જીવનમાં મૃત્યુ એક જ વખત આવે છે. પણ એ મૃત્યુ તો માત્ર ઔપચારિક્તા પૂરી કરવા આવ્યું હોય છે. જીવનના અનેક આઘાતોએ, જીવનના અનેક પ્રસંગોએ માણસને અંદરથી એવો મારી નાખ્યો હોય છે કે એ જીવતી લાશની જેમ જીવતો હોય છે. જીંદગીનું છેલ્લું મૃત્યુ જીવનના અનેક મૃત્યુઓને નભાવી જતું હોય છે.

તરસ એવી હોવી જોઈએ કે પાણીનો દેખાવ કરનારને પણ, આપણને તરસાવનારાને પણ અંદરથી શરમ આવી જાય કે આવા તરસ્યા અને તરસતા માણસને હું છેતરવાની કોશિશ કરું છું ? ગમે ત્યાંથી પોતે એ પાણીની વ્યવસ્થા કરે એવી પરિસ્થિતિ સર્જાવી જોઈએ. પ્રત્યેક પ્રેમી, પ્રત્યેક વિરહીને એક અનુભવ હંમેશા રહ્યો છે કે જુદાઈમાં એક-એક પળ યુગ જેવી જતી હોય છે. સંસારની અંદર દિવસ બદલાય એટલે તારીખીયાનું માત્ર એક પાનું બદલાતું હોય છે. પહેલા કેલેન્ડરમાં ત્રણસો પાંસઠ દિવસના તારીખના 

પાના આપતા હતા. દિવસ બદલાય એની સાથે એ પાનું ફાડી નાંખવામાં આવતું. સૈફ સાહેબ કહે છે આ વિરહની રાત છે તારીખનું પાનું નથી. અહીં દિવસ બદલાવાની સાથે તો આખો યુગ બદલાઈ જતો હોય છે. ગમે તેવો મહાન સર્જક હોયતેના સર્જનકાળનો એક સમયગાળો હોય છે. જે સર્જનકાળ પુરો થાય પછી માત્ર ટેવવશ લખતા હોય છે. ક્યારેક એ સમય પણ નથી રહ્યો હોતો કે ગઝલો જેવું જીવન જીવાતું હોય. કવિ એ તરફ ઈશારો કરે છે કે હવે ગઝલો જેવું જીવન જીવાતું નથી. સૈફની એક બીજી જાણીતી ગઝલ જોઈએ.

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,

હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.

આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો,

ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.

એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો'તો,

આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.

ગઈ કાલે અમસ્તા જ હું થોડુંક હસ્યો'તો,

આજે એ વિચાર આવતાં ગભરાઈ રહ્યો છે.

તારા લીધે લોકો હવે નિરખે છે મને પણ,

કાગળ છું હું કોરો એ વંચાઈ રહ્યો છે.

મારા વિશે હવે કોઈ ચર્ચા નથી કરતું,

આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું.

કહેવું છે ઘણું ''સૈફ'' અને કહી નથી શકતો,

શબ્દોની છે દીવાલ અને દફનાઈ રહ્યો છું.


Google NewsGoogle News