દક્ષિણ ભારતની રસભર રંગોળીઓ .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
- રંગોળી ભારત ઉપખંડની પોતાની મૌલિક કળા છે
દક્ષિણ ભારતના ચારેય રાજ્યો-કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરાલા અને તામિલનાડુની રંગોળી કળામાં મૂળભૂત તત્વોમાં ઘણું સામ્ય જોવા મળે છે છતાંય દરેકની ખાસિયત અને ઓળખ અલગ-અલગ છે. યુગોથી પેઢી દર પેઢી ચાલતી આ કળા ભૂતકાળમાં જમીન પર જ થતી. હવે તે ટેબલ પર પૂઠાં, કેનવાસ, લાકડાં, અને જળ ઉપર પણ થાય છે. ઉત્સવો વિવિધ પ્રસંગો, લગ્ન પ્રસંગો, અન્ય શુભ અને ધાર્મિક પ્રસંગોમાં પૂરવામાં આવતી રંગોળીની પરંપરા હજુ જીવે છે. દિવાળી, ઓણમ, પોંગલ, નવરાત્રી અને અન્ય તહેવારો નિમિત્તે રાજ્ય અને સંસ્કૃતિ અનુસાર તેના ંનામ પડયાં - ધાર્મિક પ્રતીકોનાં અંકન દરેક સ્થળે જોવા મળે - તો, યજ્ઞાકુંડની ફરતે પણ રંગોળી થાય. ઘરની છેક બહાર - ઉંબર વળોટીને, ઘર તરફ જતાં-આવતાં પગથિયાંને પેલે પાર શોભે રંગોળી. ભૂમિ ઉપર થતી એ સજાવટ ધરતીનો શૃંગાર છે - ઘરની શોભા છે - નારીની નિષ્ઠા છે. હા, એ તળપદી- દેશી-ગ્રામ્ય કળા પ્રાચીન કાળમાં સ્ત્રીઓજ પ્રસ્તુત કરતી. એ લોકકળા સ્વગૃહ સુધી સીમિત હતી. અલબત્ત, આજકાલ એ સામાન્ય રીતે સહિયારી જગ્યાઓ ઉપર દેખા દે છે. આંગણા ઉપરાંત રંગોળી પૂજારૂમમાં અને તેના બારણે, તુલસીક્યારે, રસોડે અને કોઠાર બહાર પણ દક્ષિણ ભારતમાં રૂઢિચુસ્ત પરિવારોના ઘરમાં દેખા દે છે. કર્ણાટકમાં 'રંગોળી' અને 'રંગોલે' નામ રંગોળી માટે પ્રચલિત છે. કર્ણાટકી કન્નડ મહિલાઓ આખુંય વર્ષ ઘર મંદિરમાં અને ઘરના મુખ્ય પ્રવેશદ્વારે નાની પ્રતીકાત્મક રંગોળી કરે છે. ક્યાં તો ચોખાનો કોરો લોટ અથવા ચિરોડીનો ભૂકો એમાં વપરાય. વાર-તહેવારે આંગણામાં ચોખાના કોરા લોટથી મોટી રંગોળી અવશ્ય કરે.
ઉત્સવની તૈયારીમાં જ ઉત્સવનો ભાવ!
