ચર્ચ સ્થાપત્ય સૌંદર્યનું ઘર-ડેલહાઉસી .

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
ચર્ચ સ્થાપત્ય સૌંદર્યનું ઘર-ડેલહાઉસી                . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

પર્વતીય પ્રદેશોમાં ચર્ચનાં થાણાં

શાસ્ત્રોમાં ''નીરક્ષીર વિવેક''નું મહિમાગાન છે. ગમે તેવી પરિસ્થિતિમાં ''સારું અપનાવું'' અને ''નઠારું ત્યજવું''નો મર્મ સમજી એને અમલમાં મૂકીએ તો ઓછા દુ:ખી થઈએ. આપણા સંસ્કૃતિ પ્રધાન દેશ ઉપર અનેક વિદેશીઓએ પગપેસારો કરી પગ સ્થિર કરવાના પ્રયત્નો કરેલા તેમાં અંગ્રેજો વધુ ફાવેલા અને આપણા શિર ઉપર લગભગ અઢી શતાબ્દી સુધી એમના મજબૂત વિકરાળ પંજા કસાયેલા રહ્યા. વળી, ભારતની વિષમ-એમને માટે પ્રતિકુળ આબોહવાને કારણે એઓએ પર્વતીય પ્રદેશો ઉપર નજર ઠેરવી તેને ઉનાળુ આવાસ બનાવ્યા - નામ ''હિલ સ્ટેશન'' જે આજની ઘડી સુધી ભારતીયોને- પ્રવાસીઓને આકર્ષે છે. આખીય હિમાલયન પર્વતમાળામાં લગભગ દરેક રાજ્યમાં બ્રિટીશ સ્થાપત્યો નજરે પડે છે. તેમાં તેમના આસ્થા સ્થાન-ચર્ચનો સમાવેશ થાય છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળા, મેકલોડગંજ, ડેલહાઉસી, ખજિયાર, ચંબા, કાંગડાખીણ અને અન્યત્ર પણ ચર્ચ, ચેપલ અને કેથેડ્રલ નામના પવિત્ર ધામનું મહાત્મ્ય છે. વિશ્વને કરૂણાનો સંદેશ આપનાર, બલિદાનની વેદી પર હસતા મુખે જીવતે જીવત જન્મોને સહન કરી જનાર ઈસા મસીહ- ઈસુ ખ્રિસ્ત વિશ્વના કલ્યાણ સારુ આ સર્વ સ્થળોએ સૂક્ષ્મ રૂપે હાજરાહજૂર છે. પ્રેમનો સંદેશો પણ તેમનો જ. મધર મેરીનો ઉછેર પણ લાજવાબ. તો કેવા છે એમના અસ્તિત્વની સાક્ષી પૂરતાં સ્તાપત્યો ? શું એ નર્યાં મકાનો જ છે કે પછી એમાંય કોઈ શૈલી કોઈ કળા ખરી ? કેમ નહિ ! બ્રિટન અને યુરોપિયન દેશોએ યુગોથી ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય કળાની મશાલ પ્રજ્વલિત રાખી છે. રેનેસાં- ક્રાન્તિ પછી આળસ મરડીને ઊભી થયેલી કળા રાણીનાં ઝાંઝર ડેલહાઉસીમાં રણઝણે છે.

