વાંકું પડે તો વ્હાલ ઓછું ન થાય, પ્રેમ વધુ સુંદર બને છે...
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પલાશનું ફૂલ વાંકું હોય છે અને એ વાંકું હોય છે એટલે જ વધારે સુંદરતા લાગે છે.
વાંકું પડે તો...
અમથી તે મુખ લિયો આડું
ને તોય તમે મ્હેકો તો શૂલ બને ફૂલ,
વાંકું પડે તો વ્હાલ ઓછું ના થાય
સખી, વાંકું પલાશ કેરં ફુલ.
હોઠોને બંધ તમે ફાગણ બાંધ્યો
ને કંઠ રૃંધાયો કોયલનો સૂર,
પાંપણ તે કેમ કરી બીડો કે
વાત બધી રેલાતી નજરોને પૂર !
આડું ચાલો તો ભલે, રણકે ઝાઝેરી
તો ય નમતી ઝાંઝર કેરી ઝૂલ...
ફોરમતી લ્હેર જેમ વગડે મળે તો
જરી અળગાં અજાણ થઈ રે'વું,
કડવાં તે વેણ બે'ક કાઢી વચાળ એક
મનગમતું આભ રચી લેવું.
એવી તે ભૂલ ભલી કીજે
ના જેનાં તે ઓછાં અંકાય કદી મૂલ...
વાંકું પડે તો વ્હાલ ઓછું ના થાય
સખી, વાંકું પલાશ કેરું ફૂલ
- ભીખુભાઈ કપોડિયા
ઘણાં કવિઓની કવિતા વાંચું ત્યારે તેમની સર્જક્તા માટે અહોભાવ જન્મતો. ભીખુ કપોડિયા તેમાંનું એક નામ. પ્રિય પાત્ર મોંઢું મચકોડે અને છતાંય જાણે મહેંકી ઊઠતા લાગે, શૂળ હોય એ પણ ફૂલ બની જાય એ કેવી સુંદર પરિસ્થિતિ ? અને પછી કહે છે કે વાંકું પડે તો બે વ્યક્તિઓ વચ્ચે વ્હાલ ઓછું નથી થતું હતોું ઊલટો પ્રેમ વધી જતો હોય છે. સંબંધોમાં વધારે સુંદરતા આવતી હોય છે. જેવી રીતે પલાશનું ફૂલ વાંકું હોય છે અને એ વાંકું હોય છે એટલે જ વધારે સુંદરતા લાગે છે.
પ્રિય પાત્ર રિસાઈ જાય ત્યારે કેવું થાય છે ? બંધ હોઠોમાં જાણે ફાગણ બાંધી દીધો હોય એવું લાગે. કંઠમાં કોયલના સૂર રૃંધાઈ ગયા હોય તેવું લાગે. પાંપણ બીડી હોય છતાંય નજરોથી મનની વાત ધસમસતા પૂરની જેમ ચારેબાજુ રેલાતી હોય છે. તમે આડું ચાલો તો ય ઝાંઝરની ઝૂલ તો વધારે રણકતી હોય છે. વાંકું પડે ત્યારે પ્રેમ વધારે પ્રગટતો હોય છે.
સાવ વેરાન વગડાની અંદર કોઈ ફોરમની લહેર મળી જાય તો કેવું સુંદર દ્રશ્ય સર્જાય છે ! કડવા વચનોની વચ્ચે પણ એક મનગમતું આકાશ ઊભું કરી લેવાતું હોય છે. તમે એવી ભૂલો ભલે કરતા રહો કારણ કે એવી ભૂલોના મૂલ્ય ખૂબ હોય છે. એના ભૂલ ઓછા આંકી શકાય તેમ નથી હોતા. વાંકું પડે ત્યારે તો હે પ્રિયે ! કેસૂડાના ફૂલની જેમ રંગ વધારે ઘેરો બને છે.
ભીખુ કપોડિયા ઈડર પાસેના કપોડા ગામના વતની છે ઈડરની આસપાસનો વિસ્તાર એટલે તો પલાશના ફૂલોનું રજવાડું. ઈડરથી અંબાજી સુધી પલાશના ફૂલોનો વૈભવ હોળીના દિવસોમાં જોવા મળે છે. પલાશના ફૂલ જોતા જ રહો અને છતાંય આંખો ધરાય જ નહીં એમ રંગો રેલાતા હોય છે. ભીખુ કપોડિયાના ગીતોની એક વિશેષતા એ પણ છે તેમાં હૃદયની ધરતીની સુગંધ છે.