આપણે ભારતીયો ઉત્સવ, તહેવાર, વાર, ઘટના, ઉજવણું, પ્રસંગ, ઋતુ, તિથિ, તારીખ આદિને નોંધી રાખીને, યાદ રાખીને તારીખિયા (કેલેન્ડર)નું મહત્વ ખૂબ જ હોશથી જાળવતાં આવ્યાં છીએ. અગાઉથી જે-તે દિવસનું આયોજન યોજના બધ્ધ હોય તેનું ખાસ ધ્યાન રાખતાં હોઈએ છીએ! એ સમયની જરૂરિયાતની આપૂર્તિ આગોતરી કરી દઈએ છીએ-ક્યાંય કોઈ ત્રુટિ કે કચાશ ન રહી જાય એને માટે ભારતીય નાગરિક ખૂબ ચોક્કસાઈથી આનંદપૂર્વક એ ક્ષણોને માંણવા આતુર રહે છે. ઉત્સાહ એટલો હોય કે નાની-નાની વાતનું ખૂબ મોટું ધ્યાન રાખવામાં આવે છે એ દરમ્યાન. સફાઈ, વસ્ત્રો, વાનગીઓ, ઘરેણાં, અતિથિઓના સ્વાગતની તૈયારીઓ, હવે તો ''તૈયાર થવું'' નો નવો ચાલ આવ્યો છે એટલે ''અપ ટુ ડેટ'' રહેવા ખાતર પણ આપણે બધું જ જ કરી છૂટીએ છીએ. આપણા પારંપરિક તહેવારો માટે પણ પ્રત્યેક ભારતીયના મનમાં આનંદ, જિજ્ઞાસા અને ઉત્સુકતા હોય છે. કોઈ કેટલાય દિવસોથી તબક્કાવાર-સંસ્કૃતિને છાજે એવી પૂર્વ તૈયારી હોય-એમાંય દિવાળીનો તહેવાર આ ઉપખંડને ઊંચો-નીચો કરી મૂકે. છેલ્લો વારો આંગણાનાં સુશોભનનો હોય. ઘર તો સજાવાઈ ગયું - હવે પ્રવેશે, ઉંબરે સ્વસ્તિક કે રંગોળી ન હોય તો વાતાવરણ અડવું લાગે. સમસ્ત ભારતમાં વૈવિધ્યપૂર્ણ રંગોળીઓ બને છે તેમાં દક્ષિણ ભારતની રંગોળી વૈશ્વિક સ્તરે નામ કાઢે. અરે ! દક્ષિણના ચાર રાજ્યોમાંના કોઈ પણ રહેવાસી દેશમાં અન્ય સ્થળે કે દરિયાપાર ક્યાંયના ક્યાંય-હજારો માઈલો દૂર વસ્યાં હોય ત્યાં એક નાનું શું ભારત સર્જીને તેમાં મ્હાલે.
વિધિવિધાનયુક્ત ક્ષણભંગુર લોકકળા
આન્ધ્રની તેલુગુભાષી મહિલાઓ પણ રોજે-રોજે રંગોળી કરે-જે ''મુગ્ગુ'' તરીકે ઓળખાય. ભૌમિતિક અને સમપ્રમાણ રંગોળી તેમની ખાસિયત છે. કેરાલા રંગોળી બાબતમાં જુદું પડતું રાજ્ય છે. એની મલિયાળી મહિલાઓ ''પુ-ક્કલમ્'' નામની રંગોળી વર્તુળમાં રંગબેરંગી ફૂલોના સંયોજનથી બનાવે છે. ઓણમ નામના તહેવારે દસ દિવસ માટે તેઓ આવી રંગોળી બનાવે - જે દરરોજ આગલા દિવસ કરતાં મોટી બને. અન્ય તહેવારે-દિવાળી, નવરાત્રી દરમ્યાન કેરાલામાં પલાળીને વાટેલા ચોખાની લુગદીમાંથી બહેનો એક સાથે ચાર આંગળીઓ બોળી ચાર સીધી રેખાઓની ગૂંથણી કરી રંગોળી સજાવે અને ડિઝાઈનમાં એ ભૌમિતિક ભાત એકમેકમાં ભળતાં, આકારો થકી એક સંકુલ વિશ્વ ખડું થઈ જાય! તમિલનાડુ એક એવું રાજ્ય છે કે જેણે પોતાની પ્રાચીન સંસ્કૃતિને સહજ રીતે ટકાવી રાખી છે. પરંપરાગત પોષાક, દેવપૂજા, રિવાજો, ખાણી પીણીની જેમ તેમની રંગોળી પણ અનોખી ભાત પાડે છે. તામિલ ભાષામાં રંગોળીને 'કોલમ' કે 'કોલ્લમ' કહે છે. તેમની રંગોળીનું સ્વરૂપ 'ગ્રીડ' એટલે કે જાળી જેવું હોય છે. સંસ્કૃતિમાં વણાયેલી આ હસ્તકળા કૌશલ્યપૂર્ણ છે. દરરોજ થતી રંગોળી દીકરીઓ જરૂર શીખે છે. રંગોળી કરતાં પહેલાં નિર્મળ જળ, છાણ આદિી એ સ્થળ ચોખ્ખું-પવિત્ર કરે. ગેરું કે અન્ય રંગ પ્રશ્ચાદ્ભૂમાં ક્યારેક કરે. મોટે ભાગે આ રંગોળી સીધી જમીન પર જન્મે. સમૃધ્ધિ અને સદ્ભાગ્ય લાવતી આ કળા ઘરમાં આવતી લક્ષ્મીનું સ્વાગત કરે - ખુશી, હકારાત્મકતા અને જીવંતતા લાવે. ટૂંકું અને સુંદર આ કળા સ્વરૂપ રેખાઓની સમપ્રમાણતાને કારણે રસપ્રદ બને. 'બ્રહ્માંડ' વિષય બીજ પર આધારિત આ કળાં ટપકાં-બિંદુની ગણતરી પર આધારિત હોય છે. ટપકાંને તમિલમાં ''પુલિ'' કહેવાય. મકર સંક્રાંતિ પર્વે ''પોંગલ'' ઉત્સવે કોલમ ફરજિયાત !