સાચી કળાને સ્થળ-કાળનાં બંધન નડે નહિ

ડેલહાઉસીમાં અગત્યના કહેવાતા કુલ પાંચ ચર્ચ છે તેની વધતી-ઓછી પરિચય કણિકા મેળવવા પ્રથમ પડાવે સુભાષ ચોકમાં સેન્ટ (સં) ફ્રાન્સિસ કેથોલિક ચર્ચનાં સોપાન ચડીએ. વસાહતી સ્થાપત્યનું એ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઓગણીસમી સદીના બ્રિટીશ રાજમાં ૧૮૯૪માં બંધાયેલ ા શ્રી સ્થળ યુરોપિયન અસરયુક્ત કળાનો બોલતો પુરાવો છે જેનું અભિવાદન એ આજે પણ કરે છે. વિશાળ વિસ્તાર છે આ પર્વતીય સ્થળનો. જે લીલોછમ છે. પ્રવાસીઓને તે શાંતિ અને ધ્યાનમગ્ન અવસ્થા આપે છે. વિક્ટોરિયન યુગના આ સ્થાપત્યમાં ગૉથિક શૈલીની તાજગી અને અણસાર બન્ને છે. સુંદર સ્ટેનગ્લાસ કળાકર્મ, પથ્થરની દીવાલો અને કાષ્ઠકળા રસિકોને શાંત વાતાવરણમાં સેરવી દે. પારંપારિક સંરચના ધરાવતા આ ચર્ચને ઊંચી દીવાલો અને ટોચ પર રંગીન કાચની ગોળ બારી વેન્ટિલેટર તરીકે શોભા આપે છે. છજા ઉપર ગીચ-ઝીણી કાષ્ટ કોતરણીમાં ફૂલવેલ અને ભૌમિતિક ભાત છે. રંગસંયોજન યુક્ત બારીઓ ઈમારતને સુંદર બનાવે છે. સમય સાથે પ્રભાવી સૌંદ્રય સચવાયું છે. બેલ્જિયન કાચનું ઉચ્ચ કક્ષાનું સૌંદર્ય પ્રસ્તર કામ સાથે મળી સ્થાપત્યની કળા ઊંચાઈને દ્રઢ બનાવે છે. અદ્ભુત કળા કારીગરીવાળું કલાકર્મ આજેય તાજું ભાસે છે. આ બાંધકામ સેના, પ્રશાસન અધિકારીઓ અને જનતાએ જનભાગીદારીમાં કર્યંુ છે. તેની ઉપર બ્રિટનના અનેક ચર્ચની સમ્મિલિત છાપ છે. પાદરી સાહેબ નજીકમાં રહે છે તે મકાનનું નામ ''અલવેર્ના'' છે જે ''લમ્બે ચોલેવાલે પાદરીકી કોઠી'' તરીકે ઓળખાય છે. કોતરણીના નાના છેદમાંથી ૩ઘ નો અનુભવ થાય. અત્યંત ચિત્રાત્મક આ સ્થળ દેવદારનાં વૃક્ષો વચ્ચે સોહે છે. છત અને દીવાલના છેડાને અડીને રંગીન કાચવાળી ગોળ બારીઓ છે. આસપાસ નાનો બાગ, દૂર ઊભા શિખરો, ટેકરી પરનું અતિ સુંદર ગામ, તેના નાજુક-ફાંકડા મકાનો પ્રાચીન સૌંદર્યને પુષ્ટિ આપે છે.

જિસસ ક્રાઈસ્ટ મૈત્રીભાવે પ્રસાદની મિજબાની આપે

પારંપરિક બ્રિટીશ શૈલીના દેવળોમાં કાષ્ટકોતરણીવાળા શિલ્પો, ગર્ભગૃહ, પોડિયમ અને કન્ફેશન કોર્નર (કબૂલાત સ્થળ) હોય; તો, ઊંચી છતવાળા હૉલમાં નકશીયુક્ત બાલ્કની અને કઠેડા પણ હોય.

 સેન્ટ પેટ્રિક ચર્ચ પાઈન વૃક્ષોના આગોશમાં વિલસે છે. ૧૯૦૯માં બંધાયેલા આ દેવળમાં પણ ગત યુગની ઝાંખી થાય. ડેલહાઉસી ગામ પોતે જ જૂનવાણી અને વિલક્ષણ ગામ છે. જ્યાં આવા પ્રભાવી સ્થાપત્યો છે. સેન્ટ એન્ડ્રઝ ચર્ચ ૧૯૦૩માં સ્કોટિશ સાધુના માર્ગદર્શનમાં બંધાયું હતું. જેમાં ઈન્ડો-સ્કોટિશ સ્થાપત્ય શૈલી છે. ઊંચું ત્રિકોણાકાર શિખર અને તેની નીચે દીવાલ પર ઘડિયાળ ત્રણ માળની મોટી છજાને લીધે અદ્ભુત લાગે છે. આ સ્થાપત્યમાં રોમલ કૉલમ્સ (સ્તંભો) સેન્ટ પેટ્રિક્સ ચર્ચ નાનું પણ કુટિર આકારની છજા પર ઘંટ ધરાવે છે. નાની ગૉથિક બારીઓ ગોળ હવાજાળિયા સહ ઉપરથી સૌને નિહાળે છે. ગાંધી ચોકમાં સેન્ટ જોન્સ ચર્ચ બજાર વચાળે બ્રિટીશ કાળની અંતિમ- બચેલી સ્મૃતિસમ છે. ૧૮૬૩માં બનેલું વિક્ટોરિયન સમયનું એ ગામનું સૌથી પ્રાચીન દેવળ છે. જેમાં વિક્ટોરિયન સ્થાપત્યકળાના પગલાં અંકાયેલા છે. પ્રાચીન પુસ્તકો અને તસ્વીરોનો અમૂલ્ય ખજાનો અહીં છે. ઐતિહાસિક કળાકર્મ, સાંસ્કૃતિક વારસો બ્રિટીશ સ્થાપત્યની પ્રાચીન -પથ્થરની કલાની અને સ્થાપત્યની છડી પોકારે છે. અહીંના દરેક ચર્ચની જાળવણી કાબિલેદાદ છે અને જ્યાં પરમ શક્તિની ઉપાસના થઈ શકે ત્યાં શું ધર્મ અને કયો વાડો ? આપણે તો બસ, કલાની આરાધના કરી કૃતકૃત્ય થઈ જઈએ.