બીજા ગીતની આરંભની પંક્તિ જ કેવી અદભૂત છે. તમે ટહૂક્યા અને આભ મને ઓછું પડયું. આપણે તો જન્મથી આકાશની સાથે જોડાયેલા છીએ. આકાશ એટલે કેટલું વીરાટ તત્વ. રાત્રે આકાશ દર્શન કરતા હોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે કેટકેટલા તારા-નક્ષત્રો તેમાં ફસાયેલા છે. દિવસે કોઈ ખુલ્લા મેદાનમાં જઈને આકાશ જોયું હોય ત્યારે આકાશની વીરાટતાનો પરિચય થાય છે. પણ... જીવનમાં કોઈ પ્રવેશે, જીવનમાં કોઈ પ્રિય પાત્ર આવે, એ આપણા જીવનમાં ટહૂકો કરી જાય અને એ ટહૂકો આપણને પહેલીવાર પરિચય કરાવે છે કે આ આકાશ તો ઘણું નાનું પડયું. મારે તો ઊડવા માટે ઘણું મોટું આકાશ જોઈએ. એક-એક ટહૂકે આનંદ અને ઉમંગની પાંખો ફૂટે, આખું આકાશ પોતાની પાંખોમાં હિલોળા લેતું લાગે ત્યારે આકાશ ઓછું જ પડે. દરેકના જીવનમાં એક ટહૂકો એવો હોય છે જે સાંભળ્યા પછી લાગતું હોય છે કે આકાશ ઓછું પડયું.
પછીની પંક્તિમાં સારસની જોડની વાત આવે છે. સારસ એવા પ્રેમી પંખી છે હંમેશા સાથે ને સાથે જ હોય છે. કહેવાય છે કે એક મૃત્યુ પામે તો બીજું સારસ વિરહમાં ઝૂરીને મૃત્યુ પામે છે. જે ટહૂકાના શબ્દો સંભળાયા હતા એ શબ્દોએ ભીતરમાં રહેલા સારસને પણ લ્હાર પ્રગટાવ્યો છે. એ પાંખના ફફડાટ અને તેની ઊડાનમાં હૃદય પાંપણે આવીને વાંસળીની જોડે શરત માંડીને ગાવા બેઠું હોય એમ ગાવા બેઠું છે. જાણે હૃદયરૂપી તરસ્યા હરણનું દુ:ખ કોઈ પ્રિય પાત્ર જાણી ગયું અને તેણે ગાયેલા ગીતમાંથી જાણે ઝરણા વ્હેતા થયા છે.
મોરના પીંછાંમાં વગડાની આંખે જોવાનો પ્રયત્ન કર્યો છતાંય ક્યાંય કોઈ દેખાતું નથી, કોઈ નજરે ચડતું નથી. મગ્ન એટલું જ છે કે એ પ્રિય પાત્રની વનરાઈ એવી ચારેબાજુ ફાલી ગઈ છે કે ક્યાંય હવે તડકો દઝાડે એવો નથી રહ્યો. આખું વન લીલાંછમ્મ અવાજથી મઢેલું હોય એવું લાગે છે. સમગ્ર ગીતમાં કોઈ મળ્યું નથી. મળ્યાનો ટહૂકો છે, આભાસ છે કોઈ આપણી સાથે છે એનો આભાસ પણ જીવનને કેવું રળિયામણું બનાવી દેતું હોય છે. ભીખુભાઈનું બીજું કાવ્ય જોઈએ.
આભ મને ઓછું પડયું...
તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડયું...
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડયું...
લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊછળી કો સારસની જોડ
પાંખનો હેલાર લઈ પાંપણિયે,
ઉર મારું વાંસળીને જોડ માંડે હોડ :
તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડયું કે કુંજમાંથી ઝરણું દડયું...
મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઈ
નીરખું નીરખું ન કોઈ ક્યાંય,
એવી વનરાઈ હવે ફાલી સોનલ
ક્યાંય તડકાની લ્હાય નહીં ઝાંય;
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાંય
વન આખું રે લીલેરા બોલે મઢ્યું...