રંગોળી તો એક પ્રકારની ચિત્રાત્મક પ્રાર્થના છે
પુલિને અનુસરીને સામ સામે, કિનારે કિનારે, ધારે-ધારે ભાત રચાય. સુરેખ લકીર સાથે ગાણિતિક
નિયમોના આધારે ડિઝાઈન બને. પુલિ અને ગાંઠ બહુદિશ હોય તે ગતિ કરે. સામગ્રીમાં રોજ ચૂનાનો પાવડર ચાલે, પરંતુ પ્રસંગે ચોખાનો કોરો લોટ અને પલાળેલા ચોખાની લુગદી જરૂરી. સાથે હળદર, કંકુ, લાલ માટી, પાંદડાંનો લીલો રંગ, સ્ફટિક (કાચ) પાવડર, રંગીન રેતી, રંગીન પથ્થર વાપરે. લાલ ઈંટના ચૂકાને 'કાવી' કહેવાય - જેનો ઘેરો મરૂન રંગ પ્રભાવી લાગે - ચળકે. રંગોળીની અખંડ રેખા અપશુકનિયાળ તત્ત્વોથી માનવનું રક્ષણ કરે. લન્ગટાણે 'કલ્યાણ કોલમ' બનાવે - રામ, સીતા, છદ્મવેશે આશિષ આપે. રંગોળીનાં શુભ પ્રતીકો છે ફૂલ, સાપ, પતંગિયાં, પશુ-પક્ષી, કથકલી, શંખ, ચક્ર, તારા, મેઘધનુષ્ય, દેવી-દેવતા, રથમ્ ઈત્યાદિ. રંગોળીને તામિલનાડુમાં હૃદયપક્ષ પણ કહે છે. સૂર્યોદય પહેલાં કરાતી રંગોળીનો ઉલ્લેખ સાહિત્યમાં છે. આ કાલાતીત અનંત કળા દક્ષિણના તામિલનાડુમાં ચોલા રાજવંશ દરમ્યાન વિકસી. અન્નપૂર્ણેશ્વરી ગણાતી મહિલાઓનો આધ્યાત્મિક અંદાજ પણ અલગ છે. ચોખાની રંગોળી-કોલમ કીડી, મંકોડા, જીવાત, પંખીડાંને આકર્ષે, માનવેતર અબોલ જીવોની રક્ષા કાજે અન્નદાતા બનવું સારું ને ! એ જ ભાવ! દેવી દેવતાને અને પેલા જીવોને નિમંત્રણ પત્રિકા (રંગોળી) આપી નોતરતી એ નારીઓ રંગોળી સર્જન થકી ઉઠ-બેસ દરમ્યાન કરોડરજ્જુની કસરત કરે છે. તેમની પાચનક્રિયા સુધરે છે અને સર્જનક્ષમતા વધે છે. રંગોળી કુટુંબના કલ્યાણ-શ્રેય માટે છે - બીજું શું જોઈએ ?
લસરકો :
પર્વાનુસાર પ્રભુની શોભાયાત્રા નિમિત્તે દક્ષિણ ભારતીય સખીમંડળી સરિયામ વિશાળ રસ્તા ઉપર રથ આવે તે પૂર્વે જળ છાંટી મહાકાય સફેદ રંગોળી સ્વાગત સારુ બનાવે -
પ્રભુ સેવા કળા થકી !!