Get The App

'ખુબસુરતીથી મને નફરત છે, અને બદસુરતીથી પ્યાર ?'- આકાર

- સંવેદનાના સૂર-નસીર ઈસમાઈલી

Updated: Jan 19th, 2021


Google NewsGoogle News
'ખુબસુરતીથી મને નફરત છે, અને બદસુરતીથી પ્યાર ?'- આકાર 1 - image


ખુ બસુરતીથી મને નફરત છે, અને બદસુરતીથી પ્યાર. કેમકે ખુબસુરતીને બદસુરત ચહેરાનો, અને બદસુરતીની ખુબસુરત ખુશ્બુનો મને પૂરેપૂરો અહેસાસ થઈ ચુકેલો છે. એટલે તો સ્માર્ટ દેખાવાના ફાંફા મારતા જીભના ડાયાબિટિસથી પીડાતા કોઈ છીછરા બેવકુફની વાફપટૂતા મને પ્રભાવિત નથી કરી શકતી. અને કોઈ શાંત ગંભીર માણસની ઓછાબોલી સિન્સીયારીટી મારા પર એની એક અસર છોડી જાય છે, એનું એક કારણ શાયદ એ પણ હોઈ શકે કે હું પોતે દેખાવે ખુબસુરત આદમી નથી. મારા બત્રીસમા વર્ષ જ આછી ટાલ પડવા માંડેલા શ્યામ રૂક્ષ ચહેરા પર પ્લાસ્ટીકી સ્મિત જડેલી બકવાસીસ સ્માર્ટનેસ નહીં પણ કડક શાંત ગંભીર સિન્સીયારીટી જ હમેશાં ઊભરતી રહી છે. એટલે મારો આ ઓફિસ-સ્ટાફ પણ એમનું 'વાહન'મારાથી દસ ફૂટના અંતરે રાખે છે. અને એટલે મારા પ્યૂન નરપતે પણ કેબિનમાં આવીને સહેજ ફફડતા સ્વરે જ કહ્યું, 'સાહેબ ! આપને કોઈ મળવા આવ્યું છે બહાર, કંઈક પર્સનલ કામ છે આપનું.' 'મને મળવા ? પર્સનલ કામ માટે ઓફિસ-અવર્સમાં ? કોણ છે ?' મે આશ્ચર્ય પામેલા કડક સ્વરે નરપતને પૂછ્યું, અંતે એના ઉત્તરે તો મને ઓર આશ્ચર્યમાં મૂકી દીધો.

'સાહેબ! કોઈ બે બાઈઓ છે. એક જુવાન ગોરી સરખી રૂપાળી છોકરી છે, અને બીજા પ્રૌઢ સન્નારી. કહે છે કે અમારે આકાર સાહેબને જ સીધું મળવું છે. મેં એમનાં નામ પૂછ્યાં પણ એમણે કહ્યાં નહીં. કહે કે આપ એમને નામથી નહીં, જોયેથી જ ઓળખી શક્શો. મેં એમને બહાર વિઝીટર્સ રૂમમાં જ બેસાડયાં છે આપ કહો તો અંદર મોકલું.'

'નરપત !'મેં કડક સ્વરે પ્યૂનને કહ્યું, 'તને ખબર છે ને કે, પર્સનલ કામે આવેલી કોઈપણ વ્યક્તિને ઓફિસમાં પ્રવેશવાની મેં મનાઈ ફરમાવેલી છે !'અને જેના ગેસ્ટ હોય એણે રજિસ્ટરમાં એન્ટ્રી પાડીને વિઝીટર્સ રૂમમાં મળવા જવું, એ નિયમ મને પણ લાગુ પડે છે. રજિસ્ટર લાવ.

અને રજિસ્ટરમાં સહી કરી આશ્ચર્ય આંજેલી આંખે જ હું ચેર પરથી ઉભો થયો કેમકે આ આકારને એટલેકે મળવા આવે એવું તો કોઈ મારું પરિચીત છે જ નહીં. મારા કડક મિજાજથી વાકેફ મારા પત્ની પણ બહુ જરૂરી હોય તો જ સિર્ફ ફોન પર જ મને ડિસ્ટર્બ કરે છે. રૂબરૂ તો નહીં જ. અને આ નરપત કહેતો હતો કે મને મળવા આવનારાઓમાં એક જુવાન રૂપાળી છોકરી પણ છે. જુવાન રૂપાળી છોકરીઓથી હું હંમેશાં દૂર ભાગતો રહ્યો છું. અને મારી તેજસ્વીતાની આગમાં જલવા આતુર એવા ઘણાં રંગીન કોલેજ- પતંગિયાઓ મારી બરછટ રૂક્ષતાથી માયુસ થઈ ચહેરો ઘુમાવી ચાલી ગયાં છે. જેનો ઓફકોર્સ મને કોઈ અફસોસ નથી. મારા બાપુજી હંમેશાં કહેતાં કે રૂપાળી સ્ત્રી એટલે પેટ્રોલની ટાંકી ! એ કયારે ફાટીને તમારી જિંદગીને આગ લગાવી દે એનો કોઈ જ ભરોસો નહીં. અને એટલે તો મેં પત્ની પણ તદ્દન સામાન્ય દેખાવની જ પસંદ કરી છે, જેના પર કોઈ ખરાબ નજરનો પડછાયો ન પડે. મારી રૂપાળી બાની કદરૂપી દાસ્તાન સંભળાવતા ઉદાસીનતામાં ગરકાવ થઈ ગયેલો મારા બાપુજીનો બદસુરત ચહેરો હું ક્યારેય ભૂલી શકું તેમ નથી.