લસરકો :

નીડર સત્યનો સહારો લે છે. વિશ્વાસપૂર્વકની પ્રાર્થના રોગીનેય બચાવે. વિશ્વાસ પર વિશ્વાસ કરીએ તો પરમેશ્વરનો મહિમા સમજી શકીએ.

- ઈસુ ખ્રિસ્ત પ્રભુના શબ્દોનો સાર

ઈમારતની સંરચના માત્રને સ્થાપત્ય કહેવાય

જ્યારે માનવીઓએ ઈમારતો બનાવવાનું શરૂ કર્યું ત્યારથી એમાં વિવિધ હેતુઓ અને વપરાશના આધારે વિભાગો પાડવામાં આવ્યા. રહેણાંક, ધાર્મિક વિધિવિધાન માટેના પ્રાર્થના સ્થળ, પૂજા-પાઠ આદિ સારુ ખાસ મકાન, શિક્ષણ માટેના સ્થળ, દવાખાના સારવાર માટેની ખાસ સગવડ માટેની જગ્યા, કાર્યાલય, પ્રયોગશાળા, સ્મારકો બજારમાં દુકાનો અને દુકાનોની શ્રેણી તથા વિભાગીય મુખ્ય સ્થળો (ડિપાર્ટમેન્ટલ સ્ટોર), મંડળોની પ્રવૃતિઓ માટેની જગ્યા અને પછી તો સ્ટેશન, બસથાણાં અને એરપોર્ટ પણ એ જ વર્ગની વ્યાખ્યા હેઠળ આવ્યા. ભોંયતળિયા ઉપરના મકાન સાથે ભોંયરાની સગવડો પણ વિચારાઈ. આ બધી જ શ્રેણીઓમાં જેને આપણે બહુમાળીય (મલ્ટિસ્ટોરી) મકાનો કહીએ છીએ ત્યાં સુધી પહોંચ્યા; તો સાથે સાથે ઊંચા ઊંચા ટાવરો પણ અસ્તિત્વમાં આવ્યા. ટર્મિનલ મકાનોના વિભાગો, વૉચ ટાવર પાછા અલગ, અરે હા, ઊંચા ઊંચા પૂતળાંઓ આમાં ન આવે. એને શિલ્પ વિભાગમાં સ્થાન મળે. તો, ધાર્મિક ગણી શકાય એવી ઈમારતોમાં મંદિર, મસ્જિદ, મઠ, ગિરિજાઘર (ચર્ચ કે દેવળ) દેરાસર, ઉપાશ્રય આદિને સમાવી શકાય. નતિ-નિયમ અને ઉપયોગ પાછા એમાં પેટાવિભાગો હોઈ શકે. બાકી ખાણીપીણી માટેનાં ખાસ મકાનો (હૉટલ-રેસ્ટોરાં) આમાંથી કોઈપણ શ્રેણીની સાથે સંલગ્ન હોઈ શકે- કારણ કે નવયુગમાં ''જીવવા માટે ખાવું'' એના કરતાં ''ખાવા માટે જીવવું'' વધુ સ્વીકારાયું છે. હિમાચલ પ્રદેશના પ્રાચીન ગામ ડેલહાઉસીના ચર્ચ પરિસરમાં તાજી હવાને શ્વાસમાં ભરીએ.


Google NewsGoogle News