'માનો ચહેરો તો મને યાદ જ નથી. પણ જેમ જેમ હું બાળપણથી કૈશોર્યની કેડીએ કદમ પડતો ગયો તેમ તેમ મને એકલે હાથે ઉછેરીને ભણાવવાનું કાળજીપૂર્વક તપ કરી રહેલા બાપુજી પ્રત્યેનો મારો આદર વધતો ચાલેલો અને મા વિષે જાણવાનું કૂતુહલ પણ.'

અમારા બે ઓરડાના અને હું તેમ જ બાપુજી એમ બે જ વ્યક્તિઓના બનેલા નાનકડા ઘરમાં ન તો મારી માની કોઈ તસ્વીર હતી કે ન તો બાપુજી મા વિષે કશું કહેતાં પણ..

પણ જ્યારે હું બી.કોમમાં ડિસ્ટીંકશન સાથે ફર્સ્ટ કલાસ મેળવી પાસ થયો અને બાપુજીની ઝીણી આંખોમાં આનંદના આંસુ ઉભરાઈ આવ્યા ત્યારે હું પૂછ્યા સિવાય રહી ન શક્યો 'બાપુજી બા યાદ આવી ગઈ?'

પણ એ સાંભળતા બાપુજીના કાળા રૂક્ષ ચહેરા પર નફરતની એક આગ ઉભરી આવી. 

અને એ આગમાં સુકાઈ ગયેલા બાપુજીના આંસુઓએ જે ધારદાર ઉત્તર મને આપેલો એણે જિંદગીના એક કડવા રહસ્યને છતું કરીને મારી હથેળીમાં મુકી દીધેલું તે દિવસે.

'આકાર! તારી બાનું નામ યાદ આવે તો મારી આંખોમાં નફરતની લાલાશ ઉતરી આવે, સંવેદનાભીનાં આંસુઓ નહીં. તું વારંવાર સીધી યા આડકતરી રીતે તારી બે વિષે પૂછ્યા કરે છે, તો આજે તું પણ એના વિષે પૂરેપૂરું જાણી લે, જે જાણ્યા પછી તારી જબાન પર ક્યારેય બા શબ્દ નહીં આવે. તારી મા એક અત્યંત ખુબસુરત પણ મહાબદચલન ઔરત હતી. એ મરી નથી ગઈ પણ તું જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે તને રઝળતો મૂકીને એ મારા એક વખતના મિત્ર અને એના યાર સાથે ભાગી ગઈ છે. હવે ક્યારેય મારી પાસે એનું નામ ન લેતો આકાર શી ઇઝ ડેડ ફોર મી !'

મને ત્રણ વર્ષથી તેવીસ વર્ષ સુધી એકલા હાથે ઉછેરી, સારી રીતે ભણાવી, આવી ઊંચી પાયરીના નોકરી મેળવવા માટે મને કાબિલ બનાવનાર મારા બદસુરત બાપુજીની અંદરની ખુબસુરતી પ્રત્યે જેટલો આદર મારા મનમાં ઉભરતો રહ્યો છે, એટલી જ નફરત મારા મનમાં ન જોયેલી ખુબસુરત મા તરફ અને રૂપાળી સ્ત્રીઓ તરફ મારા સતત ઉભરાતી રહી છે. અને આ નરપત કહેતો હતો કે આજે બે સ્ત્રીઓ મને મળવા આવી છે, જેમાંથી એક જુવાન અને રૂપાળી છે... અને વિઝીટર્સ રૂમ.

'મે આપ બંનેને ઓળખ્યાં નહીં ?' ઓફિસના વીઝીટર્સ રૂમમાં બેઠેલી યુવાન રૂપાળી ત્રેવીસ એકની લાગતી યુવતી અને એની સાથેની આધેડ પણ ગૌર જાજરમાન પ્રૌઢા તરફ પ્રશ્નાર્થ ભરી નિગાહે જોઈ કડક સાશંક સ્વરે મેં પૂછ્યું. બંને સ્ત્રીઓ- ખાસ કરીને તો પેલી ગૌર જાજરમાન પ્રૌઢા અનિમેષ નયને મને તાકી રહી.

'આકાર.. દિકરા.. હું..હું તારી બા સરીતા !' બોલતાં પ્રૌઢાનો સ્વર ભીનાશથી લડખડાઈ ગયો, અને મારી આંખોમાં ઉતરી આવી ક્રોધના જવાળામુખીની આતિશી લાલ લાલ લપટો ! વર્ષોથી જેહનમાં ધખતા રહેલા શબ્દ-અંગારા મારી જબાનની સરજમીં પર ઊતરી આવ્યા...(વધુ આવતા બુધવારે)


Google NewsGoogle News